પીડા કે રોગનાં ચિહ્નો પાછાં દેખાવાં
પ્રાણચિકિત્સા આપ્યા બાદ ફરી પાછાં દેખાતાં રોગનાં ચિહ્નો કે પીડા થવાનાં ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્થાનિય શોધન–માર્જન કર્યા વગર જ ઉજ્જવલન કરવું અથવા સ્થાનિય શોધન–માર્જન અપૂરતું કરવું કે ઉજ્જવલન વધુ પડતું કે તીવ્રતાથી કરવું.
દર્દીને સંપૂર્ણ શોધન–માર્જન કરવામાં આવે, અપૂરતું કે અયોગ્ય રીતે કરવામાં ન આવે તો દર્દીના ઊર્જાદેહમાં છિદ્રો રહી જાય જેનાથી ઊર્જા વહી જાય અને ચિહ્નો પાછાં ફરી શકે છે.
ઘણીવાર પ્રક્ષેપિત પ્રાણઊર્જાને સ્થાપિત કરવાનું ચૂકી જવાથી પ્રાણ વહી જાય અને ચિહ્નો ફરી પાછા દેખાય છે.
રોગીષ્ટ ઊર્જાનો નિકાલ યોગ્ય રીતે (મીઠાનાં દ્રાવણમાં) ન કરાયો હોય તો પણ રોગીષ્ટ ઊર્જા દર્દીમાં પાછી ફરે અને પીડા આપે.
જો દર્દીને અપૂરતું પ્રાણસિંચન થયું હોય તો પણ દર્દીને પીડા ફરી થવા માંડે છે. દર્દીઓ ઘણીવાર તેમને કેવી ગંભીર પીડા કે બીમારી થઈ તેની ફરી ફરી વાતો કરે તો પણ તેને ફરી પીડા થઈ શકે છે. તેઓ આ રીતે બીમારીને આમંત્રણ આપ્યા કરતાં હોય છે.
કેટલાક દર્દીઓ સાજા થતા જ નથી
ઉપરોક્ત બાબતો દર્દીને સાજા થવામાં અવરોધરૂપ હોય છે. આ ઉપરાંત અયોગ્ય અવલોકન થવાથી અયોગ્ય પ્રાણચિકિત્સા, અપૂરતી ચિકિત્સા થાય તો દર્દી સાજો થતો નથી.
દા.ત. હાથમાં દુઃખાવા માટે તેનાં હાથ પર પ્રાણચિકિત્સા કરવામાં આવે પરંતુ હાથમાં દુઃખાવાનું મૂળ કારણ, સોલરચક્રો, હૃદયચક્રો કે મેગમેનચક્ર હોય અને તેની સારવાર ન કરવામાં આવે.
પ્રાણચિકિત્સા યોગ્ય સમયઅવધિ પછી ન કરવાથી પણ દર્દી સાજો થતો નથી. કેટલાક રોગોમાં સારવાર દર કલાકે, બે કલાકે, અથવા દિવસમાં ૪ થી ૬ વાર કરવી જરૂરી હોય છે. તેમ ન થવાથી દર્દી સાજો થતો નથી.
અમુક રોગો દા.ત. અપોષણ અથવા અયોગ્ય આહારમાં દર્દીને પ્રથમ તાજો પોષક પૂરતો આહાર લીધા બાદ સારવાર થવી જોઈએ. ઘણાં દર્દીઓ ખૂબ જ વૃદ્ધ, અશક્ત, ખૂબ જ બીમાર હોય તો તેઓ પ્રાણસિંચન કર્યા છતાં પ્રક્ષેપિત પ્રાણઊર્જા ગ્રહણ જ કરી શકતાં નથી એટલે તેઓ સાજા થતાં નથી. તેઓની યોગ્ય સારસંભાળ અને ચિકિત્સા થવી જ જોઈએ.
ઘણાં કિસ્સાઓમાં રોગનું મૂળ તેમનાં કર્મોનાં પરિપાક રૂપે હોય છે અને હજુ તેઓનો સાજા થવાનો સમય પરિપકવ ન થયેલો હોય. જે પદાર્થપાઠ તેઓ એ બીમારી આવવાથી શીખવાનો હોય છે હજુ પણ શીખ્યા ન હોય તેવા દર્દીઓ સાજા થતા નથી. તેઓની દર્દ સહેવાની સમયાવધિ પૂરી થાય ત્યારે જ તેઓ ફરી સાજા થવા માંડે છે.
પ્રાણચિકિત્સકને થતી આરોગ્ય સમસ્યાઓ.
પ્રાણચિકિત્સકને સામાન્ય રીતે કશું થતું નથી. અન્યની પ્રાણચિકિત્સા કરતાં કરતાં તેમનો ઊર્જાદેહ ખૂબ જ બળવાન બની જતો હોય છે.
જો કે સારવાર દરમ્યાન થતી ભૂલો કે અસાવધાનીનાં પરિણામે તેઓને કેટલીકવાર હાથની આંગળીઓ, હાથમાં દુઃખાવો થાય છે. આનું કારણ દર્દીની રોગિષ્ઠક ઊર્જાનું તેમનાં હાથ, આંગળામાં અવશોષણ હોઈ શકે છે. આને નિવારવા પ્રાણચિકિત્સકે પોતાનાં હાથ, આંગળાં વગેરે વારંવાર ઝટકી નાખવા જોઈએ, અલગ અલગ અવયવો કે ચક્રોનું સૂક્ષ્મ અવલોકન કરવા દરમ્યાન હાથ ઝટકવા. સંપૂર્ણ શોધન–માર્જન કે સ્થાનિય શોધન–માર્જન, ઉજ્જવલન દરમ્યાન હાથ, આંગળા ઝાટકી નાખવા. સારવાર પૂર્ણ થયા બાદ પ્રાણ સ્થાપિત કરીને પ્રાણસંપર્ક વિચ્છેદ કરવો જ જોઈએ. સ્વયં હાથની સફાઈ પ્રત્યેક પ્રાણચિકિત્સા બાદ કરવી જોઈએ. જરૂરથી સાબુ, પાણી કે જંતુનાશક પદાર્થથી હાથ સાફ કરી લેવા જરૂરી છે. જેથી બીજા દર્દીને રોગિષ્ઠ ઊર્જા ન આપી દેવાય. આ ઉપરાંત રોગિષ્ઠ ઊર્જાનાં નિકાલ માટેનાં ડબ્બામાં પૂરતું પાણી મીઠાનું દ્રાવણ અગાઉથી તૈયાર રાખી તેમાં જ નિકાલ કરવો જોઈએ. ઘણીવાર, પ્રાણચિકિત્સકો અહંકારમાં આવી અતિ વિશ્વાસમાં સારવાર કરતાં રોગિષ્ઠ ઊર્જા ગમે ત્યાં નાખતાં જણાયા છે. તેઓ સાવધાનીથી પ્રાણચિકિત્સાનાં તમામ નિયમો આચારસંહિતાનું પાલન કરે તે હિતાવહ છે.
ઘણા દર્દીઓની પ્રાણચિકિત્સા બાદ મીઠાના પાણી વડે સ્નાન કરવું જોઈએ. અતિ ક્રોધ કે શોકજન્ય સ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે પ્રાણચિકિત્સા ખુદ કરવાનું ટાળીને અન્ય પ્રાણચિકિત્સક પાસે કરાવવા કહેવું જોઈએ. અતિશય શરદી ખાંસી કે અન્ય ચેપી રોગની સ્થિતિમાં ચિકિત્સક હોય તો તેણે પ્રથમ અન્ય પ્રાણચિકિત્સકની મદદ અથવા સ્વયં પ્રાણચિકિત્સા દ્વારા સાજા થયા બાદ અન્યની પ્રાણચિકિત્સા કરવી જોઈએ.
ઘણીવાર, પ્રાણચિકિત્સક ઘણા દર્દીઓની સારવાર બાદ ખૂબ થાકી જાય અથવા ઊર્જાની ઊણપ અનુભવે ત્યારે સ્નાન કરવાથી, પૂરતો આરામ કરવાથી, પ્રાણ શ્વસનક્રિયા કરવાથી તે ધ્યાન ચિંતન કરવાથી પુન: ઊર્જા પ્રાપ્ત કરવી જોઈએ.
ઉજ્જવલન કરતી વખતે પ્રાણ ગ્રહણ કરવાનો દર પ્રાણસિંચનનાં દર કરતાં વધુ ન હોય તો પણ ચિકિત્સકને કામચલાઉ નબળાઈ લાગે છે. માટે પ્રાણસિંચન તીવ્રતાથી કરવાના બદલે હળવેથી પ્રેમ અને કરુણા સહિત કરવું જોઈએ. તેમ જ પ્રાણ ગ્રહણ કરવાનો દર હંમેશા પ્રાણસિંચન કરતાં વધુ ઊંચો હોવો આવશ્યક છે.
પ્રાણચિકિત્સકે જીવનમાં પોતાનાં આહાર, વિહાર, વિચાર, અને જાતીય જીવન તેમજ લાગણીઓને વ્યક્ત કરવામાં સંયમ રાખી મધ્યમ માર્ગ અપનાવવો. શાકાહારથી વધુ સ્વચ્છ, પ્રાણદેહ બને છે. ધુમ્રપાન જેવી આદતો ઊર્જાદેહને કલુષિત અને પ્રદૂષિત કરે છે. તેને નિવારવી જોઈએ.
નિયમિત વ્યાયામ અને ધ્યાનચિંતન પણ પ્રાણચિકિત્સકે કરવા જરૂરી છે. કેટલાક ચિકિત્સકો તેમનાં દર્દીઓની પ્રાણચિકિત્સા બાદ તેમનાં દર્દીઓ વિષે વિચારે છે કે અવચેતન રૂપે તેઓને ઉજ્જવલન કરતાં હોય છે. જે નિવારી શકાય છે. આ માટે પ્રાણસંપર્ક વિચ્છેદન ક્રિયા કરવી જોઈએ.
ઘણીવાર પ્રાણચિકિત્સક ઘણા લોકોની હાજરીમાં કોઈ દર્દીની પ્રાણચિકિત્સા કરે છે. તે વખતે ત્યાં હાજર લોકો પોતાની ઉત્કંઠાને કારણે પ્રાણચિકિત્સકમાંથી પ્રાણઊર્જા શોષી લે છે. આથી તેને ઊર્જાની ઊણપ વર્તાય છે. આને નિવારવા માટે દર્દીને અલગ રૂમમાં ખુલ્લા સ્થળે અને બાકીનાં લોકોને અન્ય રૂમમાં રાહ જોવા માટે કહેવું જોઈએ. પ્રાણચિકિત્સકે સમયાંતરે અવકાશ મેળવીને આરામ કરવો જરૂરી છે. તેથી તેનાં શરીર, મન ફરી તાજગી અનુભવી શકે.