અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણનો અનુભવ

ભાગ ૬ / ૭૫ · મૂળ PDF

અત્યાર સુધી આપણે પ્રાણ વિષે માહિતી મેળવી પરંતુ જ્યાં સુધી પ્રાણનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આ વાત અધૂરી રહે છે. હવે પ્રાણશક્તિનો અનુભવ કેવી રીતે કરવો? આ માટે સૌપ્રથમ સંવેદનશીલતા વધારવાની જરૂર હોય છે. પ્રાણનો સ્પર્શ સમજવો જરૂરી છે. આ માટે હાથનાં આંગળા અને તેમાંય તેનાં ટેરવા તથા હથેળીનો ભાગ મદદરૂપ થાય છે. સૌપ્રથમ એક હાથની આંગળીથી બીજા હાથનાં ટેરવાંઓને દબાણ આપો અને છોડી દો. પછી બીજા હાથની આંગળીઓના ટેરવાંને પ્રથમ હાથથી દબાવો અને છોડી દો. ત્યારબાદ એક હાથનાં અંગૂઠાથી બીજા હાથની હથેળી મધ્યમાં દબાણ આપો અને છોડી દો. હવે બીજા હાથના અંગૂઠાથી પહેલાં હાથની હથેળી મધ્યે દબાણ આપી છોડી દો. દબાણ આપવાનું ૩ થી ૫ સેકંડ માટે પૂરતું હોય છે. હવે બંને હાથને કાંડાથી ઝાટકી નાખો. જાણે કે હાથમાં કીડીઓ ચઢી ગઈ હોય તો તેને તેમ ખંખેરી નાખો છો તેમ હાથને થોડીવાર ખંખેરી શકાય. હવે ખૂબ જ હળવાશથી બંને હાથોને ફેલાવેલા રાખી લગભગ છાતી પાસે એકબીજાની સામ-સામે હળવેથી લાવો. ધ્યાન આપો ટેરવા પર, હથેળી પર, એને થોડા નજીક લાવો તેમજ દૂર લઈ જાઓ. અનુભવ શું થઈ રહ્યો છે? સાવધાન થઈને જુઓ, જાણો અને અનુભવો.

જણાશે કે ટેરવાં અને હથેળીમાં અતિ સૂક્ષ્મ સંવેદનો થઈ રહ્યાં છે. ગરમ ઠંડું કે હલકો વિદ્યુતકરંટ જેવો અનુભવ થઈ શકે છે. જો કોઈપણ અનુભવ ન આવે તો આખીય પ્રક્રિયા ૨ થી ૫ વાર ફરીથી કરો. ચોક્કસ અનુભવ આવશે. પ્રાણશક્તિનો આવો અનુભવ ચિકિત્સક બનવા માટે ખૂબ જરૂરી છે. આ પ્રક્રિયા દિવસમાં અનેક વાર કરી શકાય.

બંને હાથની હથેળીઓને એકબીજા સામે રાખીને ગોળાકારમાં ઘડિયાળનાં કાંટા ચાલે તે તરફ અને તેની વિરુદ્ધ દિશામાં ફેરવો. આવા કેટલાક આવર્તન કર્યા પછી ફરી બંને હથેળીઓને સામ-સામે હળવેથી નજીક લાવો હળવેથી દૂર લઈ જાઓ. શું તમને પ્રાણનાં સ્પંદનો વર્તાય છે?

કેટલાક અભ્યાસ પછી તો હથેળીને આકાશ તરફ રાખો. તરત જ હથેળીમાં પ્રાણનો પ્રવાહ આવતો જણાશે. બંને હાથથી અભ્યાસ કરો. અહીં જણાશે કે શરૂઆતમાં એક હાથમાં સંવેદનો બીજા હાથ કરતાં વધુ આવતાં જણાશે. થોડા સમય, દિવસોનાં અભ્યાસ પછી બંને હથેળીઓમાં, દસેય ટેરવાઓ પર ખૂબ જ સંવેદનો અનુભવાય છે. આ છે પ્રાણનાં સ્પંદનોનો અનુભવ.

પ્રાણની પ્રાપ્તિ સારા અનુભવ, સ્પર્શ, દૃષ્ટિ તેમજ શ્વાસ લેવાથી કેવી રીતે થાય છે તે સમજીએ. રોજિંદા જીવનમાં જ્યારે જ્યારે સારા અનુભવો થાય છે ત્યારે તમે જોયું હશે કે શરીર, મન પુલકિત થઈ જાય છે. આનંદની અનુભૂતિ થાય છે. શરીર અને મન હળવા અને પ્રફુલ્લિત બની જાય છે.

એ જ પ્રમાણે મનગમતી વ્યક્તિનો સ્પર્શ પણ આ જ પ્રકારની અનુભૂતિ આપે છે. માતા, પિતા, મિત્ર કે પત્નીનો પતિને કે પત્નીનો પતિને સ્પર્શ થવાથી સુખદ લાગણીઓ ઉદ્ભવે છે. આનંદ, શાંતિ, સુરક્ષા, પ્રોત્સાહન અને સાંત્વના, દર્દ કે પીડામાં રાહત આપવા માટે કરુણામય સ્પર્શ વ્યક્તિને ખૂબ જ મદદરૂ૫ થાય છે. અહીં પ્રાણનું વહન એક વ્યક્તિ બીજી વ્યક્તિને કરે છે.

દૃષ્ટિપાત એટલે ઉપરોક્ત બાબતોને વધુ સઘનતાથી સંચારિત કરવા માટે દૃષ્ટિપાત એટલે કે જોવા માત્રથી પ્રાણસંચાર કરી શકાય છે. નાનકડું બાળક જ્યારે ઊઠીને ચાલવાનો પ્રયત્ન કરે ત્યારે માતા કે પિતાની પ્રેમાળ, સુરક્ષાચક્ર પ્રદાન કરનારી ઉત્સાહવર્ધક દૃષ્ટિપાતથી બાળક વિશ્વાસપૂર્વક ચાલવા લાગે છે. શિક્ષકો, અધ્યાપકો, ગુરુજનના આવા દૃષ્ટિપાતને જીવનમાં અનેકવાર અનુભવ્યો જ હશે. તે અણમોલ શક્તિદાયક અનુભવ હોય છે. જેની પાછળ પ્રાણસંચાર હોય છે.

શ્વાસ એ જીવન ટકાવી રાખવા માટેનું સૌથી સબળ સાધન છે. શ્વાસોચ્છવાસ વડે શરીરની તમામ પ્રણાલિઓ સુચારુ રીતે ચાલ્યા કરે છે. થાકેલી વ્યક્તિ શાંત બેસીને થોડા ઊંડા શ્વાસ લે તેનાથી તાજગી, શક્તિ પ્રાપ્ત કરી લે છે. તણાવગ્રસ્ત ડરેલાં વ્યક્તિને લાંબા ઊંડા શ્વાસ લેતા જ ખૂબ સારું લાગવા માંડે છે. ભારે વજન ઉઠાવતાં પહેલાં ઊંડો શ્વાસ લઈને વજન ઊંચકવું સરળ બની જાય છે. હવે તો બ્રીધિંગ થેરાપી વિકસિત થઈ ચૂકી છે\!

યોગશાસ્ત્રોમાં તો વિશિષ્ટ પદ્ધતિઓથી શ્વાસ લેવાની અનેક રીતોનું વર્ણન જોવા મળે છે. નાડીશોધન, કપાલભાતિ,ભસ્ત્રિકા,ઉજ્જાયી, શીતલી, શીતકારી સૂર્યભેદી, ચંદ્રભેદી વગેરે પ્રાણાયામનો ઉપયોગ પ્રાચીન કાળથી આજ દિન સુધી થતો આવ્યો છે. આમાં શ્વાસ લેવાે પૂરક શ્વાસ રોકી રાખવો. (અમુક અવધિ સુધી) કુંભક અને શ્વાસ હળવેથી છોડવો – રેચક આ બધાનો વ્યવસ્થિત ઉપયોગ તાલબદ્ધ રીતે કરવાથી ગરમી, ઠંડી, શક્તિ, તનાવમુક્તતા, આરોગ્ય, આનંદ અને પ્રકાશ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. અનેક રોગોનાં ઉપચાર માટે પણ પ્રાણાયામનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે. આ પ્રાણસંચારિત કરવા માટે અત્યંત સબળ સાધન છે.

ઘરનાં વાતાવરણમાં તાજગી લાવવા માટે, સુખ સગવડ અને સકારાત્મક ઊર્જાને સ્થાપિત કરવા માટે ફર્નિચર, કારપેટ, પડદા, ફૂલદાની અને ફુલલૅમ્પ શેડ્સ, વિશિષ્ટ ચિહ્નો (સ્વસ્તિક, પાદુઆ, શુભ લાભ) પિરામિડ, ભીંતચિત્રો, ઘરમાં રાખવાના છોડ (indoor Plant) વગેરેનો ઉપયોગ કરાય છે. આથી ઘરની સજાવટ તો થાય છે, પરંતુ તેની અસરો ઘરમાં રહેલાં નિવાસીઓ અને મુલાકાતીઓ પર થતી જોવા મળે છે. કેટલાંક ઘરની મુલાકાત પછી શક્તિ, આનંદ અને પ્રફુલ્લતા અનુભવાય છે. જ્યારે જે ઘરોમાં અવ્યવસ્થા, કંકાસ, કંટાળો, દારિદ્રતા, બીમારી હોય તેની મુલાકાત પછી થાક, કંટાળો, બીમારી, અમૂંઝણના અનુભવ થતાં હોય છે.

હાથમાં પહેરવાની વીંટી, બ્રેસલેટ જેવાં ઘરેણાંઓમાં ચોક્કસ નંગ, પથ્થર, ક્રિસ્ટલનાં ઉપયોગ વડે પણ સકારાત્મક ઊર્જા મેળવી શકાય છે જે સુવિદિત છે. મંદિરોમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરેલી હોય છે. ત્યાં મુલાકાત, દર્શન કરવાથી તાજગી, સ્ફૂર્તિ અનુભવાય છે.