પ્રાણમાં વિકારઃ
તંદુરસ્ત શરીરમાં કોઈપણ પ્રકારની ગરબડ કે અવ્યવસ્થા જોવા મળતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે ત્યારે તબીબી પરિક્ષણો માંથી તે પસાર થાય છે. રીપોર્ટસના આધારે નિદાન કરવાથી નિશ્ચિત રૂપથી નિર્ણયાત્મક ભૂલોથી બચી શકાય છે. સામાન્યત: વ્યક્તિ બીમારીનાં ચિહ્નો ધરાવતો હોય છે. દા.ત. તાવ આવે ત્યારે અશક્તિ લાગે, માથું દુઃખે અને શરીરનું તાપમાન ૯૮.૬oF (૩૯oC) થી વધુ રહેતું હોય છે પરંતુ ડાયાબિટીસ, કે થાઈરોઈડ જેવી પરિસ્થિતિની જાણ લેબ રીપોર્ટનાં આધારે સચોટ' રીતે કરી શકાય છે. અત્યારે ખૂબ જ બહોળા પ્રમાણમાં પેથોલાૅજિકલ, રેડિયોલાૅજિકલ પરીક્ષણોની સવલતો ઉપલબ્ધ થઈ ચૂકી છે.
એક સમય એવો હતો જ્યારે વ્યક્તિ દવાખાનામાં તબીબ પાસે જાય ત્યારે માત્ર તેના નિરીક્ષણ માત્રથી નિદાન કરાતું કે વ્યક્તિને શું તકલીફ હોઈ શકે. ત્યારબાદ વ્યક્તિની આંખો, જીભ, ગળું વગેરેને તપાસીને ડૉકટર નિદાન કરતાં અને જરૂરી દવાઓ આપતાં.
રોગ, બીમારી મહદ્અંશે કેટલાક ખાસ પ્રકારનાં ચિહ્નો પ્રદર્શિત કરતાં હોય છે. બીમારીનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં પ્રાણ-વિકાર, મનોવિકાર, અને શારીરિક વિકાર મુખ્યત્વે હોય છે. અહીં એ જ સમજવું જોઈએ કે બીમારીમાં આમાંથી કોઈ એક કારણ અથવા બે કે ત્રણે કારણોનાં પરિણામે બીમારી થતી હોય છે. દા.ત. અપચો, તણાવ વગેરે. પરંતુ દરેક ચિહ્ન દેખાતાં પહેલાં વ્યક્તિની પ્રાણ શરીર, ઊર્જાદેહ કે જીવદ્રવ્ય, શરીરમાં અનિયમીતતા મૂળ કારણ હોઈ શકે છે. ગંભીર રોગોની બાબતમાં તો આ પ્રાણવિકાર છ મહિના કે તેથી વધુ પહેલાંથી ઉત્પન્ન થયેલો હોઈ શકે. વળી વાતાવરણમાં આવેલાં અચાનક પલટા, કામ કરવાનાં સ્થળનું પર્યાવરણ, અપૂરતી ઊંઘ, ગજા ઉપરાંતનો શારીરિક, માનસિક પરિશ્રમ, ચેપ લાગવો કે અકસ્માત થવાથી પણ વ્યક્તિ નાદુરસ્ત હોઈ શકે છે.
અગાઉ નોંધ્યા મુજબ પ્રાણશરીર એ મુખ્ય શરીર અને ભૌતિક શરીર તેનાં જોડિયા તરીકે અસ્તિત્વ ધરાવે છે. જો પ્રાણશરીર જ ન હોય તો વ્યક્તિ મૃત્યુ પામે છે. હવે તેમાં અસ્તિત્વની સાબિતી કિરિલીયન ફોટોગ્રાફી જેવા સાધનથી પણ મળે છે, જ્યારે પ્રાણચિકિત્સક તેની તપાસ કરવાનું કૌશલ્ય ધરાવતા હોય છે.
પ્રાણશરીર ભૌતિક શરીર કરતા આશરે ૩ થી ૬ ઈંચ મોટું સામાન્ય રીતે હોય છે. તેમાં પણ ભૌતિક શરીરની નસો જેવી નાડીઓ અને ચક્રોની વ્યવસ્થા રહેલી છે. આ નાડીઓ અતિ સૂક્ષ્મ ઊર્જાનું વહન કરતી હોય છે. કેટલીક જગ્યાઓ અનેક નાડીઓનું મિલનસ્થળ, જંકશન બોક્ષ તરીકે ચક્રો સર્જાતા હોય છે. રોડ પરનાં ટ્રાફિકને નિયંત્રીત કરવા સર્કલ કે ચાર રસ્તા, છ રસ્તા હોય છે. તેવી જ પ્રણાલી આ ચક્રોનાં કારણે ઉદ્ભવતી ફોય છે. પ્રાણઊર્જાદેહમાં નાના મોટા થઈને ૨૪૮ ચક્રો હોય છે. જેમાં પ્રાણચિકિત્સા હેતુ ૧૧ મુખ્યચક્રો છે. જે ૪ ઈંચથી મોટો હોય છે. ૪ ઈંચથી ૨ ઈંચવાળા ગૌણચક્રો, ૨ ઈંચથી નાના હોય તે સૂક્ષ્મચક્રો ગણવા જોઈએ. મસ્તકથી શરૂ કરતાં ખોપરીનાં ઉપરનાં સપાટ ભાગે, સહસ્ત્રારચક્ર આકાશ તરફ ખુલતું કપાળની ઉપરનાં હેરલાઈન પાસે ભાલચક્ર, ૪૫ પર ભૂમધ્યમાં આજ્ઞાચક્ર, જીભ-તાળવાનાં પ્રદેશમાં લલનાચક્ર, ગળામાં એડિવા પાસે વિશુદ્ધિચક્ર,તેની સહજ નીચે ગોણ વિશુદ્ધિચક્ર છાતીની મધ્યમાં ત્રિકોણ હાડકા પાસે અનાહતચક્ર, ઉદરપટલ પાસે સોલરચક્ર Front, પેટ પર નાભિ પાસે નાભિ કે મણીપુર ચક્ર જાતીય અંગો પર સ્વાધિષ્ઠાન ચક્ર અને કરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે મુલાધાર કે આધારચક્ર આવેલાં છે. પ્રાણચિકિત્સા માટે શરીરનાં પાછળનાં ભાગે નાભિચક્રની પાછળ સીધી લીટીમાં મેંગમેનચક્ર તેનાથી ૩ ઈંચ ઉપર પાછળનું સોલરચક્ર વધુ ૩ ઈંચ ઉપર જતાં પાછળનું હૃદયચક્ર અને બોચીમાં પાછળનું ગળાનુંચક્ર, ખોપરીમાં પાછળ ઉપસેલાં હાડકા પર પાછળનું મસ્તકચક્ર આવેલાં છે. આ બધાં જ ચક્રો શરીરનાં મધ્ય ભાગમાં આગળ અને પાછળ એક જ સીધી લીટીમાં આવેલાં છે.
આ ઉપરાંત બંને લમણાંનાં બે, આંખોનાં બે, કાનનાં બે, નાકનું એક ચક્ર હોય છે. બગલમાં બેચક્રો, કોણીનું એક ચક્ર, હથેળીમાં એક એક અને હાથની આંગળીઓ અને અંગૂઠાના મળીને બીજાં ૧૦ચક્રો થાય છે.
હવે પગમાં હીપ જોઈન્ટસ પર બે, ઢીંચણ પરનાં બે, પીંડીઓનાં બે, ઘૂંટીઓનાં બે, પગનાં તળિયાં પરનાં બે અને પગની આંગળીઓનાં આઠ અને અંગૂઠાનાં બે મળીને અન્ય દસ (૧૦)ચક્રો હોય છે.
અવયવોમાં જમણાં ફેફસાનાં ત્રણ અને ડાબા ફેફસાનાં બે મળી કુલ પાંચચક્રો હોય છે. લિવરનાં F/B આગળ – પાછળનાં બે અને સલીનનાં F/B આગળ-પાછળનાં બેચક્રો પણ હોય છે.
આ બધાંચક્રો ઉપરાંત હૃદયનાં ડાબે જમણે એક એક તથા લગભગ તમામ અવયવોનાંચક્રો મળીને એક અદ્ભુત માળખું અવિરતપણે પ્રાણઊર્જાનું સુચારુ ઢબથી નિયંત્રણ કરતાં હોય છે. અત્રે એ યાદ રાખશો કે આ બધાંચક્રો ભૌતિક શરીરમાં નહીં પરંતુ પ્રાણઊર્જાદેહ એટલે કે જીવદ્રવ્ય શરીરમાં હોય છે. વ્યક્તિનાં આરોગ્ય માટે તેમની તાલબદ્ધતા અને નિયંત્રણ ખૂબ આવશ્યક છે.
પ્રાણચિકિત્સા:
પ્રાણચિકિત્સા વિજ્ઞાનનો ઉપયોગ એ એક કલા પણ છે. સઘન સંનિષ્ઠ અભ્યાસ – ઉપચાર કરતાં કરતાં આમાં વધુ ને વધુ સૂઝ પડતી જાય છે. મોટા ભાગનાં પ્રાણચિકિત્સકોને આંતરિક માર્ગદર્શન આવ્યા જ કરતું હોય છે જે પ્રાણચિકિત્સાને વધુ રોચક અને સમૃદ્ધ બનાવતું હોય છે. (૧) આ સમગ્ર વિશ્વ અને જીવંત શરીર પ્રાણથી બનેલાં છે. (૨) તેનાં પુરવઠામાં વૃદ્ધિ કરીને આરોગ્યમાં સુધારો લાવી શકાય છે. ભારતીય શાસ્ત્રો મુજબ આપણું આ વિશ્વ એ પ્રાણથી અસ્તિત્વમાં આવે છે. તે જ પ્રમાણે પ્રત્યેક જીવંત એકમ પણ પ્રાણશરીરનાં આધારે જીવનનો અનુભવ કરતું હોય છે. ઉક્તિ કહે છે કે “બ્રહ્માંડે તે પીંડે અને પીંડે તે બ્રહ્માંડે”.
પ્રાણ વિશ્વવ્યાપી છે તેમજ શરીરમાં પણ વ્યાપેલો રહે છે. તેની હાજરી હોવાથી જ શરીર જીવંત હોય છે અને તેની વિદાયથી મૃત્યુ આવે છે. પ્રત્યેક શ્વાસમાં લેવાતો પ્રાણ, વ્યક્તિની જીવન વ્યાપન દરમ્યાન થયા કરતી ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને પરિણામે પડતી ઘટની ક્ષતિપૂર્તિ કરી આપે છે. આમ, તાલબદ્ધ થતી શ્વસનક્રિયાના માધ્યમથી શરીરમાં હંમેશાં અમુક પ્રમાણમાં પ્રાણ મોજૂદ હોય જ છે. પર્યાત માત્રામાં પ્રાણઊર્જાદેહમાં હોય તેઓને જોતાવેંત જ તેઓ સ્વસ્થ છે એમ માલૂમ પડે છે. તેઓની બેસવાની, ઊઠવાની, ચાલવાની, દોડવાની જેવી ક્રિયાઓ દરમ્યાન તેમની અંગભંગિમાઓ (Gestures & postures) તેમજ વાણી પરથી તેમનાં સ્વસ્થ હોવાનો સંકેત મળે છે. જ્યારે બીમાર વ્યક્તિ અશક્ત, થાકેલી, ઢીલા કોથળામાં ભરેલાં માલ જેવી હાલતમાં જણાય છે. એટલે સમગ્ર પ્રાણચિકિત્સાનો આધાર આ બે જ સિદ્ધાંતો પર રચાયેલો છે.
(૧) પ્રાણ છે તે વિશ્વવ્યાપી છે.
(૨) આ પ્રાણના લભ્ય પુરવઠામાં વૃદ્ધિ કરીને પુનઃ આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે.