૬. આજ્ઞાચક્રઃ
આજ્ઞા એટલે આદેશ. તેનો મૂળ સ્વર આજ્ઞા એટલે જ્ઞાન છે તે બે આંખો વચ્ચે ભૂમધ્યમાં બે પાંખડીવાળા શ્વેત કમળ સમાન હોય છે. છ મુખી હાકિની હાથમાં ડમરુ સાથે ગળી જેવા વર્ણના શિવજી અર્ધનારીશ્વરરૂપે વિદ્યમાન છે. ૬૪ આરા સાથે માનસ તત્ત્વ અને જળાધારીવાળા લિંગસ્વરૂ૫નું આ સ્થાન છે. આ વેદોનું ઉત્પત્તિસ્થાન તેમજ વિષ્ણુનાં નિવાસસ્થાન છે. અહીં જીવનદ્રવ્ય પ્રણવ અને ૐ નો નાદ હોય છે. આજ્ઞા એટલે બધું જ સ્પષ્ટ. આ અંત:પ્રેરણા, ડહાપણ, ઓળખ, દૃષ્ટિ અને ધારણાનું કેન્દ્ર પણ છે. આ ચક્ર પ૨ ધ્યાન કરનાર અનંત જ્ઞાની, અનંતદર્શી હોય છે. તે સહુનું કલ્યાણ કરનાર અને લાંબું જીવન ધરાવતો હોય છે. તેનામાં ત્રિલોકનું સર્જન, પાલન, સંહારની ક્ષમતા હોય છે. તેનાં સબંધિત અવયવો મગજ અને પિટ્યુટરી ગ્રંથિ છે. અહીં ગુરુ તેમનું જ્ઞાન શિષ્યમાં પ્રગટાવે છે. આ ચક્ર પર ધ્યાન કરનાર અન્ય શરીરમાં પ્રવેશ કરી શકે છે. તે શાસ્ત્રોનો જ્ઞાતા હોઈ સૌનું કલ્યાણ કરે છે. તે સર્વજ્ઞ અને બ્રહ્મ સાથે એકરૂ૫ સાક્ષાત્કારી હોય છે.
જેનું આ ચક્ર ખુલ્લું હોય તે ખૂબ જ સ્વપ્ના જુએ છે. તે મંદ સક્રિય હોય તો લોકોનાં પોતાનાં વિષેનો અભિપ્રાયવાંચ્છુ બને છે. તે મૂંઝાયેલો અને અંધવિશ્વાસુ હોય છે. પરતું જો વધુ પડતું સક્રિય હોય તો ખુબ જ સ્વપ્નો અને ભ્રમણાઓમાં જ વિચરે છે.
૭. સહસ્ત્રારચક્રઃ
આ ચક્ર મસ્તકનાં ઉપરનાં ભાગમાં આવેલું છે તેનો રંગ વાયોલેટ અને મગજ અને પિનિયલ ગ્રંથિ સાથે સબંધિત છે. તે ૧૦૦૦ પાંખડીવાળા કમળ સમાન, પૂર્ણ ચંદ્ર અને તેની અંદર ત્રિકોણમાં ચંદ્ર મંડળ જેમાં શૂન્યતામાં તમામ સ્વરવાળું હોય છે. આ દિવ્ય પ્રકાશના સ્રોતવાળા ચક્રમાં વ્યકિત પોતાના સર્વે કર્મોથી વિમુક્ત થઈ જીવનશક્તિનાં વધુ સમજણપૂર્ણ સબંધોવાળો બને છે. આ ચક્ર શંખિની દેવી હાથમાં સિદ્ધિ સમેત હોય છે.
બિંદુ કે શૂન્ય અને શુદ્ધ નિર્વાણકલા અને આત્મકલામાં પરિણમે છે. અહીં જ પરમશિવ, બ્રહ્મ કે આત્મા વિદ્યમાન છે. પરમશિવ અજ્ઞાનરૂપી અંધકારનાં સંહારકર્તા છે જે સતત અમૃત વરસાવીને જીવાત્માને પરમાત્મા સાથેની એકરૂપતાનું જ્ઞાન અર્પે છે. આ શિવ, પરમ પુરુષ, હરિહર કે દેવી અથવા પ્રકૃતિ-પુરુષનું નિવાસસ્થાન પણ છે જે સ્વયં નિર્વાણકલા-નિર્વાણશક્તિ સમાનપદ – સમાનશક્તિરૂપ છે.
જે વ્યક્તિનું સહસ્ત્રારચક્ર ખુલ્લું હોય તે અસીમ શાંતિ અને અાધ્યાત્મિક હોય છે. તે ડહાપણ અને વૈશ્વિક એકતા પ્રાપ્ત કરવા ઉપયોગી છે. આ ચક્ર ખુલ્લું હોય તેમાં જીવનમાંથી પૂર્વગ્રહો સમાપ્ત થઈ જાય છે અને આત્મા સાથે એકરૂપતાનો અનુભવ પામે છે. જો આ ચક્ર મંદ સક્રિય હોય તો તે એટલા આધ્યાત્મિક હોતા નથી. જો સક્રિય હોય તો તેને માત્ર આધ્યાત્મ જ સ્પર્શે છે અને જો વધુ પડતું સક્રિય હોય તો તેને જીવન જરૂરિયાતોનો – આહાર, પાણી, જેવાનો કે દેહમાં હોવાનો ખ્યાલ હોતો નથી.
આ ઉપરાંત માનવશરીરમાં પ્રાણદેહમાં ૭૨૦૦૦ હજાર ઊર્જાનાડીઓ હોય છે જેમાં પ્રાણશક્તિનું વહન થવાથી શરીરનાં તમામ અવયવો જીવંત રહે છે. આમાં બે નાડી ચંદ્રનાડી ઈડા અને તારાનાડી પિંગળા કરોડરજ્જુની ડાબે અને જમણે રહેલ છે. ઈડા નાડી શ્વેત અને પ્રેમ સંબંધિત છે જ્યારે પિગળાં નાડી લાલ રંગની અને શરીર સંબંધિત છે. જ્યારે બંને શુદ્ધ થઈ સમતોલ બને ત્યારે વચલી (સૂર્યનાડી) સુષુમ્ણા નાડી સક્રિય થાય છે તેની અંદર ચિત્રિણી, તેમાં વ્રજ અને તેમાં બ્રહ્મ નાડી રહેલી છે. બ્રહ્મ નાડીમાં ૐ સ્ફુરે છે જયારે ચિત્રિણીને બ્રહ્મદ્વાર કહે છે. કરોડરજ્જુનાં નીચેનાં ભાગે સુષુમ્ણાનું મૂળ બંધ કરીને કુંડલિની શક્તિ સુષુપ્ત પડેલી હોય છે. ઈડા અને પિંગલા નાડીઓ ઉપર જતાં જ્યાં જ્યાં મળીને વિરુદ્ધ દિશામાં જાય ત્યાં ચક્રો અગ્નિરૂપબની સર્જાયા છે. ઈડા-પિગળાનાં સમરૂપ બનવાથી કુંડલિની સુષુમ્ણા વાટે પ્રવેશ પામી બધાં ચક્રોનું શોધન-વેધન કરતાં સહસ્ત્રારમાં શિવ સાયુજ્ય પામે છે. ત્યારે વ્યક્તિ બ્રહ્મસ્વરૂપ થાય છે.