અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

આદિનારાયણ

ભાગ ૩ / ૪૪ · મૂળ PDF

આદિનારાયણ એ વિશ્વશક્તિ ‘Power of Universe’નાં નામે સુવિખ્યાત ભગવાન વિષ્ણુ કહેવાય છે. તે માત્ર વિશ્વનાં પાલનકર્તા જ નહીં પરંતુ વિશ્વરૂપ ગણાય છે.

આપઃ એટલે નારાય. જે સમુદ્રમાં શયન નિવાસ કરે છે તેથી આયન – નારાયણ કહેવાય છે. તે આદિપુરૂષ ગણાય છે. તેઓ સમયે સમયે અવતાર ધારણ કરી વિશ્વસંચાલન સુગઠિત રીતે ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમનાં દસ અવતારો મશહુર છે. મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ અવતાર દશાવતાર ગણાય છે.

આપ: બ્રહ્માંડ ઉત્પત્તિનું બ્રહ્મથી નીચેનું મૂળ દ્રવ્ય ઘટક Ingredient છે. તેને અવ્યક્ત પણ કહે છે. હજુ સ્વરૂપ આકાર બને એવી સ્થિતિમાં આવી ગયું છે. હવે તેમાં બ્રહ્મ જેટલી પવિત્રતા (purity) ન હોઈ શકે એટલે આ દ્રવી ગયું છે. તેમાંથી કાલાંતરે મહત્ તત્વનો પ્રાદુર્ભાવ થાય છે.

સૂક્ષ્મ સૃષ્ટિ: સૃષ્ટિનિર્માણ માટેનો અસલ પદાર્થ અહીં તૈયાર થાય છે. દ્રવ્યનો ચૈતન્યભાગ છૂટો પડી જાય છે. અને અહંકાર ઊભો થાય છે તેનાથી ૫ તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ, ગંધ પ્રગટે છે. હવે આનો ઉપયોગ શું? એટલે શબ્દ – આકાશ સ્પર્શમાંથી વાયુ, રૂપમાંથી તેજ, અગ્નિ રસમાંથી જલ અને ગંધમાંથી પૃથ્વી તત્વ રૂપે બને છે. એમાંથી પાંચ તન્માત્રાઓ (સંવેદનો) અને ત્રણ ગુણ ઉત્પન્ન થયાં.

ઉપયોગ

સ્થૂળ સૃષ્ટિ: જ્યારે જગત રચયિતાને સૃષ્ટિનિર્માણ સ્ફૂરણા થઈ, ત્યારે એમણે તમોગુણમાં અધિષ્ઠિત થઈને સૂક્ષ્મ તન્માત્રાઓને સ્થૂળ પંચતત્વોમાં પ્રતિષ્ઠિત કરવાની ઇચ્છા કરી. એ રચિત ભૂતોમાંથી એક-એકના બે ભાગ કર્યા. પછીથી એમાંથી પ્રત્યેકનાં ચાર-ચાર ભાગ કર્યાં. ત્યારબાદ પ્રત્યેક ભૂતનાં અર્ધાંશમાં અન્ય ભૂતોનાં અષ્ટમાંશને મેળવીને બધાનું પંચીકરણ કર્યું, ત્યારબાદ આ પંચીકૃત ભૂતોથી અનંતકોટિ બ્રહ્માંડોની સૃષ્ટિ બનાવી ત્યારબાદ એમનાં યોગ્ય ચૌદ ભૂવન રચ્યાં તથા એ ભ્રુવનોને યોગ્ય સ્થૂળ શરીરોનું સર્જન કર્યું.

ત્યારબાદ પંચભૂતોમાં રજોગુણ યુક્ત અંશનાં ચાર ભાગ કરીને ત્રણ ભાગો માંથી પાંચ પ્રકારના પ્રાણોનું સર્જન કર્યુ. અને ચોથા ભાગથી કર્મેન્દ્રિયોનું નિર્માણ કર્યું.

આ રીતે જ પંચભૂતોનાં સતોગુણયુક્ત અંશને ચાર હિસ્સામાં વહેંચીને એના ત્રણ ભાગોથી પંચવૃત્તિઓવાળું અંત:કરણ અને ચોથા ભાગમાંથી જ્ઞાનેન્દ્રિયોનું સર્જન કર્યું.

સત્વ સમષ્ટિ વડે એમણે પાંચ ઈન્દ્રિયોનાં પાલક દેવતાઓનું સર્જન કર્યું. અને એમને બ્રહ્માંડોમાં સ્થાપિત કરી દીધાં. એ વિષ્ણુરૂ૫ બ્રહ્મની આજ્ઞાથી એ બધાં જ બહ્માંડોમાં રહીને નિવાસ કરવા લાગ્યા. એમની (બ્રહ્મની) આજ્ઞાથી અહંકારયુક્ત વિરાટ સ્થૂળ જગતનું રક્ષણ કરવા લાગ્યા. હિરણ્યગર્ભ એમની આજ્ઞાથી સૂક્ષ્મ તત્વનું પાલન કરવા લાગ્યા.

બ્રહ્માંડમાં રહેલ એ દેવગણ બ્રહ્મ સિવાય ન તો સ્પંદન કરી શક્યા કે ન કોઈ ચેષ્ટા ત્યારે તેમણે (બ્રહ્મે) એને ચૈતન્ય કરવાની ઇચ્છા કરી. એ બ્રહ્માંડ, બ્રહ્મરંધ્ર અને સમસ્ત વ્યષ્ટિનાં મસ્તકને વિદીર્ણ કરી એમાં પ્રવેશ કરી ગયાં, ત્યારે એ જડતા સંપન્ન હોવા છતાંય, ચેતનની જેમ પોત-પોતાનાં કર્મમાં પ્રવૃત્ત થઈ ગયા. આ રીતે અનેક પ્રક્રિયાઓ થતાં આ સૃષ્ટિ કાર્યશીલ બની. આથી, આદિનારાયણ જ બ્રહ્મ છે.