(૨૩) સ્નાયુઓમાં ઝણઝણાટી
(૧) અસરગ્રસ્ત ભાગનું સૂક્ષ્મ અવલોકન, સ્થાનિય શોધન-માર્જન તથા ઉજ્જવલન કરો.
(૨) અહીં ઉજ્જવલન વધુ અગત્યનું હોવાથી દર્દીને રાહત થાય ત્યાં સુધી પ્રાણઊર્જાનું સિંચન કરવું જોઈએ.
(૩) દર્દીને રાહત થાય કે સંપૂર્ણ સારું લાગે ત્યાં સુધી પ્રાણચિકિત્સા ચાલુ રાખો.
૫. પ્રાણચિકિત્સાના અનુભવો
આ વિભાગ ઉમેરવાનો ઉદ્દેશ્ય પ્રાણચિકિત્સા કરવા દરમ્યાન થયેલા અનુભવોની જાણકારી આપવાનો જ છે. આ અનુભવોને આધારે પ્રાણચિકિત્સકો ખૂબ જ આત્મવિશ્વાસ કેળવી, ખંતપૂર્વક પ્રાણચિકિત્સા કરે તે અપેક્ષિત છે. સફળ પ્રાણચિકિત્સાની ઘટનાઓથી પ્રેરાઈને અન્ય નવા પ્રાણચિકિત્સકો બનવા ચોક્ક્સ જનતા આગળ આવશે અને ‘પ્રત્યેક ઘરમાં એક પ્રાણાચકિત્સક હોવા જોઈએ. તેમજ પ્રત્યેક ૧૦૦ પ્રાણચિકિત્સક દીઠ ૧ અરહાતિક યોગી હોવો જોઈએ.’ એવી વંદનીય મહાત્મા ચોઆ કોક સુઈ માસ્ટરની અદમ્ય કરુણામય ઈચ્છા પૂરી કરવામાં ખૂબ જ ઝડપ આવશે.
વળી, ખર્ચાળ–જટીલ તબીબી સારવાર લેતા પહેલાં અથવા સાથે જ પ્રાણચિકિત્સા લેવા માટે જનતાજનાર્દનને પ્રોત્સાહન મળશે. એવી આશા સાથે...
(૧) દાઝવા પર પ્રાણચિકિત્સા
(૧) સુરત શહેરનાં બહુમાળી ફ્લૅટમાં નિવાસ કરતાં એક કુટુંબ પર આપત્તિ આવી. ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૦ નાં રોજ થયેલાં ગુજરાતવ્યાપી ધરાતીકંપની અસર સુરતમાં પણ વર્તાઈ. આખુંય બહુમાળી મકાન ડોલવા માંડ્યું ત્યારે જ તે મકાનનાં ચોથા માળે સ્નાન કરવા ગયેલ એક કુંટુંબના ૧૪ વર્ષના કિશોર પર અચાનક ગૅસ ગીઝરની આગની લપેટોએ હુમલો કર્યો. સોહામણા ચહેરાનાં ભાગ પર આવેલી આગથી બચવા તેણે પોતાનાં બંને હાથ ચહેરા પર ઢાંકી દીધા અને બાથરૂમની બહાર દોડી ગયો. તેને આગથી બચાવવા કોઈ ન હતું બધાં જ જાન બચાવવા ભાગી રહ્યાં હતાં. સીડીઓથી નીચે દોડીને તે કિશોર ભૂતળ પર આવ્યો. ત્યાં સુધીમાં ચહેરાનો ઘણો ભાગ અને હાથ ગરદન, છાતીનો ભાગ બળવા માંડ્યો. તેણે રેતીના ઢગલામાં માથું, હાથ રગડવાં માંડ્યાં અને આમ આગ કાબૂમાં આવી.
પછી શરૂ થઈ અપાર પીડા અને યાતના કેટલીક તબીબી સારવાર બાદ આ કિશોર તેનાં માતાપિતા સાથે અમદાવાદ પ્રાણચિકિત્સા માટે આવ્યા.
એ કિશોરની સૂક્ષ્મ અવલોકનવિધિ કરી ત્યારે સદનસીબે આંખો બચી ગયેલી. સમગ્ર ચહેરાની ચામડી બટાકાની છાલની માફક ઊતરેલી હતી. ગળાનાં ભાગે છાતી ઉપર પણ ખૂબ દાઝ્યાનાં ચિહ્નો હતાં. તેનું જડબું બંધ નહોતું કરી શકતો એટલે તે આટલા લાંબા સમયથી પ્રવાહી ખોરાક પર હતો. સુંદર ચહેરો કુરૂપ થયેલો બિહામણો હતો અને તેનાં બંને હાથ ખૂબ જ દાઝેલા હતા. તેની આંગળીઓ કોલસાની બનેલી હોય તેવી જણાતી હતી. તે હાથથી કાંઈ પકડી શકતો પણ ન હતો. ચહેરા પર સુતરાઉ કાપડનો મુખોટો પહેરીને આવેલ આ કિશોર ખૂબ જ આશાસ્પદ હતો. તેને ફરી સુંદર ચહેરો જોઈતો હતો અને કમ્પ્યૂટર એન્જિનિયર બનવાનું તેનું ભાવિ આયોજન હતું.
પ્રાણચિકિત્સામાં તેનાં સમગ્ર શરીર પર શોધન-માર્જન કરવામાં આવ્યું. તેમાં ચહેરા, ગળા, છાતી, અને કોણીથી આંગળાં સુધી સ્થાનિય શોધન–માર્જન કરવામાં આવ્યું. ત્યાર બાદ બધે જ પ્રાણસિંચન કરી પ્રાણઊર્જા સ્થાપિત કરવામાં આવી.
તેના મૂલાધારચક્ર, સોલરચક્ર, હૃદયચક્રો હથેળી અને પગનાં તળિયાનાં ચક્રો પર પણ સ્થાનિય શોધન-માર્જન અને ઉજ્જવલન કરવામાં આવ્યું. પ્રથમ ચિકિત્સામાં બેથી અઢી કલાક લાગ્યા. તે વખતે તેમણે વિદાય લીધી.
બીજે દિવસે સવારે ૭ વાગે ફોન આવ્યો. સામેથી કિશોરે ખુદ જણાવ્યું કે તે રાત્રે મહિનાઓમાં પહેલી વાર ઘસઘસાટ સૂઈ શકયો. સવારે ઊઠ્યા બાદ જાતે જ બ્રશ પકડીને દાંતસફાઈ કરી શકયો. તેમજ ચાવી શકે તેવો નાસ્તો પણ કરી શક્યો.
ત્યારબાદ, તેની પ્રાણચિકિત્સા ૧૬ દિવસ સુધી લાગલગાટ દરરોજ કરવામાં આવી. બાકીની સારવાર દુરસ્થ પ્રાણચિકિત્સા પદ્ધતિથી બીજા ૩ મહિના ચાલી. અંતે તેનાં ચહેરા, ગળા, છાતી, હાથ અને આંગળીઓ પરથી દાઝયાનાં મોટા ભાગનાં નિશાન નાબૂદ થયાં હતાં. આજે તો આ કિશોર, સુંદર ચહેરાવાળાે પ્રૌઢ વયનો થઈ તંદુરસ્ત સામાન્ય જીવન જીવે છે. આભાર MCKS નો, અમે નિમિત્ત બન્યા.
(૨) દિવાળીનાં દિવસોમાં વડીલની મુલાકાતે મણિનગર ગયા. તેમની દીકરી આશરે ૧૨-૧૩ વર્ષની ચહેરા પર હાથ ઢાંકેલો રાખીને અમને પાણી આપવા દિવાનખંડમાં પ્રવેશી. પૂછવામાં આવતાં જણાવ્યું કે ગઈ રાત્રે ફટાકડા ફોડતી વખતે તે દાઝી ગઈ હતી.
તેની અને કુટુંબીની સંમતિ લઈ પ્રાણચિકિત્સા વિષે સમજાવીને તેની પ્રાણચિકિત્સા ત્યાં જ કરવામાં આવી. અડધા કલાકમાં જ તેને દાઝ પીડાથી મુક્તિ મળી. બીજા એક અઠવાડિયા દરમ્યાન રોજ દુરસ્થ પ્રાણચિકિત્સા કરવામાં આવી. આજે તો તે મહિલા પરિણિત છે. સુખી સંસારમાં બેદાગ સુંદર વદન સાથે સ્મિતનાં અજવાળાં ફેલાવે છે.
(૩) ઘરમાં સુંદર અવસર હતો. વિશિષ્ટ પ્રાણચિકિત્સક પ્રશિક્ષકોનો જમાવડાે હતો. તેમનાં સત્કાર–ભોજનની તૈયારી પૂર્ણ થવા આવી હતી. અમારા પત્નીને ભજિયાં તળવાની પ્રેરણા થઈ. તવામાં તેલ પૂરી, ગેસ ચાલુ કર્યા. થોડીવારમાં ભજીયાનું ખીરું હાથમાં લઈ તળવાનું શરૂ કર્યું. અને મોબાઈલની રીંગ વાગી. તે જોવા જતાં બેધ્યાનપણે હાથ કઢાઈમાં....
તુર્તજ સામૂહિક પ્રાણચિકિત્સા હાજર તમામ પ્રાણચિકિત્સકોએ શરૂ કરી દીધી. જોતજોતામાં તો દાઝ્યાની પીડા ગાયબ.
(૪) અન્ય એક કિસ્સામાં ગૅસ ગીઝરવાળા બાથરૂમમાં એક મહિલા સ્નાન કરવા ગયાં. ત્યાં ગુંગળામણથી તેઓ બેભાન પડેલાં આશરે બે કલાક બાદ બહારથી અચાનક આવેલાં પતિને મળ્યાં. તબીબી સારવાર આપવામાં આવી. તે મહિલા સ્મૃતિભ્રંશ સાથે ઘરે પાછી આવી. તેમનાં પતિ પ્રાણચિકિત્સા કરાવવા લાવ્યા. તેમની પ્રાણચિકિત્સા લગભગ ૨ મહિના ચાલી. આજે તે મહિલા સામાન્ય જીવન જીવે છે.
(૫) અન્ય એક કિશોરનાં બંને હાથમાં ફટાકડાનાં બોમ્બ દિવાળી પર્વ પર અચાનક ફૂટ્યા. બંને હાથ ગંભીર દાઝેલી હાલતમાં લઈ દીકરો ઘરમાં આવ્યો. સભાગ્યે પિતા પ્રાણચિકિત્સક હતાં. તુર્તજ પ્રાણચિકિત્સા કરવામાં આવી. તે પીડામુક્ત થોડી જ વારમાં થયો. ત્રણ અઠવાડિયાની પ્રાણચિકિત્સા બાદ તે ફરી તંદુરસ્ત થયો.