અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

(૨) નશીલી દવાનું વ્યસન

ભાગ ૩૧ / ૭૫ · મૂળ PDF

એક બહેન પોતાનાં આશરે ૩૫ વર્ષની વયનાં ભાઈને લઈને પ્રાણચિકિત્સા કરાવવા આવ્યાં. તે ભાઈ પરિણિત હતા અને ૮ વર્ષની પુત્રીનાં પિતા, સુંદર ચહેરો, પણ નંખાયેલો હતો. કપડાં કીમતી હતાં પણ અવ્યવસ્થિત જણાતાં હતાં. બંને હાથમાં ધ્રુજારી ચાલુ, આંખો થાકેલી લાલધુમ.

મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે ભાઈ MNC માં ખૂબ ઊંચા પગાર, હોદ્દાવાળી જગ્યાએ કામ કરતા હતા. પાર્ટીઓનાં ચક્કરમાં તેઓને નશીલી દવાની લત લાગી ગઈ હતી. કુટુંબ ભંગાણના આરે હતું. દિકરી પણ સદમામાં જીવતી હતી.

તેમની સાથે વાતચીત દરમિયાન તેઓ આ લત છોડવા ચાહતા હતા અને કુટુંબ બરબાદ થઈ રહ્યું છે તેનો ભારે રંજ પણ હતો.

પ્રાણચિકિત્સામાં તેમનાં શરીરની સંપૂર્ણ સફાઈ માટે સંપૂર્ણ શોધન-માર્જન ૫ આવર્તન પછી વિરામ બાદ ફરી ૫ આવર્તન કરવામાં આવ્યા. તેમનાં તમામ મુખ્ય ચક્રો અવયવો પર સ્થાનિય શોધન–માર્જન, ઉજ્જવલન કર્યું. આજ્ઞાચક્ર અને વિશુદ્ધિ ઉપરાંત આગળના સોલરચક્રો પર વિશેષરૂપથી સૂક્ષ્મ અવલોકન કરી તેઓને પ્રાણ મનોચિકિત્સા કરવામાં આવી. ત્યાર બાદ તેમની દુરસ્થ પ્રાણચિકિત્સા ૬ મહિના લગભગ આંતરે દિવસે ચાલુ રાખી. તે ભાઈમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. કામ ધ્યાનપૂર્વક કરવા લાગ્યા. મનોબળ મજબૂત થવાથી પાર્ટીઓમાં જવાનું ધંધાકીય કારણોસર થતું જ હતું. હવે તેઓ આત્મવિશ્વાસપૂર્વક નશીલી દવા માટે ના પાડતા થયા. તેમનાં પત્ની અને પુત્રીને પણ સારવાર આપી. શરમ અને આક્રોશમાંથી તમામ બહાર આંવ્યા.

ખરેખર માસ્ટર સાહેબની અદ્ભુત વિદ્યાનાં ઉપયોગથી એક ઘર ફરી નંદનવન બન્યું.