અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

ચક્ર

ભાગ ૧૦ / ૪૪ · મૂળ PDF

ચક્ર શબ્દનું ઉદ્ગમ સંસ્કૃત ભાષામાં છે. તેનો અર્થ થાય છે પૈડું અથવા ગોળાકાર પાતળી તકતી. આ ચક્રો ઊર્જાનિયમન કેન્દ્રો છે. જે પ્રાણદેહમાં આવેલાં છે. તેનું ચોક્કસ સ્થાન જાણવા માટે શારીરિક શરીરમાં તેનાં સંબંધિત સ્થાનો પર તે રહેલાં છે (પ્રાણદેહમાં) તેમ સમજવું. માનવ દેહમાં કુલ ૧૧૪ ચક્રો આવેલાં છે. જેમાં માત્ર ૨ માનવદેહની બહાર છે જ્યારે બાકીનાં તેનાં ઊર્જાદેહમાં વિદ્યમાન હોય છે. નાનાં મોટાં થઈને કુલ ૧૦૮ ચક્રો અગત્યનાં છે. જેમાંથી ૭ ચક્રો સૌથી અગત્યનાં ગણાય છે. આ ઊર્જાકેન્દ્રો દ્વારા સમગ્ર શરીરમાં પ્રાણસંચરણ, નિયંત્રિત રીતે ચાલે છે. જોકે ચક્રોને ગોળાકાર માનવામાં આવે છે પરંતુ સઘન અવલોકન વડે તેનો ત્રિકોણ આકાર સ્પષ્ટ થાય છે.

શાસ્ત્રોમાં સ્પંદન વિષેની એક ધારણા છે. પ્રત્યેક ચક્રનો એક ચોક્કસ સ્પંદન સ્વર હોય છે. જેનાં આંદોલનો વડે ચક્રને સક્રિય, જાગૃત કરી શકાય છે. જે તે ચક્રનાં સારરૂપ (Essence) તેનાં સ્પંદન અને સંબંધિત સ્વર હોય છે. તેને બીજ મંત્ર પણ કહે છે. મંત્ર ઉચ્ચારણ વડે ચક્રોને આંદોલન પહોચતાં તે ખીલવાનાં શરૂ થાય છે. આ માટે ક્રિસ્ટલ અથવા ધાતુનાં વાસણ અથવા ટ્યુનિંગ ફોર્ક (ચીપિયા) નો ઉપયોગ પણ થઈ શકે છે.

વ્યક્તિને એવું લાગે કે આ ભરચક જગતમાં એ અટૂલો છે, નિરાશ છે, હતાશા વ્યાપી છે અથવા આત્મવિશ્વાસની ઊણપ છે. કોઈને એમ પણ લાગે કે તે આ જગતનો જ નથી, અથવા નકામો છે. તે પોતાનો ક્રોધ અથવા ભયને નિયંત્રિત રાખી શકતો નથી. કોઈને એમ પણ લાગે કે અતિ ઉત્સાહી કે સ્પષ્ટવક્તા છે. અથવા પ્રેમનાં આવેગમાં તેનાં મિત્રોને દુઃખ આપે છે. જો કોઈ શારીરિક રોગ હોય આવી કોઈપણ બાબતો જેને થતી હોય તે દર્શાવે છે કે તેનાં અમુક ચક્રો બંધ છે, મંદ છે અથવા વધુ પડતા સક્રિય છે. ઊર્જાને સંતુલિત કરવા માટે આ સાત ચક્રોનું મહત્ત્વ અને અસરો સમજવી આવશ્યક છે. જો કોઈ ચક્ર વધુ પડતું સક્રિય હોય તો તેને બંધ કરવાનાં બદલે કે અંશત: મંદ કરવાને બદલે અન્ય ચક્રોને સક્રિય બનાવવાથી પણ ઊર્જાસંતુલન કરી શકાય. જો તમામ ચક્રો ખુલ્લા અને સક્રિય હોય તો પણ ઊર્જાસંતુલન જળવાય છે. પ્રત્યેક ચક્રનો એક ચિન્હ, કલર, સ્વર, બીજતંત્ર, તત્વ, દેવી કે દેવતા અને સંકળાયેલા શારીરિક અવયવો હોય છે. તે ચક્ર પર ધ્યાન કરવાથી વ્યક્તિમાં અમુક ચોક્કસ ગુણો પ્રગટે છે.

૧) પૃથ્વીલોકનો ભાગ પગનાં અંગૂઠાથી ઘૂંટી સુધી છે.

૨) ઘૂંટીથી ઘૂંટણ સુધી વનસ્પતિજગત છે.

૩) ઘૂંટણથી થાપા સુધી પ્રાણીજગત છે.

૪) કરોડરજ્જુવાળો ધડનો ભાગ મનુષ્યજગત છે.

૫) આજ્ઞાચક્ર અને ઉપરનો ભાગ દેવજગત ગણાય છે.

૧. મૂલાધાર ચક્ર:

આ ચક્રને આધારચક્ર પણ કહે છે. પ્રત્યેક દેહધારીમાં મૂલાધાર ચક્ર અંશતઃ સક્રિય હોય છે. મૃત્યુ પામેલ વ્યક્તિનું મૂલાધાર બંધ થઈ જાય છે અને તેમાં કોઈ સ્પંદન જણાતું નથી. આ ચક્રનો રંગ લાલ હોય છે. તેને ૪ પાંખડીઓ હોય છે. અહિયાં કુંડલિની શક્તિ સુષુપ્ત અવસ્થામાં ૩.૫ આંટા મારીને સૂતેલી હોય છે. જેનો રંગ નવા પાંદડા જેવો હોય છે. લાલ ત્રિકોણકેન્દ્રમાં સ્વયંભુ શિવ અને પરમેશ્વરીનો નિવાસ છે.

મૂલાધાર ચક્ર જિજીવિષા, સ્થિરતા, સલામતી, શક્તિ (બળ), સહનશક્તિ, આરોગ્ય, જ્ઞાન, વાણી, આશીર્વાદ સાથે સંયોજિત હોય છે. તે ઉત્સર્જન અવયવો સાથે જોડાયેલું છે. મૂલાધાર ચક્રમાં પશુ સામ્રાજ્યનું માનવજગત સાથે સંયોજન થાય છે. આ ચક્રમાં ચૈતન્ય વસે છે અને પૂર્વજન્મોનાં કર્મો અને સ્મૃતિ પણ હોય છે. કુંડલીનાં ત્રણ આંટા સત્ત્વ, રજસ, તમસ ગુણોની ઉપસ્થિતિ અને અડધો આંટો વિકૃતિ દર્શાવે છે.

આ ચક્ર દ્વારા જાગૃતિનો અનુભવ થાય છે અને વિવિધ પરિસ્થિતિઓમાં પહોંચી વળવાની ક્ષમતા આવે છે. જો આ ચક્ર પૂરતું સક્રિય હોય તો વ્યક્તિ સંતુલિત, સમજદાર અને સલામતી અનુભવે છે. તે કારણ વગર અન્યને ખલેલ કરતો નથી. તેમજ તે પોતાના શારીરિક શરીરમાં ખૂબ જ સ્વસ્થ હોય છે. જો ચક્ર મંદ હોય તો તે ડર, ભય, શંકા, અને ઢીલોઢાલો લાગે છે – સંપર્ક ટાળે છે. જો મૂલાધાર ચક્ર વધુ પડતું સક્રિય હોય તે વ્યક્તિ લોભી અને ભૌતિકવાદી હોય છે.