પ્રાણતત્વની ઉપાસના
(પ્રાણતત્વની ઉપાસના) ઋષિ કૌષીતકિ કહે છે, ‘આ પ્રાણ જ બ્રહ્મ છે. પ્રાણનો દૂત મન જ છે. વાણી એમની રાણી, ચક્ષુ સંરક્ષક મંત્રી છે. કર્ણેન્દ્રિય (દ્વારરપાળ) સંદેશ સંભળાવનાર છે. એ સુપ્રસિદ્ધ પ્રાણરૂપ બ્રહ્મને માગ્યા વગર જ આ સહુ ઈન્દ્રિયગણ (દેવો) ભેટ પ્રદાન કરે છે.’
પ્રાણનાં સંસર્ગથી જ મન અને ઈન્દ્રિયોની ક્રિયાઓ સહજ રીતે થવા માંડે છે. (આ પ્રક્રિયા સ્વચાલિત હોવાથી એને માગ્યા વગર આપનારી ભેટ કહેવાઈ છે. આ રીતે જે આ રહસ્યનો જાણકાર છે, એને યાચના કર્યા વગર જ સમસ્ત ચરાચર પ્રાણી ભેટ સમર્પિત કરે છે.
એ શ્રેષ્ઠ પ્રાણનાં ઉપાસક માટે આ ગૂઢ વ્રત એ છે કે એ કોઈનીય પાસે કશું માગે નહીં. પ્રાણની ઉપાસના કરનારે પણ પોતાના ન માંગવાના વ્રત ઉપર દૃઢતાથી ટકી રહેવું જોઈએ.
‘પ્રાણ એજ બ્રહ્મ છે’ એવું પ્રસિદ્ધ મહાત્મા પૈંગ્ય પણ કહે છે. તે બધી ઈન્દ્રિયોને બધી બાજુથી વ્યાપ્ત કરીને રહેલ છે. મનમાં સાવધાન રહેવાથી જ આ ઇન્દ્રિઓ કાર્યશીલ થવા સમર્થ થાય છે. એટલે મન ઈન્દ્રિયોથી અલગ છે. અને મનથી અલગ પ્રાણ છે. જે મનને બધી બાજુથી વ્યાપ્ત કરી રહે છે. પ્રાણ જ મનને બાંધી રાખનાર છે એ વાત જાણીતી છે. પ્રાણ ન હોવાથી એટલા માટે બધાના કરતા શ્રેષ્ઠ અને આંતરિક આત્મા હોવાથી પ્રાણનું બ્રહ્મ હોવું ઉચિત જ છે. એ પ્રાણસ્વરૂપ પરમાત્માને આ દેવો ઇન્દ્રિયગણ ન માંગવા છતાં ઉપકાર પ્રદાન કરે છે. આ રીતે એને જે જાણે છે. એ સાધક સમસ્ત જીવ સામે કોઈપણ યાચના ન કરે.
પ્રાણ શક્તિની શુદ્ધતા અને સૂક્ષ્મતાને આધારે ૭ વિભાગો (Grade).
પ્રાણશકિતની મદદ વગર આપણા જીવન સ્તર પર કાંઈપણ શક્ય નથી. એટલે સ્થૂળ સૃષ્ટિનાં નિર્માણ, નિભાવ અને સંહાર બધામાં પ્રાણનો ફાળો હોય છે. શાસ્ત્રમાં સૂર્ય, તેજ અને પ્રાણને એકબીજાનાં પર્યાય બતાવ્યાં છે. પ્રાણને પ્રાણબ્રહ્મ પણ કહેવામાં આવેલ છે. જેમ જડ, વાયુ, પ્રવાહી, ઈથર વગેરે પદાર્થનાં વિવિધ સ્વરૂપો છે તેમ પ્રાણમાં દ્રવ્ય, પ્રકાશ, વિદ્યુત અને વિજ્ઞાનનું સંયોજન હોય છે. વળી પ્રાણમાં જડ દ્રવ્ય સાથે ચૈતન્યના હોવાપણાથી અનંતાનંત શકયતાઓ સર્જાય છે. આમ જીવદ્રવ્ય કે પ્રાણઊર્જાનું મૂળ સ્વરૂપ છે. જેનો ઉદ્ભવ જ બ્રહ્મચૈતન્ય છે આથી તેને પ્રાણબ્રહ્મ કહેવાય છે. ચિદ્આત્માની જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના મૂળમાં પ્રાણશક્તિ છે. અને તે પ્રાણદેહનાં આશ્રયરૂપ છે. તે બંને છૂટા પડતાં ક્રિયાશક્તિ નષ્ટ થાય છે.
પ્રાણશક્તિની શુદ્ધતા અને સ્થૂળથી સૂક્ષ્મતાના આધારે ૭ વિભાગો પડે છે.
(૧) સૃષ્ટિમાં અનેકવિધ જીવો અસ્તિત્વ ધરાવે છે. તેમાં પૃથ્વીકાયથી આકાશ અને ઘુલોકનાં જીવોનો સમાવેશ થાય છે. પ્રથમ ગ્રેડનો પ્રાણ અતિશય સ્થૂળ હોય છે એટલે તે સ્થિરતા ધરાવવામાં મદદરૂપ હોય છે. દા.ત. પથ્થર, કાંકરા (Pebbles), ટેકરીઓ (Hills), Mountains પર્વતો વગેરે અહીં શ્વાસ અને પ્રશ્વાસ ખૂબ ખૂબ લાંબા હોય છે. વચ્ચેનો સમયગાળો પણ અતિ લાંબો હોય છે. બે શ્વાસ અને પ્રશ્વાસનાં વચ્ચે દિવસો, મહિના, વર્ષોનું અંતર હોય છે. આ કોટિનાં જીવોને હું છું નું ભાન નહિવત્ હોય છે. પરંતુ સંસારમાં કુદરતનાં ઋતુચક્ર વગેરેમાં તેઓનું અસ્તિત્વ ઉપયોગી યોગદાન આપે છે. પર્વતો જ નદીઓનું ઉદ્ગગમ સ્થાન હોય છે. તેઓ પણ આયુષ્યકર્મ પૂરું થતાં મૃત્યુ પામે છે નામશેષ થઈ જાય છે. ઔદ્યોગીકરણ અને રોડના બાંધકામથી તેમને પારાવાર ક્ષતિ, હાનિ પહોંચે છે. તેઓ સુરંગ ચાંપીને વિસ્ફોટો કરી પર્વતમાળાઓ ઉજાડે છે. માનવલોભને કોઈ થોભ ખરો? કુદરતી પરિબળો, ઠંડી, ગરમી, પવન, પાણી, હિમ, વરસાદ અને વિદ્યુતપ્રવાહ ઉપરોક્ત પક્ષીઓ, પ્રાણીઓ તેમનાં જીવનકાળ દરમ્યાનની પ્રવૃત્તિઓ દા.ત. જમીન ખોદવી, પથ્થર ગબડાવવા, મળમૂત્ર વિસર્જન વડે થનારી રાસાયણિક ક્રિયાઓ પરિણામ સ્વરૂપ તેમનાં આવા જીવનનો અંત આવે છે. પરંતુ આ પ્રકારના જીવો સ્થિર, ભોગવટો, વેદનીય કર્મ પૂરા કરીને ઉત્ક્રાંતિમાં આગળ જાય છે. આ યોનિ મોટા ભાગે અન્ય જીવોનાં આશ્રય અને ભોગ (સગવડ) માટે રચાયેલી હોય છે.
૨) II grade નો પ્રાણ મોટા ભાગે જળમાં દ્રવીભૂત થયેલો હોય છે. પહાડો પરથી પાણી, ઝરણાં, ધોધ બનીને વહે, હિમશિલાઓ ઓગળીને આવાં ઝરણાં, નદીઓ સર્જે ત્યારે તેનાં વહેણ દરમ્યાન ધરતીમાંના ખનીજ અને વૃક્ષો, વનસ્પતિઓમોનાં ઔષધીય ગુણો મેળવે અને પરિણામે જળમાં ઔષધિક પોષક અને રાસાયણિક સત્વથી પ્લાવિત બનતું જાય છે. તેનાં પર પડતો સૂર્યપ્રકાશ અને હવાનાં વિવિધ સ્તરો વડે તેનાં જીવનને આધારરૂપ બનવાની ક્ષમતા ખૂબ જ ઉપયોગી જણાય છે. આવા જળનાં ઉપયોગથી અન્ય તમામ જીવોને જીવન-રસ, રસાયણ પ્રાપ્ત થાય છે. જલ ખુદ એક જીવયોનિ જેમાં અસંખ્ય જલીય જીવો, જળચરો વસે છે. છે ને અદ્ભૂત\! અન્ય જાનવરો, પશુઓ અને માનવો પણ તેના આધારે જ જીવે છે. તેઓનાં શરીરમાં વહેતાં પોષક પ્રવાહીઓ પોષણ અને ઉત્સર્જન માટે અતિ ઉપયોગી બને છે તેનું કારણ જળમાં રહેલો II grade of પ્રાણ છે. વનસ્પતિ જગતનાં તમામ સભ્યો છોડ, ઝાડ, વેલો વગેરે, ખેતરોમાં પાકતાં ધાન્યો વગેરેની જીવનયાત્રામાં તેમનાં જીવનમાં પ્રકાશ સંશ્લેષણક્રિયા દ્વારા શોષાતું જળ અને તેનાં દ્વારા લેવાતાં પ્રાણ વડે તેઓ જીવન પામે છે અને અન્યનાં જીવન માટે આધારરૂપ બને છે. જો જલમાં પ્રાણતત્વનો અભાવ હોય, ઊણપ હોય કે ન હોય તો વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ વગેરે મૃત્યુ પામે છે.
આમ જળ સહુનું જીવન છે પરંતુ પ્રાણીઓ અને ખાસ તો મનુષ્યો જ જળનાં જ જીવનને સમાપ્ત કરે છે. દા.ત. વાંદરા કૂદે અને ઝાડ વનસ્પતિનો નાશ થાય, તેમ મનુષ્યો પોતાનાં લોભને સગવડ-લાભનું નામ આપીને નદીઓ પ્રદૂષિત કરી, જંગલાં ઉજાડયા તેમની વિનાશક પ્રવૃત્તિઓથી Global Warming સર્જી તબાહીનાં એંધાણ આપે છે. આમ II Grade નાં પ્રાણમાં ઊભા થયેલાં પ્રદૂષણ અને લોભનાં પરિણામો વળી મનુષ્યોનાં જીવન અવધિ ઉપર અવળી ઘાતક અસરો ઉપજાવીને માનવજીવનનો અકાળે અંત અથવા અવયવોમાં ગરબડ વિસંગતા લાવીને જીવનને દર્દનાક ઓશિયાળું બનાવે છે. II Grade નાં પ્રાણમાં હું છું ઉપરાંત સ્મૃતિઓનો ભંડાર હોય છે. હા, પાણીનાં એક ટીપાંમાંથી તમે સમગ્ર સૃષ્ટિનિર્માણ, પોષણ અને સંહારની માહિતી મેળવી શકો છો. આ II Grade of પ્રાણ વાસ્તવમાં બહુમૂલ્ય છે અને અન્ય યોનિનાં જીવનના આધારરૂપ છે.
૩) III grade પ્રાણશક્તિ: પ્રત્યેક જીવંત માનવ અને માનવેતર પ્રાણીઓ તેમની શ્વસનક્રિયા દ્વારા જે હવા લે છે, તેમાંથી તેઓ આ III grade of પ્રાણ મેળવે છે. આમ અભાનપણે લેવાયે જતાં બધાં શ્વાસમાં તે હોય છે. આ વાયવીય પ્રાણ છે. તેમાં વાયુરૂપે પ્રાણશક્તિ જીવંત વ્યક્તિનાં શરીરમાં જઈને તેનાં કાર્યો કરવા માટેનું ઈંધણ પૂરું પાડે છે. તે હવારૂપે ફેફસાંમાં શોષાઈને રક્તકણો વડે શરીરનાં પ્રત્યેક અંગનાં પ્રત્યેક કોષમાં વ્યાપેલો હોય છે. આમ આપણે પ્રાણદેહ, પ્રાણશક્તિ દ્વારા સક્રિય થવાથી શારીરિક આરોગ્યમય અને ઊર્જાશીલ રહેતું હોય છે. આજ ગુરુચાવી છે ચિકિત્સા માટે અને આગળનાં વિકાસ માટે. જો પ્રાણદેહને સુદૃઢ અને સક્રિય રાખવામાં આવે તો બીમારીઓનો ખતરો ટાળીને જીવન ઉત્કૃષ્ટ રીતે જીવી શકાય છે. આ III grade પ્રાણમાં ઊર્જા સ્મૃતિ, ઉપરાંત સૂક્ષ્મ બુદ્ધિતત્ત્વ રહેલું હોય છે. ટૂંકમાં મનુષ્ય જે પ્રાણ શ્વાસમાં લે છે તે તેનાં મન-બુદ્ધિનાં કાર્યોમાં સહાયભૂત થાય તેવા ગ્રેડનો હોય છે. તદઉપરાંત તે વિકાસનાં આગળનાં સ્તરે મનુષ્યને લઈ જઈ શકે તેવી ગુણવત્તાવાળો હોય છે. મનુષ્યનાં જાણપણાની ક્ષિતિજો તેનું હું છું તત્ત્વ વિસ્તરે છે. પરંતુ આ પ્રાણના સંચાલનમાં બાધા, અવરોધ, અવ્યવસ્થા આવે ત્યારે તેનો પ્રાણદેહ અલગ પડી જઈ તે મૃત્યુ પામે છે.
૪) IV grade પ્રાણશક્તિ: આ ધર્મ કે સંસ્કૃતિનાં ઉચ્ચ વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. અધ્યાત્મનો અધ્યાય અહીંથી શરૂ થાય છે. જ્યારે વ્યક્તિ યમ, નિયમ, સંયમનું પાલન શરૂ કરે છે તેની સાથે સાથે જ્યારે જ્યારે શ્વાસ સભાનતાપૂર્વક લેવાય છે. ત્યારે વ્યક્તિનાં જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ સર્જાય છે. તેનાં સભાનતાપૂર્વક લેવાતાં પ્રાણનાં સ્પંદનો તેનાં ચક્રો મૂલાધારથી શરૂ કરીને સ્વાધિષ્ઠાન, મણીપૂર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર, બ્રહ્મરંધ્ર સુધી પહોંચવાનાં શરૂ થાય છે. તેની સાથે જ ચંદ્રનાડી ઈડા અને તારાનાડી પિંગલાને સ્વચ્છ કરીને સમતોલ બનાવે છે. ત્યારે મૂલાધારમાં કુંડલિની અગ્નિતત્ત્વની સહાય વડે જાગૃત થાય છે. તેનું મુખ સુષુમ્ણાનાં મૂળ પરથી હટતાં જ તે તેજરૂ૫ બની ચક્રશોધન – વેધન કરીને સહસ્ત્રાર તરફ ગતિમાન થાય છે. ૩rd grade નો પ્રાણ લેતાં લોકોને વાતે વાતે તાવ આવે, નબળાઈ આવી જાય માંદા પડી જાય પરંતુ ૪th grade ની પ્રાણશક્તિ ઊર્જાદેહમાં વ્યાપતાં જ રોગો, નબળાઈઓ દૂર થઈ જાય છે. તેની તબિયત અફલાતૂન થવા માંડે છે. દિમાગ એકદમ શાંત થવા માંડે છે. ચિત્તની ભાગદોડ ઓછી થઈને સ્થિર થવા માંડે છે. તેનાં શ્વાસ પ્રશ્વાસ જે ૩rd Grade માં ૧૫ થી ૨૫ પ્રતિ મિનિટનાં બદલે ૧૨ થવા માંડે છે. રક્તદબાવ જે ૮૦-૧૮૦ વચ્ચે ઝૂલતું હોય તે સ્થિર થઈ ૮૦ – ૧૨૦ થાય. તેમાં હૃદયનાં ધબકારા ૭૨ થી ૮૦ હોય તે ૬૦ પ્રતિ મિનિટ પર મોટે ભાગે થાય છે. આવા અનેક એલોપેથિક મા૫દંડોમાં ધરમૂળ સુધારા આવે છે. ચિત્તના પ્રસન્નતા, ડોપામાઇન, સેરોટીનીન વગેરેના સ્ત્રાવ નિયમીત રીતે વધતાં જાય અને અંતઃસ્ત્રાવો વધે, નિયમિત થઈ વધુ સારી ગુણવત્તાવાળા થાય છે. વ્યક્તિ હવે વિશિષ્ઠ બનવા માંડે છે. તેનાં આરોગ્ય, આચાર વિચાર અને ઉપચારમાં સકારાત્મક સુધારો આવે છે. તેનું નિરીક્ષણ, પરીક્ષણ સભાનપણે થાય છે. ચોકકસતા વધતી જાય છે. વ્યક્તિનાં એકંદર આરોગ્યમાં દેખીતો ફર્ક વર્તાય છે. આવા વ્યક્તિમાં આંતરિક અને સાંસારિક ગુણ-કૌશલ્યમાં વૃદ્ધિનું ચક્ર શરૂ થાય છે. આધુનિક વિજ્ઞાન અહીં સમાપ્ત થઈ જાય છે. તેનાથી આગળનું બધું હાલનાં વિજ્ઞાનની હાલની ક્ષમતા ઉપરવટ છે. હવે મૂળ ગુહ્ય વિજ્ઞાન શરૂ થાય છે.
આના પાયામાં પ્રાણાયમ કે સભાનતાથી લેવાતા શ્વાસ હોય છે. તેનું ફળ શું? આરોગ્યમ્, ઐશ્વર્યમ્, (વધુ કુશળતાથી ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ કોશલ્યપૂર્ણ કામ કરવાની ક્ષમતા વડે થતો આર્થિક લાભ) અને શત્રુબુદ્ધિનો વિનાશ થાય છે. તે બીજાને બીજાં કે પરાયા જોતો નથી, સમદર્શી બની તે પ્રમાણે વર્તે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં વર્ણવેલી દૈવી સંપત્તિને અપનાવે છે. શાંત, ધીર, મિતભાષી અને હિતેચ્છુ બનતો જાય છે. સહસ્ત્રાર ચક્રમાં બ્રહ્મ પોતે દિવ્ય અદ્ભૂત અમૃત રસ, દિવ્ય અદ્ભૂત તેજ અને દિવ્ય અદ્ભૂત પ્રાણવાયુ રૂપે ગુપ્ત હોય છે. તે સાધના દરમ્યાન આંદોલિત થઈને ખૂબ ધૂમેડાવાથી પ્રગટ થવા માંડે છે. તેનાં ચહેરા પર તેજસ્વિતા આવે છે. આવી વ્યક્તિ ૪th Grade ની પ્રાણશક્તિને પ્રાપ્ત કરી લેતાં તેના આરોગ્યમાં ઓછા ઉતાર, ચડાવ સહન કરવાથી સબળ, સશક્ત, શાંત, આનંદી, પ્રામાણિક કરુણાસભર અને સ્વતંત્ર થતો જાય છે.
૫) 5th grade પ્રાણશક્તિ - જ્યારે વ્યક્તિ સાધનામાં નિયમથી બેસવાનું શરૂ કરે ત્યારથી સામાન્ય રીતે 6 થી ૧૨ મહિનામાં તેના પાંચે કોષોમાં પરિવર્તન થઈ જતાં V grade નો પ્રાણ શરૂ થઈ શકે છે. સાધકનું શરીર આ પછી અદ્ભૂત રીતે તેજસ્વી તંદુરસ્ત અને ચપળ બની જાય છે.
5th Grade નાં પ્રાણમાં અગ્નિતત્વનું તેજરૂપમાં પરિવર્તન થાય છે. આવા તેજનાં પ્રભાવથી અગ્નિતત્વ પ્રદીપ્ત થવાના પરિણામે તેનાં શરીરના, મનના બાકી રહેલાં સૂક્ષ્મ વિકારો, વાસનાસમૂહો સળગી જાય છે. સાધકને હવે જીવનમાં વૈરાગ્ય વ્યાપવાનો શરૂ થાય છે. તે એકાંતવાસ સેવન શરૂ કરે છે.
તેનાં જીવનનો એક માત્ર લક્ષસંધાન પર આવી જાય છે. સાધકના મળમૂત્ર વગેરેની માત્રા ઓછી થતી જાય છે. તેની હાજરીમાં વિશિષ્ટ સુગંધનો અનુભવ શરૂ થાય છે. તેની સાથે એક અપાર્થિવ શાંતિ, નિરાંત અને કરુણામય વિશ્વાસનું દિવ્ય વાતાવરણ તેની ફરતે દિવ્ય તેજોવલયરૂપે સર્જાય છે. જેનો અન્ય લોકો પર પ્રભાવ પડવાનો શરૂ થાય છે.
આ સાધકનાં પ્રત્યેક શ્વાસ, જે હવે ૧૨ શ્વાસ પ્રતિ મિનિટથી ઘટવાનાં શરૂ થાય છે અને બે શ્વાસ વચ્ચેનો ગાળો ૩ મિનિટથી પણ વધુ થાય છે. અગ્નિતત્વનાં સંયોજનથી તેનાં પ્રાણ ઉચ્ચ જ્વલનાંકવાળા (High octane Fuel) થવાથી તેની કાંતિ અતિશય વધી જાય છે. તે ખૂબ ખાય અથવા કશું પણ ન ખાય છતાં તેને કોઈ અવળી અસર આવતી નથી. ઝેરી જંતુઓ, જનાવર ઝેરી ઉપદ્રવી મનુષ્યો તેને કરડતાં નથી, કે નુકસાન કરી શકતો નથી. તેની સાધના તીવ્રતા પકડે છે. તેનાં આનંદ, ઉલ્લાસ અને આરોગ્ય દિવસે દિવસે વધતાં જાય છે.
‘દેવ જેવો માણસ’ એમ સામાન્ય જનમાનસમાં સ્થાપિત થાય છે. પંચભૂત તત્વ પર તેની પ્રભુતા સ્થપાઈ જતાં તેની હાજરી માત્રથી અન્ય સાધકોની સાધનામાં બળ પુરાય છે. સમાજઉપયોગી કોઈપણ તે કરતાં ન દેખાવા છતાં તેની હાજરી માત્રથી વિઘ્નો ટળી જાય, કુદરતી આફતો દૂર થઈ જાય, ટળી જાય. આવા વ્યકિત અવસ્થામાં સ્થાપિત થઈ જાય છે. તેનું પ્રભુત્વ પ્રગટે છે. અહીં કેવળ કુંભક ઘણા દિવસો સુધી થયા કરે છે. આ સંસારમાં હવે તેને કશું જ અલભ્ય નથી પરંતુ ઇચ્છા માત્ર ન હોવાથી સંપૂર્ણ વિતરાગ-વિતદ્વેષ હોય છે. તે ખુદ ખુદા છે. ને મૂર્તામૂર્ત, ગુરુમૂર્તિ જ્ઞાનસ્વરૂપ હોય છે. તેની પ્રકૃતિ અને અહંકારનો 5th Grade નાં અંતે લય થઈ જવાથી તેને સ્વયં જ્યોતિ પ્રગટે છે. નિરંતર, સન્મુખ, અસંખ્ય શ્વેત, સોનેરી રૂપેરી ઘૂમતાં કણોનું દર્શન કરવાથી વિજ્ઞાન હવે સંપૂર્ણ થાય છે. તે સ્વયં જ્યોતિમાં તદરૂપ, તદાકાર હોય છે.
આ જ દેહધારી પરમાત્મા છે તેઓ સર્વ સિદ્ધિઓ શક્તિઓનાં સ્વામી પરંતુ શાંત, નમ્ર, ઉદાર અને કેવળ બ્રહ્મ સ્વરૂપ જ હોય છે. આમ 7th Gradeનો પ્રાણ પ્રગટ કરી પૂર્ણતા પ્રાપ્ત કરનાર સંદેહમુક્ત સ્વતંત્ર, જીવનમુક્ત હોય છે. આવા દેહધારી પરમાત્મા અતિ અતિ દુર્લભ કોઈક કાળે કોઈક જ હોય છે. તેઓને અમારા સદાય વંદન.