અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

પુનરપિ જન્મમ્ પુનરપિ મરણમ્

ભાગ ૪૧ / ૪૪ · મૂળ PDF

પુનરપિ જનની જઠરે શયનામ્

આ Life Plan તો છે જ પરંતુ...

જો ભગવાનની વાત માનશો તેને જાણીને સમજીને પ્રતિપળ અમલમાં મૂકશો તો ભગવાનનું વચન છે કે તમે મુક્ત થશો. તમે મુક્તિ પામશો. અરે ખુદ ભગવદ્ રૂપ થઈ જશો.

તો પછી...

હોશિયાર થા તૈયાર

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ૧૮/૬૬

તમામ ધાર્મિક ઉથલપાથલ છોડીને એકમાત્ર મારા જ શરણમાં આવ.

સંપૂર્ણ ભાવથી આ એક પરમાત્માનાં શરણમાં જાઓ, જેમની કૃપા પામીને તું પરમશાંતિ, શાશ્વત પરમધામ પામીશ. ૧૮/૬૨

– શ્રીમદ ભગવદ્ગીતા.

Chapter - 8

સાક્ષાત્કાર

“જેવું તેં જોયું, જાણ્યું તેવું જ લાગ્યું

જે તને લાગ્યું તે જ તો તને વળગ્યું

તેથી તો ભૂતો વળગ્યા અને પંચમહાભૂતો પણ.”

વિચાર તો કર.

તું ભરેલો છે એટલે અકળાયેલો ભારાડી થઈને ફર્યા કરે છે. ભય કેમ લાગે છે? વિચાર તો કર. સંસાર એ મહારોગ છે. રોગ એ કલ્પનાનું પરિણામ છે. એટલે રોગ કલ્પનામાત્ર છે. સંસાર કલ્પનાનું પરિણામ છે. આ બધું પવન અને રસશક્તિમાં ઊભા થયેલાં આભાસી વિકારનું પરિણામ છે. ચૈતન્યની હાજરીમાં પવન (પ્રાણશક્તિ) ચલાયમાન થાય છે તે રસશક્તિ વડે પંચકોષોમાં હલચલ પેદા કરે છે. આથી પુરિયાષ્ટકમાં લાવેલી વૃત્તિ સંગ્રહમાં તેનાં સ્પંદનો, વૃત્તિનો વિચાર, મનમાં બતાવે છે. તે વિચાર પર અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર)માં પ્રક્રિયાઓ થતાં જ્ઞાનેન્દ્રિઓ બાહ્ય જગતની સ્થિતિ દર્શાવે છે. ચિત્ત દ્વારા એકઠી થયેલી માહિતી જ્ઞાનેન્દ્રિઓ (Photo machine, visual Sensor, sound senser, touch sensor, smell Sensor & taste sensor) ફરી અંત:કરણમાં process થાય છે. બુદ્ધિ સલાહ આપે છે તેની પર અહંકાર સિક્કો મારે છે. Approved. એટલે કર્મનો સંકલ્પ થઈ જતાં કર્મ થાય છે. મોટેભાગે તો (કંપલ્સન Compulsion) ફરજિયાત રીતે કર્મ થઈ જ જાય છે. જો સંસ્કાર, વિવેક નીતિ આડા આવે તો જ અટકે. આમ ઇચ્છા અને નૈતિકતા (જ્ઞાન) વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે.

આ જ તો છે પાંડવ – કૌરવોનું મહાભારત. અહીં આત્મા (કૃષ્ણ – ચૈતન્ય) છે તે તટસ્થ છે પરંતુ નૈતિકરૂપે સહાયમાં છે.

આ સંસાર ભાસે છે તે ઝાકળ જેવો જ છે. તે ભાસે છે તેનું કારણ સંવેદનાઓ લાગણીઓ છે. તે મન પેદા કરે છે. સંસાર એ તારા મને બાંધેલો કલ્પિત માંડવો છે. આ સંસાર મારો છે એવું જે તને થયું તેથી જ તો તે તને વળગ્યો છે. ઊર્જા વિચારને અનુસરે છે. મહીં પડેલી સૂક્ષ્મ વૃત્તિઓ જ વાયુ અને વિચાર પેદા કરે છે. વળી વિચાર વાયુને વકરાવે છે. એટલે વિચારવાયુ થયો છે. તો શું કરવું? તો શાંતિ રાખ, આરામ કર, Pose લે છે. આવાને ડૉક્ટરો અને લોકો પણ કહે, બહુ વિચારો ન કરશો. પણ અશાંત રોગીને કારણ, વૃત્તિ પર કાબૂ રહે ન પણ રહે. આ એક ચક્રવ્યૂહ છે જેમાં દરેક ફસાયેલો રહે છે. વધુ પડતો વિચાર વૃત્તિને બળ આપે છે જે કર્મમાં પરિણમે છે. ચૈતન્યની હાજરીને પરિણામે વાયુ વડે વૃત્તિનો ઉદય થાય છે. પવનની પાંખે ચડીને વિચારવૃત્તિ, રસશક્તિ મારફતે રસકોષોમાં હલચલ પેદા કરે છે, સ્પંદનો જન્માવે છે કે કાર્યમાં પરિણમે છે. દા.ત. આંખો દ્વારા મન ધૂળ જામેલી જુએ છે. અંદર પડેલી સ્વચ્છતાની વૃત્તિ સળવળે એટલે તે ઊભો થઈને સાફ કરીને જ જંપે. આવા તો અનંત રૂપો (જીવ) પૃથક ક્રિયાશક્તિ વડે ક્રિયાકર્મ કરે છે જે બધી જ આરંભ, વૃદ્ધિ અને ક્ષયવાળી ક્રિયાઓ કરતાં કરતાં ચક્રશક્તિને આધીન થઈને જન્મ-મરણનાં ચક્કરમાં પડી જાય છે.

વાસ્તવમાં, આ આખુંય જગત આકાશમાં આકાશ વડે દોરેલાં અતિવિશાળ ચિત્ર જેવું જ છે. આકાશ એટલે કશું નથી. જેના વડે દોરાયું ભાસે છે તે પણ કશું નથી\! સાવધાન આ કશું નથી એવું જે જાણે છે તે બ્રહ્મ છે. તે જ તારો આત્મા છે. એટલે તું જેને હું સમજે છે તે વાસ્તત્ત્વમાં બ્રહ્મ છે.

હજુ તું law of attraction માં અને ક્રિયાશક્તિ કરવામાં પડ્યો છે? હજુ તો બધું ભર ભર કરે છે. અલ્યા કેટલા જન્મનું બાંધી રહ્યો છે. તારી ઇચ્છાપૂર્તિ માટે હજું કેટલો કાળ, કેટલા જન્મ, કેટલી યોનિઓનું તું બાંધ બાંધ કરે છે? ભાનમાં આવ હવે તો. અનિયંત્રિત ઇચ્છાશક્તિ (ભાવશક્તિ) જ સંસાર પેદા કર્યા કરે છે એને ગૂંચવે રાખે છે. તારું મન જ પ્રજાપતિ બ્રહ્મા છે. તારો અહંકાર જ ઇન્દ્ર છે તારી મતિ (સુમતિ કે કુમતિ) તો પુરિયાષ્ટકને આધીન કરેલી છે. આજ તો માયાજાળ છે. મનમાં જે ચલનશક્તિ છે તે પ્રાણની છે. અહંકાર હંમેશાં પોતાનાં હોવા માટે, મજબૂત થવા માટે સંસારમાં Conformation ખોળે છે તે ન મળે તો તે ઘવાય છે. પાતળો પડે અને નષ્ટ થાય છે.

આવા સંસારમાં તું શાંતિ ખોળે છે? હોતી હશે? સંસારમાં જો તું શાંતિ શાંતિ કરીને બેસી રહીશ તો લોકો માટે ખતરો થઈ જઈશ. એટલે પછી બધા લોકો પતિ, પત્ની, મિત્રો, સબંધીઓ અરે આખોય સંસાર તારી પર Attack (હુમલો) જ કરશે. અરે તારું મન અને શરીર પણ તને હચમચાવશે. ઊભો કરીને દોડાવશે તને થશે, “આના કરતાં અૅટેક (હાર્ટ) આવી જાય તે સારું.” અને પછી ખરેખર એમ પણ થઈ જાય\! તું શાંતિ કેવી રીતે પામીશ? આખા જગતમાં અહંકાર હોય છે અને અહંકારમાં જે આખું જગત છે. દરેક કર્મ અહંકાર સહિત જ હોય, તારી ભૂલ એ થઈ કે તેં માન્યું કે આ દેહ છું અને આ સંસાર મારો છે. તારી આ ભાવનાને લીધે જ તને દુ:ખ, દર્દ, પીડા, પરેશાની આવે છે.

ઘરમાં તું ભાવહિંસા કરું છું અને બહાર બધે નર્યો કુસંગ, કુથલી અને નિંદા\! અરે તને તો સંસારરૂપી ખસ (Eczema) થઈ છે એવું તને લાગ્યું ખરું? ના\! તો પછી વલુર્યા કર, આનંદ આવશે પણ પછી તું જ ચીસો પાડીશ. એકવાર, પ્રમાણિકતાથી તપાસ તો કર\!

તું માન્યતાઓથી જ જુએ છે? જીવે છે?

તું લાગણીઓથી જ જુએ છે? જીવે છે?

તું દુઃખી છું? તારા જ સંસારમાં તું દુ:ખી છું?

સંસાર તેં જ તો વસાવ્યો છે તેમાંજ તો તું વસું છું\!

તારો સંસાર તારી જ કલ્પનાઓનું જ સર્જન છે. આ તારું લિંગશરીર, માનસશરીર અને કારણશરીર તારે લીધે જ ઊભા થયા કરે છે. પ્રત્યેક કોષ સૂર્ય સમાન હોય છે. તારી ભાવનાઓથી જ તેને પુષ્ટિ અને પોષણ મળે છે. જે તે પ્રકારનો જ્ઞાનસંચય કરીને જરૂર પડતાં આપે છે. આવાં જ આંદોલનો સ્પંદનો તેને વધુ પરિપકવ કરે છે. તારો કારણદેહ જ તારું અજ્ઞાન, આવરણ છે. એટલે જ તું સંસારમાં છે. અને તને એનું જ ભાન છે. ભવિષ્યનાં વિચારો જ પુનર્જન્મનાં બીજ છે. તારે એટલા જન્મ લેવા પડશે\! હવે છુટવું છે? તો શું ઉપાય? પ્રશ્ન તો કર\!

જ્ઞાનીઓ કહે છે. “સાધના પુરુષાર્થનું ફળ જ્ઞાન અને જ્ઞાન એટલે મુકિત. સા વિદ્યા યા વિમુક્તયે.” તું એવી વિદ્યા પ્રાપ્ત કર જે તને મુક્તિ અાપે. વિદ્યાનાં પણ બે પ્રકાર છે. પરા અને અપરા. તેમાં ચાર વેદ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ અને તમામ કળાઓ સહિતનું આધુનિક શિક્ષણ-વિજ્ઞાન બધું જ અપરાવિદ્યા છે. તે ક્ષર છે નાશવાન છે. તે માત્ર સંસાર વિશે જ જણાવે છે તેથી તે બધું જ અજ્ઞાનમાં જાય. પણ જેનાં વડે અક્ષર પરમાત્મા આત્માનું જ્ઞાન ઊપજે તે પરાવિદ્યા કહે છે. તેને બ્રહ્મવિદ્યા પણ કહે છે. ચાર વેદનાં એક લાખ મંત્રો છે. તેમાં એંસી હજાર મંત્રો કર્મકાંડના, સોળહજાર મંત્રો ઉપાસના કાંડના છે. તેમજ ચાર હજાર મંત્રો જ્ઞાનકાંડના છે. આ બધાની ૧૧૮૦ શાખાઓ છે અને પ્રત્યેક શાખામાં એક ઉપનિષદ નિર્માણ થયેલું છે.

આ સંસારમાં ફરી જન્મવાનો પ્રસંગ ન આવે તે માટે ૧૦૮ ઉપનિષદો ભણવા પડે છે. અને તે ઉપનિષદની ભાવના, અસંભાવના, વિપરીત ભાવના નામની ત્રણ ભાવનાનો નાશ કરી ત્રિવિધ દુઃખોમાંથી મુકિત આપે છે. સંસારને તરવો એટલે ગુણ-દોષથી અતીત થઈ જવું તે માટે અદ્વૈત ભાવના ઉત્પન્ન થવી જોઈએ. આ પરમતત્ત્વ પ્રગટ થવું બહુ મુશ્કેલ છે. પરંતુ જો બ્રહ્મનિષ્ઠ, તત્ત્વદર્શી ગુરુ, મળી આવે તો તેમની કૃપા થતાં તે સુલભ સુસાધ્ય બને છે. આવા ગુરુ કોઈપણ બજારમાં બેઠેલાં ન હોય. સાવ નિઃસ્પૃહી\! એમને કશું પણ જોઈતું જ નથી. ખાલી એક જ ગરજ એમને કેમ કરીને આ બધું જ્ઞાન લાયકને આપું ને હું મુક્ત થાઉં. હા, જ્ઞાન પ્રાપ્ત કર્યું ને એમણે તે પણ તેમણે પણ છોડવું જ પડે તો જ એ પણ છૂટે મુક્ત થાય. પણ પાછું પ્રતિબંધ છે કે કુપાત્રને જ્ઞાન ન અપાય. આ બધા ઇચ્છાધારી નાગો જેવા હોય. એમને જોઈતું મેળવવા ગોળગોળ ફરે અને વખતે ગુરુની પણ સામે ફેણ માંડે. દુકાન જ ખોલી નાખે રીતસર.

આમાં ગુરુ તો ઘણાય હોય. પણ માત્ર પરમ તત્ત્વની, બ્રહ્મની જ નિષ્ઠા રાખનાર અને તત્ત્વને જોતાં થયેલાં, જાણતાં થયેલાં જ ચાલશે. બાકીનાં બધા તો ornamental તે તમારા ornament ઉતારવી તેનું દાન પોતાને કરાવડાવે એવા.

આમ જિજ્ઞાસુ તો બન\! સાચો જિજ્ઞાસુ તો કેવો હોય? આ એકલવ્ય જેવો જ. ચાલોને ત્યારે જાણી તો લઈએ, કોક દાડે કામ આવશે વાળા (casual) ન ચાલે. વિદ્યા અને તેય પાછી બ્રહ્મવિદ્યા. સંપાદન કરવા તો નચિકેતા બનવું જ પડશે. અને હા, અહીં કોઈની લાગવગ ચાલતી જ નથી. એટલે પ્રથમ તો લાયક બનો. લાયકાત કેળવો. આ કંઈ ચોપડા વાંચીને બધું આમથી તેમથી ગોઠવીને પી.એચ.ડી. થવાનું નથી. પહેલાં નચિકેતા કેવા હતા? તેટલું ચોક્કસ જાણી લેજે.

હવે જો તું સાચો જિજ્ઞાસુ છે, તો આગળ વધ. પણ બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને ભૂલથી પણ ના પૂછતો કે ભૂત હોય છે? હા તો આત્મજિજ્ઞાસુ હોવું જરૂરી છે. સમર્પિત ભાવે જઈને નિવેદન કરજો કે સાહેબ, હવે મને પાર ઉતારો. અને યાદ રાખજે તે વખતે તું એક જાગૃત ચેતનાનાં સાંનિધ્યમાં છું તેઓ બ્રહ્મરૂપ છે. વળી દેહધારી\! એ જ સાકાર ભગવાન કહેવાય. કહે છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કિસકો લાગું પાય. હવે જો અહીં જ Error of perception. એ ગુરુ તો એમની અંદરનાં દેવ સાથે એકરૂપ થયેલાં જ છે. તો ત્યાં બે નથી, દ્વૈત નથી જ સમજાયું કાંઈ?

એવા તત્ત્વનિષ્ઠ, બ્રહ્મદર્શી ગુરુ તને જોતજોતામાં મુમુક્ષુ (consistent in જિજ્ઞાસા) સાધક, સિદ્ધ બનાવી દેશે. એમને એટલું જ જોઈએ કે તું સિદ્ધ થા\! બોલો કેટલાં કરુણામય\! પણ પહેલાં જરા શાસ્ત્રનું શ્રવણ મનન થોડું ચિંતન ચાલુ તો કર. સાવધાન\! દરેક પીળાં પાનાં પડી ગયેલું સંસ્કૃતમાં લખેલું કાંઈપણ હોય તેને શાસ્ત્ર કહેવાની ભૂલ તું ન કરતો. અહીં બધું રેતી ને ખાંડ મિકસ કરેલું હોય છે. વેદોનું અધિક અધ્યયન પણ તને ગૂંચવશે. તો શાસ્ત્ર એટલે એમાં મૂળ પ્રશ્નોની જ ચર્ચા ખુલાસા હોય. તે વળી કયા? જીવ, જગત અને માયા, આત્મા અને પરમાત્મા વિશે જે પુસ્તક કહે તેને તું વાંચજે. વાંચી ન જઈશ. વાંચ વાંચ કરજે. એને જ કહેવાય છે અધ્યાત્મવિદ્યા. આમ અધ્યાત્મવિદ્યા તું ભણીશ એટલે તારી અંદર મધુવિદ્યા અથવા રસવિદ્યા ઉત્પન્ન થશે જે તને બ્રહ્મવિદ્યા ભણાવીને બ્રહ્મસાજ્ઞાત્કાર કરાવીને જ તને મુક્ત કરી આપશે. તું જીવતાં જીવ જીવનમુક્ત થઈ શકે છે. અને આ તારું છેલ્લું મૃત્યુ જ હશે પછી તું સદામુક્ત બ્રહ્મ જ હોઈશ. તું જ અનંત, અવિનાશી, સર્વવ્યાપી બની જઈશ.

નમસ્તે, ગુરુદેવ\!

નમસ્તે. આવો.

ગુરુદેવ આત્મજ્ઞાન અર્થે ઉપદેશ પ્રાપ્ત કરવા હેતુ આવ્યો છું.

ગુરુદેવ : आत्मदीपो भवः ।

જ્યાં સુધી જ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુ વડે શુદ્ધિને જોઈ, જાણીને નમસ્કાર ન કર્યા ત્યાં સુધી સામે વ્યક્તિ જ દેખાય.

હવે નમસ્કાર કરીને પાછું તેની પ્રકૃતિનાં પ્રપંચો જોવા જવું નહીં. નહિ તો ફરીથી બખેડો શરૂ.

પ્રત્યેક જીવમાત્રમાં શુદ્ધ આત્મા જ જુઓ. શાંત થશો. વિજ્ઞાનનો બરાબર ઉપયોગ કરશો તો જ્ઞાન એની મેળે જ સ્વયંભૂ થઈ જ જાય. આ સિદ્ધાંત છે.

જ્ઞાન જૈન હોતું નથી. જ્ઞાન હિંદુ પણ હોતું નથી. જ્ઞાન ધર્મોથી પર છે...

અરે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું કે “સર્વધર્માન્ય પરિત્યજ્ય મામેકં શરણ વ્રજ.” અહીં મામેકં એકમાત્ર મારી શરણમાં આવ. એટલે કોની? પ્રભુ જ્ઞાનસ્વરૂપ, આનંદ સ્વરૂપ અને સર્વશક્તિમાન છે. એટલે સનાતન છે, શાશ્વત છે. તેને પ્રાપ્ત થવાનું છે તેથી જ તેને કૈવલ્ય કહેવાય.

ભૂલથી પણ આ દેહ હું છું એવી ભાવનાથી જ દુઃખો, દર્દ, પીડા આવે છે. હવે જો આ દેહ હું નથી, સઘળું બ્રહ્મ છે. આ દેખાતો દેહ, મન, ચિત્ત આ બધું પણ બ્રહ્મ છે. તે સર્વશક્તિમાન બ્રહ્મ જ સર્વવ્યાપક છે. તો હવે બ્રહ્મને દુઃખ દર્દ પીડા ક્યાંથી હોય? ન જ હોય.

આમ સિદ્ધ થાય છે કે દેહ, મન, દર્દ, પીડા બધું કલ્પનામાત્ર જ છે.

તારી અંદર ઇચ્છાશક્તિ જ રસશક્તિ, (Alchemy) પ્રગટાવે છે. તેમાં Processing થાય તે ક્રિયાશક્તિ અને તેમાં આવર્તનો એ ચક્રશક્તિ. આ બધામાં જ્ઞાનશક્તિ નિહિત હોય જ છે. આત્માને ભૂલીને આમાં પડવાથી સંસાર ખડો થયો છે.

આ કચરાગાડી (વાસનાઓ, અતૃપ્ત ઇચ્છાઓ, પાછલી બાકી રહેલી ને નવી ઉમેરાતી) લઈને તું આ સંસારમાં ક્યાં સુધી ભટકીશ?

રાગ અને દ્વેષ તેનાં ફોરવર્ડ, બેકવર્ડ ગીયર્સ છે. ક્રોધ, માયા, લોભ, મોહ, મત્સર એનાં છ ટાયરો છે. અહંકાર એ શાફ્ટ છે. શ્વાસોચ્છવાસમાં લેતો પ્રાણવાયુ બળતણ છે. સંસારભાવ એનું સ્પીડોમીટર છે અને સંકલ્પ વિકલ્પની હેડલાઈટ\!

છૂટવું હોય તો ઊતરી જા કચરાગાડીમાંથી. કહી દે ન હોય મારી અને આત્મજ્ઞાનમાં નાહીને સ્વસ્થ થા.

તારો કારણદેહ જ તારું અજ્ઞાન આવરણ છે. એટલે તું સંસારમાં છે અને તને એનું જ ભાન છે. એનો નાશ કર. ઉપાય શું? સતત બ્રહ્મવિચાર – બ્રહ્મચિંતન.

તારું અંતઃકરણ બ્રહ્માકાર, આત્માકાર કરી નાખ. તેં અત્યાર સુધી સંસાર ચિંતવ્યો ને પરિણામો પણ ભોગવ્યાં હવે બ્રહ્મચિંતન કર. કારણ-દેહ નષ્ટ કરવાનો સંકલ્પ કર અને બ્રહ્મસ્વરૂ૫ થા.

અત્યંત બુદ્ધિશાળી રજોતમોગુણ હોવા કરતાં અલ્પ બુદ્ધિશાળી કોમનસેન્સવાળા, સત્ત્વ બુદ્ધિવાળા હોવું એ સારું છે. વધુ સારું છે.

ભારતીય દર્શન પ્રમાણે તો છેવટે સત્ બુદ્ધિનો પણ લય કરી અબુદ્ધ (બુદ્ધિ વગરનો) સત્ત્વશીલ થવાનું છે. છેલ્લે શુદ્ધ સત્ત્વશીલતા જ પ્રબુદ્ધ બનાવે છે.

આત્મા જ સર્વાધાર છે. કિલક છે. Center છે વ્યાપક ભાવશક્તિ વડે વ્યાપક પરમતત્ત્વનું અખંડ ચિંતન સાધના કહેવાય છે. હવે તને ફાવે તેમ કર.

પરમતત્ત્વ નિરાકાર છે અને સાકાર પણ છે. નિરાકાર તત્ત્વ જ આકારને બળ આપે છે.

શુદ્ધ હું નું સ્મરણ એજ ૐકારનું બિંદુ છે. એ હું જ સત્ય છું, બ્રહ્મ છું, આત્મા છું, પરમાત્મા છું, પરમ તત્ત્વ છું, કેવળજ્ઞાન છું. દાદાશ્રી આને જ સ્વસંવેદન કહેતાં. આ વિજ્ઞાન છે. આ બધું અત્યારનું વિજ્ઞાન એ વિકૃત છે. વિકારી જ્ઞાન છે પદાર્થ જ્ઞાન છે. નાશવંત છે. પરમાત્મા પદાર્થ નથી પરમાત્મા spirit છે. પરમાત્મા તો Source of all & everything છે.

મનમાં જે ચલનશક્તિ છે તે પ્રાણની છે. જે જ્ઞાનશક્તિ છે તે ચૈતન્યની છે. જે ચલન છે તે અનિત્ય, જડ છે. જે જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ છે તેથી તે સર્વદા સ્વચ્છ છે અને સર્વવ્યાપક છે. જ્ઞાનનું અને ચલનનું મિશ્રણ થવું આમ વાસ્તવિક રીતે સંભવતું નથી પણ કલ્પનાથી માની લીધેલું છે. તે મન કહેવાય છે. આથી મન મિથ્યા જ ઉત્પન્ન થાય છે.