અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

બીજે દિવસે... નમસ્તે ગુરુવર્ય

ભાગ ૪૩ / ૪૪ · મૂળ PDF

નમસ્તે.

મુમુક્ષુ: ગુરુજી, મને બ્રહ્મમાં જગત કેમ દેખાય છે? હું બ્રહ્મામાં બ્રહ્મ કયારે કેવી રીતે જોઈશ? જાણીશ? આ સંસારરૂપી રોગ, દૃષ્ટિવિકાર કોને? હું કોણ? જો હું બ્રહ્મ છું તો મન ક્યાંથી હોય?

ગુરુજી: તારી અંદર આજે તું છે જેને તું હું કહે છે. તે અહં છે જે વારંવાર આકાર (દૃશ્ય-અદૃશ્ય) લે છે – જે લગભગ તારી અંદર નિરંતર ઇચ્છા અને વિચારરૂપે ચાલ્યા જ કરે છે એ જ તો કર્મ બીજ છે એટલે તું જે અત્યારે વાવે છે તે જરૂર લણીશ. સાવધાન\! પરંતુ મૂળ હું (તારો કે મારો) જોઈ રહ્યો છું “લો ચલા મુરારિ હીરો બનને” એટલે તારું ‘હું’ ખસી ગયું છે. તારું લિંગશરીર, માનસશરીર અને કારણશરીર બધું નર્યું વાસનાઓ (ઇચ્છાઓ) થી ખીચોખીચ ભરેલું છે. તેથી તો સંસાર જ દેખાય છે અને આત્મા?

ભાઈ આ બધું તારું-મારું, સારું-ખોટું, રાગ અને દ્વેષનું પરિણામ છે. તારું પુરિયાષ્ટક તારી પ્રકૃતિ બાંધે છે તેમાં પાંચ તત્ત્વો, ત્રણ ગુણો બધું શ્વાસમાં લેવાતાં પ્રાણ દ્વારા જીવતાં જેવું થઈ ગયું છે. તારો સંસાર તારી જ કલ્પનાનું સર્જન છે. તારા બ્રહ્માંડનો તું જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે.

હવે કલ્પનાઓ ઇચ્છાઓ છોડીને સર્વે મારાપણું, હું પણું ત્યાગીને સત્ય પર, આત્મા પર આવી જા. તું કેવળ આત્મા છે.

આત્મા દેહનો મનનો પ્રાણનો સંગી નથી. આત્મા અસંગ છે.

મન, વાણી અને કાયા એ ત્રણે Pre-Charged બેટરીઓ છે જે પ્રતિ પળ discharge થાય છે. એમાં પ્રાણરૂપી પેટ્રોલ બળી રહ્યું છે. સૌપ્રથમ તો ‘આ ઇચ્છાઓ મારી નથી’ કરીને નવી નવી ઇચ્છાઓનું charging, તેનું માલિકીપણું છોડીને બંધ કર. પછી મન, વાણી અને શરીર પરનો માલિકીભાવ ઉડાડ. ‘તે તું નથી\!’ તને દેહ, મન, અને વાચા પરનું અનંતકાળનું તાદાત્મ્ય (identification) આમ સાવ જ તત્કાલ તોડી નાખ. આ બધું નર્યું જડ છે. તું જ શુદ્ધ ચેતન આત્મા છે. આત્મામાં પ્રાણ નથી, પરંતુ આત્મા છે એટલે જ પ્રાણ છે.

સાંભળ આત્મામાં સંસાર નથી, સંસારી ભાવ પણ નથી. એક વાર હું આત્મા છું અને આત્મામાં જ વસું છું બોલીને આત્મામાં જ રહે. કેવળ સુખી થઈશ.

“આત્મા કે બ્રહ્મ સિવાયનાં તમામ સંકલ્પો, વિચારો મિથ્થા છે તેનો લય થાઓ, વિસર્જન”

હવે પ્રકૃતિ (તારી નથી) માં તન્મય થવાનું બંધ કરી આત્મદૃષ્ટિથી તેને કુદરતી રીતે ચાલવા દે. ખબરદાર, બીજાની પ્રકૃતિમાં કોઈ અભિપ્રાય આપવાનું સદંતર બંધ કર. એ એની Life Plan પ્રમાણે કરશે જ.

સર્વકાંઈ આત્મા જ છે બ્રહ્મ જ છે. એવુ જોવાનું અને જાણવાનું આ એક કામ. એ જ પુરુષાર્થ. આ જ સ્વભાવ છે તું સ્વયં આનંદસ્વરૂપ જ છે.

બંધન મુક્તિ તો સાંસારિક અવસ્થા છે. તું મૂળ આત્મા પરમાત્મા િનત્ય છું. અવસ્થાઓથી હંમેશાં પર જ છું.

જેમ આકાશને ધુમાડો કાળું કરતો નથી (ભાસે છે), તેમ સંસારભાવ આત્મા, પરમાત્મા, પરબ્રહ્મ, પરમ તત્ત્વ, પરમ ચૈતન્યને કલંકિત વિકારી કરી શકતો જ નથી.

સર્વત્ર અનાસક્ત થા, તું આત્મા છે.