અનંતની યાત્રાAnant ni Yatra
યોગ વશિષ્ઠ મહારામાયણનો યથાર્થ તત્વ સાર પાર્ટ -૧

ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૧૧

ભાગ ૧૧ / ૧૨ · મૂળ PDF

ઝાડ અને પટ્ટાણા વગેરે જો કે સ્થાવરરૂપે એક જ છે.

પણ તેની જડતાનાં ભેદનાં નામ અને રૂપ બુદ્ધિથી કલ્પેલાં છે.

સ્થાવરને પણ અંતઃ કરણમાં જાણવાની શક્તિ હોય છે તેથી ‘હું જંગમ નથી પણ સ્થાવર છું’ એવા નામથી તથા સ્તાનનાં વિષયભૂતને સ્થાવરો, ઝાડ, પર્વત, ખડ વગેરે જુદાં જુદાં સંકેતોથી રહેલાં છે.

તેજ પ્રમાણે કૃમિ, કીડાં, પતંગિયા વગેરે જંગમપણાથી એક જ છે.

પણ બુદ્ધિ થી જુદાં જુદાં વ્યવહાર માટે તેનાં નામ કલ્પેલાં છે.

તે કૃમિ, કીટ વગેરેને પણ અંતઃકરણમાં જાણવાની શક્તિ રહેલી છે.જો શંકા થાય કે સ્થાવર તથા જંગમ બંને માં જ્ઞાન હોય તો પરસ્પરના વ્યવહારની પરસ્પરને ખબર કેમ પડતી નથી ? તો ઉત્તર છે કે જેમ ઉત્તરસમુદ્ર તરફનાં માણસને દક્ષિણ સમુદ્ર તરફનાં માણસમાં વ્યવહારથી પોતાનાં જ્ઞાન વિના કાંઈ ખબર પડતી નથી.

તે જ રીતે સ્થાવર અને જંગમ એ બંને પોતપોતાની સંજ્ઞામાં લીન છે.

અને પોતપોતાનાં સંકેતમાં પરાયણ છે.

જેમ શિલાની અંદર રહેલાં દેડકાનું તથા બહાર રહેલાં દેડકાનું જ્ઞાન અમૃત તથા જડ છે.

તેમજ સ્થાવર અને જંગમને પરસ્પર જ્ઞાન રહેલું છે.

ચૈતન્યરૂપી આકાશે પ્રેરેલું ચૈતન્ય સર્વ ઠેકાણે રહ્યું છે.

અને સૃષ્ટિનો આરંભથી સ્ફૂરણ કરવાનો ધર્મ વાયુનો છે, તે આજ સુધી તે જ પ્રમાણે ચાલે છે, જ્યાં છિદ્ર છે ત્યાં આકાશ રહેલું છે.

અને તેમાં જે વાયુ છે તે પદાર્થમાત્રનું (સ્થાવર-જંગમનું) હલન-ચલન કરે છે.

સ્થાવર-જંગમ એ બંનેમાં ચૈતન્ય રહેલું છે અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલન-ચલન થાય છે.

તો કોઈમાં થતું નથી.

એ પ્રમાણે ભ્રાંતિરૂપ જગતમાં સૃષ્ટિનાં આદિથી જે પ્રમાણે પદાર્થોની સ્થિતિ કરેલી છે, તે જ પ્રમાણે વર્ત્યા કરે છે.

આ પ્રમાણે વિશ્વનાં પદાર્થનું સ્વભાવથી થયેલું સત્યપણું તથા અસત્યપણું મેં તને કહી સંભળાવ્યું.રામ બોલ્યાં : મૃત્યુ પામેલો જીવ પોતાનો માર્ગ કેવી રીતે જાણે છે ?વશિષ્ઠ બોલ્યા : હે રાઘવ \! તે તે પૂર્વનાં શરીરની વાસનાને લીધે માર્ગ તેનાં હૃદયમાં સ્ફૂરે છે.

જેમ વડનાં બીજમાં ઝાડ રહે તેમ જીવની સૂક્ષ્મ અંતઃકરણમાં વાસનાથી ભ્રાંતિમાત્ર બધું રહેલું છે.

સ્વભાવભૂત ચૈતન્યરૂપ અણું ત્રૈલોક્યસમુહને પોતાનાં હૃદયમાં જોઈ શકે છે.

જેમ એક દેશમાં રહેલો મનુષ્ય દૂર દેશમાં કોઈ ઠેકાણે પોતાનાં ધનને જોઈ શકે છે તે જ પ્રમાણે હજારો જાતિથી યુક્ત રહેલો, ભ્રમમાં ડૂબેલો હોય તો પણ તે જીવ મનની ભાવના વડે વાસનાથી અંતરમાં રહેલી ઈચ્છિત વસ્તુ ને જોઈ શકે છે.રામ બોલ્યા : જો જીવનની પાછળ પિંડદાન ન થાય તો તે જીવને પિંડદાનની વાસના ન હોવાથી તેનું શરીર કેમ થાય છે ?વશિષ્ઠ બોલ્યા : મરણ પામનાર માણસની પાછળ પિંડ આપવામાં આવે કે ન આવે, પણ ‘બંધુઓએ મને પિંડદાન દીધું’ એવી મરણ પામનારના મનમાં (જીવતાં પોતે, બીજાં મરનારને પિંડદાન દિધેલું તથા મરનારની પાછળ પિંડદાનનો રિવાજ નજરે જોયેલો હોવાથી મારી પાછળ પણ મરણ પછી પિંડદાન થશે.

એવી માણસને દૃઢ વાસના થાય છે.) વાસના થવાથી જ તેને પિંડનું ફળ મળે છે.કારણ કે પ્રાણીનાં ચિત્તમાં જેવો વિચાર હોય છે તેવો જ તેને અનુભવ થાય છે.

હવે જો પિંડદાન કર્યું હોવા છતાં પિંડદાન કર્યું નથી એવી વાસના થાય તો તેને પિંડદાનનું ફળ મળતું નથી.

મનની ભાવનાથી પદાર્થની સત્યતા જણાય છે અને તે ભાવના કારણભૂત પદાર્થમાંથી જ ઉત્પન્ન થાય છે.

જેવી રીતે ઝેર પણ અમૃતની વાસનાથી માણસને અમૃત રૂપ થાય છે, તેવી રીતે અસત્ય પદાર્થમાં સાચી ભાવના થવાથી તે સત્ય લાગે છે.કોઈપણ માણસને કોઈ દિવસ કારણવગર ભાવના ઉત્પન્ન થતી નથી.

ઈશ્વર સ્વયં પ્રકાશ છે તે ઈશ્વર વિના મહાપ્રલય થતાં સુધી કારણ વિનાં કોઈ કાર્ય થયું હોય એવું જોયું નથી.

તેમ સાંભળ્યું પણ નથી.

માટે જે શુદ્ધ ચૈતન્ય છે.

તે જ વાસના થી સ્વપ્નની પેઠે કાર્ય-કારણરૂપ અર્થપણાને પામે છે.દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય અને સંપત્તિએ પાંચ વડે ભાવના ઉત્પન્ન થાય છે.

માટે પ્રેતની ભાવના ‘પિંડદાન કર્યું નથી’ (ભલે કરેલું હોય) પિંડ ધર્મ કરનારની આ પાંચ થી જેની ભાવના અધિક થાય તેનો જય થાય છે.

આ પ્રમાણે પરસ્પર વાસનામાંથી જેનું બળ વધે તેનો જય થાય છે.

માટે સારા સાચા પ્રયત્નથી નિરંતર શુભ આચરણ કરવાનો અભ્યાસ રાખવો.વશિષ્ઠ બોલ્યા : આ આખું જગત આત્મરૂપ જ છે, માટે દેહની કલ્પના જ છે.

જે આ જોવામાં આવે છે તે આ સચ્ચિદાનંદ બ્રહ્મનું જ સ્વરૂપ છે.

જેમ સૂર્યનાં તેજથી હિમ ગળી જાય છે તેમ શરીર પરમાત્માનાં બોધથી ક્રમે કરીને પરબ્રહ્મમાં પરિણામ પામે છે.

તેનાથી ઉલ્ટું આતિવાહિક દેહ તે કાળે કરીને ભ્રમ થવાથી ‘આધિભૌતિક દેહ છે’ એવી ભ્રાંતિ થાય છે.

આતિવાહિક દેહ વડે ભૂમિ વગેરે જે જે દૃશ્ય પદાર્થ જોવામાં આવે છે તેનું આધિભૌતિક નામ પાડ્યું છે.

પણ ખરુ જોતાં પૃથ્વી વગેરે આધિભૌતિક પદાર્થ છે જ નહીં.

શબ્દ નથી તથા અર્થ સસલાંના શિંગડાની પેઠે જ છે.

માત્ર આત્મા જ સત્ય છે.કોઈ માણસને સ્વપ્નમાં પોતે હરણ છે એવી ભ્રાંતિ થઈ.

પછી જાગૃત થતાં જ તેનું હરણપણું મટી જાય છે, ત્યારે તે મૃગને શોધતો નથી તેમ અસત્ય વસ્તુ ભ્રાંતિથી સાચી લાગે પણ ભ્રાંતિ મટયા પછી સર્પબુદ્ધિ પણ નાશ પામી જાય છે.સત્ય જ્ઞાનનો ઉદય થયા પછી અસત્ય જ્ઞાન મટી જાય છે.

આ બ્રહ્માંડમાં રહેલી સ્થૂલ ભ્રાંતિ અજ્ઞાની માણસનાં સમૂહમાં કારણ વિના માત્ર મિથ્યા પ્રસિદ્ધિ પામી છે.

બાળક પોતે ફુદડી ફરે છે, ત્યારે તેને આખી પૃથ્વી ફરતી હોય એમ જણાય છે.

તેમ સ્વપ્નની પેઠે સૃષ્ટિનો અનુભવ કરતો રહેલો દેહાત્મા ઘણીવાર જન્મ-મરણ પામે છે.રામ બોલ્યા : હે બ્રહ્મન્ \! જો યોગીને આધિભૌતિક દેહપણું ન હોય તો જીવિત અવસ્થામાં તથા મરણ પછી તેનો આતિવાહિકપણાને પામેલો દેહ કેવો દેખાય છે ?વશિષ્ઠ બોલ્યા : સ્વપ્નમાં જે રીતે પૂર્વો દેહ શેષ રહ્યા વિના જ એક દેહનો ત્યાગ કરીને બીજા દેહની પ્રાપ્તિ થાય છે.

તે પ્રમાણે એ આતિવાહિક દેહમાં પણ એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થાય છે.

તે અનિત્ય છે.

જેમ શરદ ઋતુનાં આકાશમાં રહેલો મેઘ જેમ દૃશ્ય છતાં અદૃશ્ય છે તેમ યોગીનો દેહ પણ દૃશ્ય છતાં અદૃશ્ય છે.આકાશમાં ઉડતા પક્ષીને જેમ તેનાં વેગને લીધે બીજુ પક્ષી જોઈ શકતું નથી, તેમ યોગીનાં દેહને બીજાં યોગીએ પણ જોઈ શકતા નથી.

જીવિત દશામાં પણ તે દેહ ભ્રાંતિ માત્ર જ છે એમ જાણે છે.

ખરું જોતાં દેહ કોણ છે ? કોની સત્તા છે ? અને કોનો કેમ નાશ થાય છે ? પરમાર્થરૂપે જે છે તે જ જ્ઞાન થયા પછી રહે છે અને માત્ર અજ્ઞાનનો નાશ થાય છે.રામ બોલ્યા : યોગીનો આધિભૌતિક દેહ જ આતિવાહિકપણાને પામે ચે કે આતિવાહિક દેહ નવો જ ઉત્પન્ન થાય છે ?વશિષ્ઠ બોલ્યા : હે રામ \! ઉત્તમ યોગીને આધિભૌતિક દેહ છે જ નહીં.

માત્ર આતિવાહિક જ છે. આધિભૌતિકનાં અભ્યાસથી આધિભૌતિક સ્થૂલ દેહ થાય છે તે ભ્રાંતિ જ છે.

હવે પાછો આતિવાહિકપણાનાં અભ્યાસથી ભ્રાંતિ ઉડી જાય છે.

હું સંકલ્પાત્મા જ છું અને સ્થૂલાત્મા નથી એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે, ત્યારે બોધ થવાથી યોગીનો દેહ સ્વેચ્છાવિહાર કરવાને યોગ્ય થાય છે.

નિર્મળ બુદ્ધિ થતાં દેહનું ગુરુ (ભારે) પણું અને કઠિનપણું એવો ખોટો આગ્રહ શાંત થાય છે.

તેથી સ્વપ્નમાં જેમ આ મારું સ્વપ્નનું શરીર છે.

એવું જ્ઞાન થતાં સ્વપ્નનું શરીર હલકું થાય છે.

તેમ જ તે યોગીનો દેહ આકાશમાં જવાનો યોગ્ય થાય છે.જો અજ્ઞાની માણસને પણ ઘણાં દિવસથી સંકલ્પરૂપ દેહ વિષે પરિણામ પામીને તેમાંથી સ્થિતિ કરવાની ઈચ્છા હોય તેનો દેહ પણ શબ થઈને બળી જાય છે ત્યારે તેને પણ પ્રથમનાં સુક્ષ્મદેહની પ્રાપ્તિ થાય છે તો પછી જ્ઞાનવાન તથા વાસના વિનાના યોગીને અત્યંત બોધ થવાથી જીવિત દશામાં પણ અવશ્ય તે સુક્ષ્મદેહ પ્રાપ્ત થાય જ.‘હું સંકલ્પાત્મા છું અને સ્થૂલદેહ નથી જ’ એવી સ્મૃતિ ઉત્પન્ન થાય છે.

ત્યારે બોધ થવાથી યોગીનો દેહ સ્વેચ્છાવિહાર કરવાને યોગ્ય થાય છે.

તને દોરીમાં સર્પની ભ્રાંતિની પેઠે આ દહે વગેરે બધું ભ્રાંતિરૂપ જ જણાય છે.

એ ભ્રાંતિનો નાશ થવાથી તેને કોઈ હર્ષ શોક થતો નથી.સ્વપ્નમાં જોયેલું શરીર અસત્ય હોવાથી, જાગ્રત અવસ્થા થયા પછી તે ક્યાં જાય છે તેની ખબર પડતી નથી.

તેમ જ્ઞાનનો ઉદય થવાથી આતિભૌતિક દેહનો ક્યાં નાશ થાય છે તેની પણ ખબર પડતી નથી.પવનથી થયેલી સ્ફૂરણાં પવન મટ્યા પછી જેમ પવનમાં લય પામે છે.

તેમ સ્વપ્ન અને જાગ્રતમાં જોયેલો પદાર્થો જીવનાં જ્ઞાનમાં જ લય પામે છે.

જ્ઞાનીને આતિવાહિક શરીર થયા પછી આધિભૌતિક શરીર જોવામાં આવતું નથી.માટે દૃશ્ય પદાર્થ અખંડ એકરસપણાને પ્રાપ્ત થયેલો છે એમ આકાશરૂપી જ્ઞાન વડે જાણીને તત્ત્વ જાણનાર પુરુષ આકાશની પેઠે નિર્લેપ રહે છે.

જ્યાં સુધી મનોવૃત્તિનો રોધ કર્યો નથી ત્યાં સુધી વૃત્તિ જેવા જેવાં યત્ન કરે છે, તેવા તેવા પદાર્થો ઉત્પન્ન થયા કરે છે કારણ કે શુદ્ધ સંવિતમાં સંવેદનાઓ નદીની પેઠે રહેલી છે, તેમાં જગતની સ્ફૂરણા થાય છે માટે સંવેદન નો રોધ કરવાથી દૃશ્યભ્રમનો નાશ થાય છે.

શુદ્ધ ચૈતન્યરૂપી આકાશમાં પરમાણુંકરણ પ્રત્યે ચિદાકાશનો જે આભાસ થાય છે તેને જગત કહે છે.

માટે જે આ જગત જોવામાં આવે છે તે માયારૂપ છે.

અને આ માયા અસત્ય છે તેથી આ દૃશ્ય જગત પણ અસત્ય જ છે.કાળનું સમ-શિષમપણુંવશિષ્ઠ બોલ્યાં : પ્રત્યેક માણસને જે જે સ્થળે બુદ્ધિ થી જેવી જેવી પ્રતીતિ થાય છે, તે સ્થળે તેને તેવો તેવો અનુભવ થાય છે.

જો તેને શત્રુમાં મિત્રબુદ્ધિ થાય છે તો તે શત્રુ પણ તેને મિત્રરૂપ થઈ જાય છે.

નિરંતરના અભ્યાસ જે પદાર્થમાં જેવી ભાવના થાય છે તે પદાર્થમાં તેવો અનુભવ થાય છે.

ચૈતન્યનો સ્ફૂરણનો સ્વભાવ છે.

તેથી તે સ્વભાવથી જ જે જે કલ્પનાઓ કરે છે તે તે પ્રમાણે તેને જ્ઞાન થાય છે.

પલકારા જેટલાં કાળમાં પણ એક કલ્પનું સંવેદન થાય છે, તો તે પલકારો પણ એક કલાક જેવો થઈ પડે છે.

આ જ રીતે કલાકમાં પલકારાનું સંવેદન થાય છે.

આવો ચૈતન્યનો સ્વભાવ છે.હરિચંદ્ર રાજા ને એક રાત્રિમાં જ બાર વર્ષનો અનુભવ થયો હતો.

લવણ રાજા ને એક રાત્રિમાં જ સો વર્ષનો અનુભવ થયો હતો.

મનુ નું સંપૂર્ણ જીવન થાય ત્યારે બ્રહ્મા નો એક મૂર્હૂત થાય છે.

બ્રહ્માનું જીવન એ વિષ્ણુનો એક દિવસ છે.

અને હે રામ \! વિષ્ણુનું જે આખું જીવન તે મહાદેવજીનો એક વારસ છે.જે માણસ નું ચિત્ત નિરંતર ધ્યાનમાં જ છે.

તે તે દિવસ પણ નથી તેમ રાત્રિ પણ નથી.

કારણ કે તેનું ચિત્ર નિર્વિકલ્પ સમાધિમાં જ હોય છે.

પ્રત્યેક માણસને મનમાં જેવી ભાવના થાય છે, તેવો તેને અનુભવ થાય છે.

મધુર પદાર્થમાં કટુતાની ભાવના કરવાથી તે પદાર્થ કડવો લાગે છે.

અને કડવા પદાર્થમાં મધુરપણાની ભાવના કરવાથી તે કટુ છતાં મધૂર લાગે છે.

એવી રીતે સંવેદનરૂપે જગત થાય છે.

જે માણસ ને મનમાં જેવો આભાસ થાય છે, તેવો તેને અનુભવ થાય છે.

પણ વસ્તુતઃ બધું ખોટું જ છે, અસત્ જ છે તથા શૂન્ય છે.

અને ચિદાત્મા જુએ જ છે.

જે જોવામાં આવે છે તે બધુ માયામાત્ર છે, તેનો કોઈ આકાર નથી તે બીજી વસ્તુનો રોધ કરી શકે તેમ નથી. ખરું જોતાં પોતાના વિના બીજું કોઈ નથી.

માયારૂપી આકાશમાં રહેલું આ જગત જો કે માયિક દૃષ્ટિથી સાચું છે.

તો પણ શુદ્ધ દૃષ્ટિથી જોતાં અસત્ જ છે.મહાપ્રલય થયા પછી કાર્ય અને કારણની કલ્પના છે જ નહીં.

અને તે સમયે બ્રહ્માની પણ વિદેહમુક્તિ થવાથી તે પણ જગતનું કારણ ન ઘટે.

કદી એમ કહો કે તેની મુક્તિ થયા પછી સ્મૃતિથી બીજો બ્રહ્મા થાય છે.

તો તે સ્મૃતિ પણ જ્ઞાન થી જ ઉત્પન્ન થાય છે, માટે આ જગત જ્ઞાનમાત્ર છે.અલ્પ વાયુની વાતલેખા મહાન વાયુ તે અનુસરે છે.

તેમ પ્રત્યેક માણસનું સામાન્ય જ્ઞાન મુખ્ય સંવિંત (મુખ્ય જ્ઞાન) ને જ અનુસરે છે.

માણસની સંસારમાંની તીવ્ર વેગવાળી ભાવના ચૈતન્યરૂપી દર્પણમાં સ્થિર થાય ત્યારે મોક્ષ થાય છે.

જેમ સમુદ્રમાં મળનારી મોટી નદી બીજી ક્ષુદ્ર નદીઓને પણ પોતાનાં વેગ સાથે સમુદ્રમાં ભેળવી દે છે, તેવી રીતે વિધ્વાન માણસ પોતાનાં ઈશ્વર સંબંધી મુખ્ય જ્ઞાનનાં વેગથી સાંસારિક જ્ઞાનને જીતે છે, અને ઈશ્વરમાં મેળવી દે છે.

તે જ રીતે બીજાં અજ્ઞાની માણસો તે પણ જ્ઞાન ઉત્પન્ન કરે છે.ખરું, જોતાં કોઈ કોઈનાથી વ્યાપ્ત નથી, તેમ કોઈ કોઈને આધારે રહેલું પણ નથી.

માત્ર આવરણ વિનાનું શાંત ચિદાકાશ જ રહેલું છે.

પરમાત્માનાં પદનું જ્ઞાન થયા પછી તે જ્ઞાન કયારેય કોઈને પણ વિસરાતું નથી.

દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્યરૂપે જણાતું આ જગત જુદા જુદા તરંગોવાળા શુદ્ધ જળની જેમ જ શુદ્ધ ચૈતન્યરૂપ જ છે.

તેમાં ઉદય અને અસ્તરૂપી વિકાર જ નથી.

તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે.સંસારની અસત્યતારામ બોલ્યાં : હે બ્રહ્મન્ : હું, તું વગેરે જગતની જે ભાંતિ છે, કારણ વિના પરમાત્માથી કેવી રીતે ઉત્પન્ન થઈ ?વશિષ્ઠ બોલ્યાં : વસ્તુત: પરમાત્મા જ છે, એટલે ‘કારણ વિનાનું જગત એ ભ્રાંતિ છે, સર્વ શબ્દ તથા અર્થનો જે બોધ જોવામાં આવે છે, તે બ્રહ્મ જ છે અને તેથી જુદો નથી.

પણ બ્રહ્મની સત્તા સર્વ શબ્દ તથા અર્થનાં રૂપથી જુદી છે.

જેમ સુવર્ણથી અલંકાર અને જળથી તરંગો જુદા નથી તેવી રીતે બ્રહ્મથી જગત જુદું નથી.

જેમ સુવર્ણ ભુષણરૂપ અને ભુષણ સુવર્ણરૂપ જ છે.

તેમજ જગત બ્રહ્મરૂપ અને બ્રહ્મ જગતરૂપ છે.

પણ સુવર્ણમાં જેમ ભૂષણ કલ્પિત છે, વસ્તુત્ત્વ સુવર્ણ જ છે તેમ પરબ્રહ્મમાં જગતની કલ્પના છે.

ખરું જોતાં જગત બ્રહ્મરૂપ છે જ પરંતુ બ્રહ્મમાં જગત્ નથી.

ઘરેણાં સોનારૂપ છે.

પણ સોનામાં ઘરેણાં નથી.

ચૈતન્યરૂપ પરમાત્મા તે જગતમાં અનેકપણું છે.

પરબ્રહ્મ ને વિષે સર્વ પ્રાણીનાં હૃદયમાં જે અજ્ઞાન રહ્યું છે, તે જ જગત તથા અહંતારૂપે જણાય છે.

પરબ્રહ્મમાં સુષ્ટિ રહેલી છે, પણ સૃષ્ટિનો શબ્દ તથા અર્થ પરબ્રહ્મમાં નથી.

તેથી પરબ્રહ્મમાં સૃષ્ટિ રહેલી નથી.

બંનેની સત્તા અવયવ અને અવયવીની પેઠે રહેલી છે.

જેમ દર્પણમાં પ્રતિબિંબ પડેલાં પોતાનાં જ નેત્ર પોતાનાં મુખને જોઈ શકે છે, તેમજ ચૈતન્યનું અવિઘટમાં પ્રતિબિંબ પડવાથી જગત જોવામાં આવે છે.

તે સમયે ચિત્તમાં જેમ સંકલ્પની ઉત્પત્તિ થાય છે તેમ સર્વ પ્રકારની શક્તિરૂપ માયાનાં રૂપને ધારણ કરનાર શબ્દ તન્માત્રા આકાશનો અનુભવ કરે છે.

તેથી આકાશની ઉત્પત્તિ થાય છે.

તે આકાશભૂત બ્રહ્મ તેની અંદર સ્પર્શ તન્માત્રાનો સંસ્કાર ઉત્પન્ન થવાથી, જેવી રીતે સ્થિર પવન કોઈ કાળે સ્પંદનપણાનો અનુભવ કર છે.

તેથી વાયુપણાનો અનુભવ કરે છે તેથી વાયુની ઉત્પત્તિ થાય છે.તે જ રીતે વાયુરૂપ બ્રહ્મ જેમાં રૂપતન્માત્રા રહેલી છે.

તેવી જ પોતાની સત્તારૂપ તેજપણાનો અનુભવ કરે છે, તેથી તેજની ઉત્પત્તિ થાય છે.

તે તેજોભૂત બ્રહ્મ જેવી રીતે જળ દ્રવપણાનો અનુભવ કરે છે.

જળમાં રસતન્માત્રા રહેલી છે તેનો અનુભવ કરે તેથી જળની ઉત્પત્તિ થાય છે.

તે જળરૂપી બ્રહ્મ પૃથ્વી-સ્થિરતાનો અનુભવ કરે છે.

તેમાં ગંધતન્માત્રા રહેલી છે, તેનો અનુભવ કરે છે તેથી પૃથ્વીની ઉત્પત્તિ થાય છે.

એવી રીતે એક નિમેષના લાખમાં ભાગમાં પણ હજારો સૃષ્ટિનો અનુભવ થાય છે.બ્રહ્મનું સ્વરૂપ શુદ્ધ છે.

તે નિત્ય તથા સ્વયંપ્રકાશ છે.

તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય રહ્યાં છે.

તે અનામય છે, ઉદય-અસ્ત થી રહિત છે.

તે આધાર વિનાનું રહ્યું છે, તે બ્રહ્મનું સ્વરૂપ જાણ્યું હોય, તો તે સૃષ્ટિ રહિત છે, તો પણ પરમાર્થથી સત્ય અને વિષમપણા થી રહિત છે અને ન જાણ્યું હોય તો સૃષ્ટિરહિત છે તો પણ સૃષ્ટિરૂપ જ છે.

એટલ કે જ્ઞાનવાન મનુષ્ય જગતને આકાશરૂપ જાણે છે તથા અજ્ઞાની મનુષ્ય જગતને ખોટું છે છતાં સાચું જાણે છે.

બ્રહ્મ સર્વ શક્તિમાન છે, તેથી તે જેવા જેવા આકારની ઈચ્છા કરે છે, તેવા તેવા આકાર તે માયાથી ધારણ કરે છે.

જે આ જગત જોવામાં આવે છે, તે ચૈતન્યનો વિલાસ છે, તેનો નિત્ય અનુભવ થાય છે તેથી તે સત્ય અને બ્રહ્મરૂપ છે અને બ્રહ્મ પણ સૃષ્ટિમાં ભિન્ન ભિન્ન નામપણાં ને પામેલ છે તેથી તે જગતરૂપ છે.

કારણ કે તે પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા છઠ્ઠા મનનાં વિષયરૂપ છે.

જેમ વાયુમાં સરણ રહેલું છે તેમ પરબ્રહ્મમાં સૃષ્ટિ રહેલી છે.

જેમ પ્રકાશ તેજથી જુદો ગણીએ તો અસત્ય છે અને તેમ ન ગણીએ તો સત્ય છે, તેવી જ રીતે જગત બ્રહ્મથી જુદું ગણીએ તો અસત્ય છે અને તેમ ન ગણીએ તો સત્ય છે.જેમ લાકડા કે માટીમાં કોતર્યા વિનાની પૂતળી રહેલી છે.

શાહીમાં અક્ષરો રહેલાં છે તેમ પરબ્રહ્મમાં સૃષ્ટિ રહેલી છે.

આ જગત બ્રહ્મરૂપી રત્નનો પ્રકાશ છે.

અને તે બ્રહ્મથી જુદો નથી.

આ જગત આત્મારૂપ જ છે પણ તે ઉત્પન્ન થયું નથી અને વાસના, ચિત્ત અને જીવનમાં સ્પંદનની સ્ફૂરણાથી ઉત્પન્ન થયું લાગે છે અને તેનો જ્ઞાનયોગનાં દૃઢ અભ્યાસરૂપી પુરૂષાર્થથી નાશ થાય છે.આ પ્રમાણે કોઈ દિવસ કોઈનો ઉદય કે અસ્ત નથી અને સર્વ શાંત, અજ, તથા ચિદ્ધન બ્રહમરૂપ જ છે, પણ જ્યાં સુધી ચિત્તનો લય થયો નથી ત્યાં સુધી એક પરમાણુમાં પણ હજારો જગત જણાય છે.

છતાં ખરું જોતાં તે અણુમાં જગત રહેવા સંભવતા નથી, માટે તે મિથ્યા છે.માટે આ સંસારમાં અનેક પ્રકારનું સુખ ભોગવવામાંથી જ્યારે ચિત્તવૃત્તિ વિરામ પામે છે ત્યારે જ પરમપદને પમાય છે એવો શાસ્ત્રોનો નિશ્ચય છે જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે તેમ તેમ બંધન કપાતાં જાય છે.

અને જ્યારે અહંભાવનો નાશ થાય છે ત્યારે જન્મ-મરણ મટી જાય છે.

ચિતિ બે પ્રકારની છે.

એમાં ઈશ્વરચિચિ પર કહેવાય છે અને જીવચિતિ અપર કહેવાય છે.

હવે પર-ચિતિ નામરૂપથી રહિત છે અને અપરચિતિ ચર-અચર જગદરૂપ છે.

એમ જે માણસ ગુરુ શાસ્ત્ર તથા પોતાનાં અનુભવથી જાણે છે, એ સંસારને તરીને મોક્ષ પામે છે.

પરચિતિ સ્વયંપ્રકાશ છે અને સજાતીય, વિજાતીય તેમજ સ્વગતભેદ થી વર્જિત છે.

જેમ જળમાં લહરી ભાસે છે, તેમ એ પરચિતિમાં જગત ભાસે છે.