ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૧૦
હવે જો જગત ચિત્તથી ભિન્ન હોય, તો ચિત્તનો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ.વશિષ્ટ બોલ્યા : હે રામ \! પ્રત્યેક પ્રાણીનું ચિત્ત જગતને ઉત્પન્ન કરવાની શક્તિવાળું છે અને જેટલાં ચિત્રો છે, તેટલી જ જગતરૂપી ભ્રાંતિઓ છે.
જગતનાં અનંત સમુહો કોઈને નિમેષમાત્રથી ઉદય પામે છે અને નિમેષ માત્રથી અસ્ત પામે છે, તો કોઈને એક એક કલ્પે ઉદય પામે છે એ વિષેનો ક્રમ કહું છું.મરણરૂપી મુર્ચ્છા પ્રત્યેક પ્રાણીઓનાં અનુભવમાં આવે છે.
તેને તમે મહાપ્રલયરૂપી રાત્રિ સમજો અને એ મહાપ્રલયની રાત્રિ પૂરી થયા પછી સર્વે પ્રાણીઓ જુદી જુદી સૃષ્ટિઓ પેદા કરે છે અને તેઓ સંભ્રમથી પ્રતીત થતા પર્વતનાં નૃત્યની પેઠે સ્વાભાવિક રીતે પોતાની ત્રણ મિથ્યા અવસ્થાઓને દેખે છે.
પરમાત્માના સમષ્ટિરૂપ મનરૂપ હિરણ્યકગર્ભ જેમ મહાલપ્રલયરૂપ રાત્રિનાં અંતમાં આ જગતને સર્જે છે.
તેમ પ્રત્યેક પ્રાણી પણ પોતાનામાં મરણનાં અંતમાં જુદાં જુદાં જગતને સર્જે છે.હે રામ \! મહાપ્રલયમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ સર્વે અધિકારીઓ વિદેહમુક્તિપણું પામે છે.
પૂર્વકાળનો કોઈ જીવ ઉપાસનાનાં બળને લીધે આ કાળનો બ્રહ્મા થાય છે.
માટે તેની પૂર્વજન્મની વાસનાઓ શી રીતે સત્ય સંભવે ? આપણે વ્યષ્ટિ જીવો છીઓ અને આપણે પણ જ્ઞાન પ્રાપ્ત થવાથી મુક્તિ પામીએ છીએ, તો પછી પૂર્વ કલ્પના બ્રહ્મા આદિ અધિકારીઓ તો વિદેહમુક્ત થાય જ ને.પૂર્વકલ્પમાં જે બીજા જીવો હતાં, તેમને મોક્ષ નહીં મળવા થી તેમની મિથ્યા વાસના આ સર્ગોમાં કારણભૂત થાય છે.
જેમ હિરણ્યગર્ભની સૃષ્ટિ પ્રધાનમાંથી મહતત્ત્વ અને મહત્વમાંથી અહંકાર ઈત્યાદિ ક્રમે ઉત્પન્ન થાય છે.
મરણરૂપ મૂર્ચ્છાનાં અંતે જીવની બહાર અસ્પષ્ટ પણ અંદર સ્પષ્ટ જેવી સ્થિતિ હોય છે.
તે પ્રધાન કહેવાય છે.
તેમાં વ્યોમ, પ્રકૃતિ, અવ્યક્ત અને જડાજડ એ નામો પણ કહેવાય છે.
એ પ્રધાન જ સૃષ્ટિનાં આદિરૂપ છે.
અને પ્રલયમાં અંતરૂપ છે.
જ્યારે આ પ્રધાન સ્પષ્ટ થવાને તત્પર થાય છે ત્યારે તે મહતત્ત્વ કહેવાય અને સ્પષ્ટ થાય ત્યારે તે જ અહંકાર કહેવાય છે.
એ અહંકારમાંથી તન્માત્રાઓ, દિશાઓ, કાળ, ક્રિયાઓ અને પંચભૂત વગેરે ઉદય પામે છે, સ્પષ્ટ થયેલાં અહંકારની જે સુક્ષ્મ અવસ્થા છે તે પાંચ ઈન્દ્રિયો કહેવાય છે.
અને તે જ આતિવાહિક (લિંગ) દેહ કહેવાય.
તે દેહ સ્વપ્નમાં જાગ્રતમાં સ્પષ્ટ જણાય છે તેથી લાંબાકાળની પ્રતીતિ ને લીધે સ્થુળદેહપણાની પ્રતીતિ થાય છે.
તે તે દેશ અને તે તે કાળનાં જે પદાર્થો વિષે સ્થુળદેહ ઉપર આધાર રાખે છે, તેઓ પણ સ્થુળ દેહની રીતે જ પ્રતીત થાય છે એટલે કે તે વાસ્તવમાં ઉત્પન્ન થયા નથી છતાં વાયુનાં વાવાની પેઠે ઉદય પામ્યો છે.
જે સ્વપ્નની સ્ત્રી પેઠે મિથ્યા છે.જીવ જ્યાં મરણ પામે છે, ત્યાં જ તે તૂરત જ જાણે સ્થૂળપણાંથી રહેતો હોય તેમ આ વિસ્તારવાળા પ્રપંચને જુએ છે.
જીવ ચિદાકાશરૂપ જ છે.
નવાં પ્રતીત થયેલાં દેહ આદિને લીધે તે જન્મેલાં જેવો થાય છે.
અને સ્વચ્છ રૂપમાં હોવા છતાં ‘આ હું છું.’, ‘આ જગત છે.’ એવા ભ્રમને અનુભવે છે.
આ જગતરૂપી ભ્રમમાં દેવતાઓ, નગરો, પર્વતો, સૂર્ય અને તારાઓનાં સમુહથી સુંદર જણાય છે.
તે જરા, મરણ, વિકળતા અને વ્યાધિઓથી ભરપૂર છે.
એ ભ્રમમાં પ્રતીત થયેલાં સ્થૂળ, સૂક્ષ્મ, સ્તાવર-જંગમ પ્રાણીઓ ઈષ્ટ પદાર્થો મેળવવાનાં અને અનિષ્ઠ પદાર્થોનું નિવારણ કરવામાં આગ્રહ થી ઉદ્યોગ કર્યા કરે છે.
સમુદ્રો, પર્વતો, નદીઓ તેમના સ્વામીઓ, દિવસો, રાત્રિઓ, કલ્પો, ક્ષણો અને જ્ઞય પણ એમાં રહેલાં છે.હું અમુક પિતાથી આ સ્થળમાં જન્મ્યો છું.
એવો નિશ્ચય એ ભ્રમ જ છે.
આ મારી મા, આ મારું ધન એવી વાસના એમાં જ ઉદય પામે છે. ‘મેં આ પુણ્ય કર્યું અને આ પાપ કર્યું.’ એવી કલ્પના પણ એમાં જ છે.
હું પ્રથમ બાળક હતો.
હમણાં જ યુવાન થયો છું એવી રીતે એ ભ્રમ હૃદયમાં સ્ફૂરે છે.
આ રીતે આ સંસારરૂપી ઝાડી પ્રાણી દીઠ જુદી જુદી રીતે ઉદય પામી છે.આ જીવ જે સ્થળમાં મરે છે, તે જ ક્ષણમાં તે જ સ્થળે આવું દેખે છે.
આ રીતે ભીંતની પેઠે દેખાતું આ વિશ્વ એ સ્થુળ સંકલ્પ વિના બીજું કાંઈ જ નથી.
જેમ જેમ વિચાર કરીએ તેમ તેમ એ વિશ્વ ઉડતનું જ જાય છે તે વિષે હવે તમે પોતાના અનુભવથી વિચારી જુઓ.
વિચાર કરતાં જ જગતને ઉત્પન્ન કરનારું જે ચિત્ત છે તે સાક્ષીથી જુદું પડતું નથી અને જે સાક્ષી છે તે પરબ્રહ્મથી જુદો પડતો નથી.
જેમ પાણીમાં ચકરી વાસ્તવિક રીતે સાચી નથી પણ જે પાણી છે તે જ ચકરી છે, તેમ જગત પણ વાસ્તવિક રીતે સાચું નથી પણ જે દૃષ્ટા છે તે જ જગત છે.
જગત શબ્દનો અને જીવ શબ્દનો અર્થ જે મારા સમજવામાં છે તે બ્રહ્મ જ છે.
તેથી લીલા અને સરસ્વતી સર્વમાં વ્યાપક હતાં.
પરમાત્માની પેઠે તેઓ સ્વચ્છ હતાં અને તેમનાં શરીર સંક્લપમય હતાં,.
તેથી તેમની ગતિ કોઈપણ સ્થળમાં અટકે તેમ ન હતું.
સર્વદા ચિદાકાશની અંદર જે જે સ્થળમાં તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે ત્યાં ત્યાં ધાર્યા પ્રમાણે તેઓ ઉદય કરી શકે એમ હતું.
તેથી તેઓ વિદુરથ રાજાનાં ઘરમાં સુક્ષ્મ છિદ્રો દ્વારા પ્રવેશી શક્યાં.ચિદાકાશ સર્વ પ્રદેશોમાં છે અને તેમાં અતિવાહક કહેવાથી સૂક્ષ્મદેહ જ્ઞાનનાં પ્રભાવથી ધાર્યા પ્રમાણે વિચરી શકે છે.આત્મબોધ :બે દેવીઓએ રાજાનાં ઘરમાં પ્રવેશ કર્યો એટલે રાજાનું ઘર જાણે બે ચંદ્રમાંનાં ઉદયથી સંયુક્ત થયું હોય તેવું સુંદર શ્વેત પ્રકાશવાળું થયું.
રાજાએ પ્રણામીને શાંત રહ્યો.
ત્યારે સરસ્વતીએ કહ્યું : હે રાજા \! તું વિવેકથી પોતાની મેળે જ તારા પૂર્વજન્મનું સ્મરણ કર.
કહીને તેનાં માથા પર હાથ ફેરવ્યો એટલે તેનું હૃદય ખુલી ગયું અને તેનાં જીવનું આવરણ કરનારો માયારૂપી અંધકાર દૂર થઈ ગયો.હવે તેને કહ્યું આ પ્રોઢ અને વિસ્તીર્ણ સંસારની ભ્રાંતિ થઈ છે.
તું વાસ્તવિક રીતે કદી પણ જન્મ્યો નથી અને કદી પણ મર્યો નથી.
તું તો શુદ્ધ વિજ્ઞાનરૂપ છે અને સર્વદા શાંતસ્વરૂપમાં જ રહ્યો છે.પરબ્રહ્મને જાણીને જેઓ શુદ્ધ બોધરૂપ અને શુદ્ધ ચૈતન્યરૂપ થયાં છે.
તેમને દૃષ્ટિમાં તો આ જગત સંબંધી કાંઈપણ સાચું નથી.
શુદ્ધ બોધસ્વરૂપ બ્રહ્મમાં અવિધા એ આ જગતરૂપી ભ્રમ કરેલાં છો.
એમ પ્રતીત જ થાય છે.
જગતરૂપી ભ્રમનું મિથ્યાપણું જણાયા પછી તે બ્રહ્મની સત્તા રહેલી સંભવે જ કેમ ?જીવની અંદર રહેલી જે વાસના છે, તે જ બહાર રહેલાં ચૈતન્યરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે આ બાહ્ય સ્થુળ આકારરૂપે પ્રતીત થાય છે.
આકાશ, આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી અને પૃથ્વીમાં રહે્લાં તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર જ છે.
જે છે તે વાસ્તવિક રીતે જ બ્રહ્મ છે અને જે બ્રહ્મ છે તે જ આપણું સ્વરૂપ છે.દેવી બોલ્યા : તું પોતાની ચૈતન્યશક્તિથી જ ધારેલાં નિર્મળપણાને પ્રાપ્ત થઈ છે.
જે જે જીવનો જે સંકલ્પ લાંબાકાળ સુધી જે જે રીતે ઉદય પામે છે.
તે તે જીવને તે સંકલ્પ જ કાળ કરીને તે તે રીતનું ફળ આપે છે.જ્ઞાનથી, વિવેકથી, પુણ્યથી અને વરદાનથી પુણ્યરૂપ દેહ વડે બંને લોકમાં જવાય છે.
હું દેહ છું તથા આ મારો દેહ છે એવી બુદ્ધિનો નાશ થઈ જાય છે.
આમ વરદાન તથા શાપ પણ પ્રાણીને પોતાની પૂર્વની વાસનાના કર્મના અનુસાર થી પ્રાપ્ત થાય છે.
મૂળ વાત ‘વિચાર કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે.’મહાપ્રલયની સંપત્તિમાં જ્યારે સર્વ પદાર્થો અસ્ત પામે છે, ત્યારે દિશા પર્યંત અનંત આકાશ સત્ય બ્રહ્મરૂપે રહે છે.બ્રહ્મ સુક્ષ્મ ચૈતન્યથી વ્યાપ્ત હોવાથી ‘હું સુક્ષ્મભૂત છું’ એવો અનુભવ કરે છે.
પછી તે સુક્ષ્મ ભૂતરૂપી આત્મા પોતાની મેળે સ્થૂલપણાને પામે છે.
આમ તે સ્થૂળપણું અસત્ય છતાં સત્યરૂપે જણાય છે અને તેને બ્રહ્માંડ કહે છે.
તે બ્રહ્માંડમાં રહેલાં બ્રહ્મા ‘હું બ્રહ્મું છું.’ એમ જાણે છે.
તે જે મનોરાજ્ય કરે છે તેને ‘જગત’ કહે છે.
તે જગતમાં પ્રથમની સૃષ્ટિમાં જે સ્થળે જેવી જેવી સંકલ્પની વૃત્તિઓ કરેલી છે તે સ્થળે તેવી તેવી વૃત્તિઓ આજ સુધી નિશ્ચળ રહેલી છે.
જે જે વિચારો ચિત્તમાં સ્ફૂરિત થાય છે, તે તે બધું આત્માનું ચૈતન્ય છે.
માટે કોઈપણ સ્વભાવ પોતાની મેળે આ જગતમાં અનિયમિત રીતે ઉત્પન્ન થતો નથી.સૃષ્ટિનાં આદિમાં હિમ તથા અગ્નિ વગેરે પદાર્થમાં શીતળતા, ઉષ્ણતા વગેરે જેવા જેવા સ્વભાવનો આવિર્ભાવ કરેલ છે, તેવા તેવા સ્વભાવ ચૈતન્યની સત્તાથી આજદિન સુધી રહેલાં છે.
માટે સત્ પદાર્થમાંથી પોતાની સત્તાનો ત્યાગ થવો ઘટતો નથી અને ચૈતન્ય છે તેથી નિયતિનો પણ નાશ થતો નથી.આ પ્રકાશ પામતું જગત અસત્ય છે છતાં સત્યની પેઠે જણાય છે, અને તે જ પ્રમાણે સ્વભાવ, સંપત્તિ તથા જીવન-મરણનો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે.
ચૈતન્યરૂપી આકાશને જ્યારે આકાશ થવાની ઈચ્છા થઈ ત્યારે તે આકાશરૂપ થયું.
જ્યારે તેને કાળરૂપ થવાની ઈચ્છા થઈ ત્યારે તે કાળરૂપ થયું.
ચૈતન્યરૂપ આકાશને જળરૂપ થવાની ઈચ્છા થઈ અને તે જળરૂપ પામ્યું.
આ પ્રમાણે ચિત્તની સત્તાથી સર્વ સ્થિતિ રહેલી છે.ચૈતન્ય પોતે આકાશપણું, જળપણું, પૃથ્વીપણું, અગ્નિપણું તથા વાયુપણું અસત્ય છે.
તો પણ તેને જુએ છે.
હવે હું સર્વસંદેહની શાંતિ માટે મરણ થયા પછી કર્મફળનાં અનુભવનો જે ક્રમ છે તે કહું છું.
એ ક્રમ મરણસમયે કલ્યાણરૂપ છે.
પ્રથમ સૃષ્ટિ થઈ ત્યારથી કળિયુગમાં સો (100) વર્ષ દ્વાપરમાં બસો (200) વર્ષ, ત્રેતામાં ત્રણસો (300) વર્ષ અને સત્યયુગમાં ચારસો (400) વર્ષનું આયુષ્ય નિર્માણ કરવામાં આવ્યું છે.
આવો નિયમ છે, પણ તે ન્યુનાધિક થવાનું કારણ કહું છું.
દેશ, કાળ, દ્રવ્ય તથા પોતાનાં કર્મની શુદ્ધિ અને અશુદ્ધિ એ સર્વ માણસનું આયુષ્ય ઓછું કે વૃદ્ધિ થવામાં કારણભૂત છે.
જ્યારે માણસો પોતાનાં ધર્મકર્મ ઓછાં કરે છે ત્યારે તેમનું આયુષ્ય ઓછું થાય છે તેમ ધર્મકર્મ વધુ કરે તો તે વધે પણ છે.
શાસ્ત્રોક્ત રીતે આચરણ કરે તો શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ આયુષ્ય થાય છે.આ પ્રમાણે જ્યારે કર્મ અનુસાર માણસને મરણનો સમય થાય છે ત્યારે મર્મસ્થળનું છેદન થાય તેવી વેદના ઉત્પન્ન થાય છે.દેહને અંતે મરણ સમયે ત્રણ જાતનાં પુરુષોની જુદી જુદી રીતિ છે.
પહેલો મૂર્ખ, બીજો ધારણાભ્યાસી (નાભિ, હૃદય, કંઠ તથા ભ્રકૃષ્ટિની વચ્ચે બ્રહ્મરઘ્ર સુધી પ્રાણનો રોધ કરી યોગધારણાનો અભ્યાસ કરનાર યોગી) ત્રીજો યુક્તિમાન (સ્વેચ્છાથી દેહત્યાગ કરીને ઈચ્છિત પ્રદેશમાં જનારો યોગી) આમાંથી ધારણાભ્યાસી દેહત્યાગ કરતી વખતે ધારણાનો અભ્યાસ કરીને સુખથી દેહત્યાગ કરે છે.
અને યુક્તિમાન પુરુષ પણ (ધારણાનો અભ્યાસ કર્યા વિના) તેવી જ રીતે સુખથી દેહનો ત્યાગ કરે છે.
મૂર્ખ પોતાના મરણ સમયે પરવશપણાથી દુઃ ખ પામે છે.
વાસનાનાં આવેશથી પરવશ થયેલો તથા વિષયમાં રમ્યા કરતાં ચિત્તવાળો મૂર્ખ મનુષ્ય કપાઈ ગયેલાં કમળની પેઠે અત્યંત દીનતા પામે છે.
તેને અગ્નિમાં પડવા જેવો દાહ થાય, કંઠ ઘોઘરો થાય, નેત્ર અને શરીરનો વર્ણ બદલાય છે.
અંધપણાથી તેને પ્રકાશ જોવામાં આવતો નથી, દિવસે તારા ઉગ્યા હોય તેવી ભ્રાંતિ થાય, શરીર વાદળા જેવું અને આકાશ કાળું જણાય, સાથે મર્મસ્થાનની વેદના વ્યાપે, તેનું નેત્રમંડળ ભ્રષ્ટ થાય, પૃથ્વી આકાશ જેવી અને આકાશ પૃથ્વી જેવું જણાય, દરિયામાં તણાતો કે આકાશમાં ઉડતો હોય તેવું અનુભવે.
ગાઢ નિંદ્રાથી વિચારશૂન્ય થાય.
પ્રાણ ધારણ ન થવાથી મૂર્છિત થાય પરંતુ ચેતનપુરુષનો કયારેય નાશ થતો નથી.જે માણસ ગુરુ પાસેથી શ્રવણ વગેરે અભ્યાસ કરે અને ‘આ જગત ભ્રાંતિરૂપ છે ખરું નથી જ એવો નિશ્ચય કરીને દ્વૈતની વાસના ટાળે તે મુક્ત થાય છે.’મૃત્યુ પછી :દેવી બોલ્યાં : નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઈ જાય છે, તેથી પ્રાણીનું ચૈતન્ય શાંત થઈ જાય છે.
પણ જે શુદ્ધ ચેતન છે, તે નિત્ય છે.
અને તેને શાંતિની જરૂર પણ નથી તે સ્વયં શાંતિ સ્વરૂપ જ છે.
શુદ્ધ ચેતનાનો અસ્ત કે ઉદય નથી તે સ્થાવરમાં, જંગમમાં, આકાશમાં, પર્વતમાં, અગ્નવિમાં તથા પવનમાં રહેલું છે.
કેવળ વાયુનો રોધ થવાથી જ્યારે સ્ફૂરણા બંધ થાય છે, ત્યારે જડ થયેલો તે પુરુષ મરી ગયો એમ કહેવાય છે.
આ પ્રમાણે દેહ શબરૂપ થઈ જાય અને પ્રાણવાયુનો મહાવાયુમાં લય થઈ જાય છે.
ત્યારે વાસનારહિત થયેલું ચેતન આત્મતત્ત્વમાં રહે છે.પુનઃજન્મનાં બીજની વાસનાવાળા તે અણુચૈતન્ય ને જીવ કહે છે અને તે તેજ ઠેકાણે શબનાં ગૃહાકાશમાં રહે છે.
પછી વ્યવહારી પુરુષો તેને ‘પ્રેત’ એવા નામથી કહે છે.
પુષ્યનાં પરાગમાં રહેલી સુગંધમાં જેમ વાયુ રહે છે.
તેમ તે ચેતનમાં પણ વાસના રહી હોય છે.
આ દૃશ્ય દેહનો ત્યાગ કરીને તે ત્યારે જ બીજાં અદૃશ્ય દેહને પ્રાપ્ત થાય છે ત્યારે તે સ્વપ્નની પેઠે પરલોકમાં ભોગવતા યોગ્ય અનેક પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે.
તે પ્રદેશમાં પણ તેને પૂ્ર્વનાં જન્મની પેઠે સ્મૃતિઓ થાય છે.
પછી મરણની મૂર્ચ્છા મટી જાય છે, એટલે તે પોતાનું બીજું શરીર જુએ છે, તે મરનાર પ્રાણી પોતાનાં આત્મામાં, આકાશ ભૂતળ અને આખુંય બ્રહ્માંડ જુએ છે.હવે ઉપર જણાવેલાં પ્રેતનાં છ ભેદ છે.(1) સામાન્ય પાપી(2) મધ્યમ પાપી(3) ઉત્તમ પાપી(4) સામાન્ય ધર્મ કરનાર(5) મધ્યમ ધર્મ કરનાર(6) ઉત્તમ ધર્મ કરનાર(1) ઉત્તમ પાપીની ગતિ : ઉપરનાં છ માંથી ત્રીજો મહાપાપી એક વર્ષ સુધી મૂઢ થઈને મૂર્ચ્છા નો અનુભવ કરે છે.
તેનું હૃદય પથ્થર જેવું જડ થઈ જાય છે.
ત્યારબાદ તે પાપી જાગ્રત થઈને ઘણાં દિવસો સુધી વારસનાના જઠરમાં ઉઠેલાં નરકનાં અક્ષય દુઃખનો અનુભવ કરે છે.
હજારો યોનિઓમાં જન્મ લઈને તે એક દુઃ ખ ભોગવ્યા પછી બીજું દુઃખ ભોગવે છે અને ત્યાર પછી ફરી સંસારરૂપી સંભ્રમમાં પાછો ફરે છે.અથવા તે મહાપાપીને મરણની વિસ્મૃતિ થાય છે અને પછી જડતાનાં હજારો દુઃખોથી તે વ્યાકુળ થાય છે અને હૃદયમાં વૃક્ષપણાનાં જન્મનો અનુભવ કરે છે.
આમ વાસના અનુસાર નરકમાં હજારો દુઃ ખનો અનુભવ કર્યા પછી તે પૃથ્વીમાં જન્મ ધારણ કરે છે.(2) મધ્યમ પાપીની ગતિ : બીજો મધ્યમ પાપી પોતાનાં મરણનો મોહ વીસરી ગયા પછી કેટલાક કાળ સુધી પથ્થરની પેઠે જઠરના જડતાંનો અનુભવ કરે છે.
પછી કાળે કરીને જાગ્રત થયા પછી તે પશુ-પક્ષીની યોનિમાં અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે.(3) સામાન્ય પાપીની ગતિ : પહેલો સામાન્ય પાપી મરી ગયા પછી તરત જ પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલાં અક્ષત દેહનો અનુભવ કરે છે.
તે સ્વપ્નની પેઠે જાણે સંકલ્પ હોય તેવો અનુભવ કરે છે અને તે જ ક્ષણે પ્રથમ ની પેઠે સ્મૃતિ ઉત્પન્ન થાય છે.(4) ઉત્તમ ધર્મ કરનારની ગતિ : જે મહાપુણ્ય કરનાર છે તે મરણનો મોહ મટયા પછી પૂણ્યરૂપી વાસનાની જાગૃતિથી સ્વર્ગમાં વિદ્યાધરનાં નગરનો અનુભવ કરે છે.
આમ પુણ્ય ભોગવ્યા પછી તે ઈલાવૃત્ત અથવા કિંપુરુષ ખંડમાં કર્મનું ફળ ભોગવે છે અને પછી મનુષ્ય લોકમાં લક્ષ્મીવાન એવા સજ્જન માણસ ને ઘેર જન્મ ધારણ કરે છે.(5,6) સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનારની ગતિ : આવા જીવો મરણ વીસરી જાય એટલે ઔષધિઓ તથા પલ્લવોથી ભરેલ નંદન તથા ચૈત્રરથાદિ વનમાં કિન્નર તથા કિંપુરુષના શરીરથી જાય છે.
ત્યાં પોતાનાં કર્મનું ફળ, ભોગવ્યા પછી તે વાયુ અને વરસાદ દ્વારા પૃથ્વીમાં શાળ, જવ વગેરે ઔષધિઓમાં પ્રવેશ કરે છે અને તે દ્વારા પુરુષનાં વીર્યના માર્ગે તે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. (સામાન્ય ધર્મ કરનારની ગતિ પણ એ જ પ્રમાણે થાય છે.) આ પ્રમાણે ઉપર કહેલાં છ જાતનાં પ્રેતોની મરણ મૂર્ચ્છા મટ્યા પછીમરણ પછી સામાન્ય સ્થિતિ :મરણ પામનાર માણસને પ્રથમ ‘મારું રક્ષણ થયું’ એવું જ્ઞાન થાય છે પછી બંધુઓએ આપેલાં પિંડદાનથી ‘અમારું શરીર ઉત્તપન્ન થયું’ એવું જ્ઞાન થાય છે.
ત્યારપછી ક્રમે કાળપાશને ધારણ કરનારા યમનાં અનુચરો આવીને મને લઈ જાય છે.
અને હું તેમની સાથે યમપુરીમાં જઉં છું એવું જ્ઞાન થાય છે.
ઉત્તમ પુણ્યવાન પુણ્યકર્મથી પ્રાપ્ત થયેલ દિવ્ય ઉદ્યાન તથા શોભતાં વિમાનને પોતાની પાસે જુએ છે.
જ્યારે પાપી પોતાનાં પાપકર્મથી પ્રાપ્ત થયેલ હિમ, કાંટા તથા અસિપત્ર વનને જુએ છે.
પછી યમપુરી, યમરાજ અને મૃત્યુબાદનો સંસાર ભાગ પ્રત્યેક જીવ અનુભવે છે.
આ પ્રપંચ, દેશ, કાળ અને ક્રિયાની દીર્ઘતા થી પ્રકાશિત થાય છે.
આ મેં સ્વર્ગ, ભોગવ્યું કે નર્ક ભોગવ્યું આમે અનેક યોનિઓ ભોગવી અને ફરી સંસારમાં આવ્યો.
આવી રીતે અનેક યોનિમાં અવતાર અનુભવી મોક્ષ થતાં સુધી એક આકાશથી બીજામાં વારંવાર જન્મ-મરણ થયા કરે છે.દેવી બોલ્યાં : આ જગતમાં પર્વ, ઝાડ, પૃથ્વી તથા આકાશ એ બધું પરમાર્થદૃષ્ટિ થી જોતાં પરબ્રહ્મરૂપ જ છે.
ચૈતન્યરૂપી ઈશ્વર સર્વવ્યાપક છે, તે જે ઠેકાણે જેવી રીતે વિવર્તપણાથી ઉદય પામે છે તે ઠેકાણે તે તેવી રીતે શુદ્ધ આત્મા પણ થાય છે.
જેમ સ્વપન્માં એક પુરુષ અનેક પદાર્થો ઉત્પન્ન કરે છે, તેમ તે ઈશ્વરે સૃષ્ટિનાં આદિમાં પ્રજાપતિરૂપે થઈને ભૂઃ ભૂર્વઃ આદિ લોકને ઉત્પન્ન કર્યા છે અને તેણે જે સ્થિતિ બાંધી છે.
તે આજ દિન સુધી તેવી જ ચાલે છે.પ્રથમ પદાર્થમાત્રનું બિંબરૂપ સ્ફૂરણ થયું અને તે બિંબનું પ્રતિબિંબ પડ્યું તે જગતરૂપે આજસુધી રહ્યું છે.
દેહધારી શરીરના અંગમાં જે છિદ્રો છે.
તેમાં વાયુ પ્રવેશ કરે છે અને તેના અંગને ગતિમાન કરે છે, તેથી તે જીવે છે એમ કહેવાય છે.
સૃષ્ટિનાં આદિથી જંગમ ને વિષે એ જ પ્રમાણે સ્થિતિ રહી છે.
ઝાડ વગેરેમાં ચૈતન્ય ન હોવાથી તે સ્થાવર કહેવાય છે.
આવી રીતે ઈશ્વર ચેતનથી ઉત્પન્ન થયેલાં અંશનો વિભાગ કરે છે.
અને તે અંશ ચેતનરૂપ તથા તે સિવાયનું બીજું અચેતનરૂપ છે.
પ્રાપ્ત થયેલાં ઉપાધિરૂપ શરીરમાં, બુદ્ધિને નેત્ર વગેરે ઈન્દ્રિયોમાં પ્રેરીતે જીવ બહારના પદાર્થનો અનુભવ કરે છે.
પણ તે નેત્ર વગેરે ઈન્દ્રિયો પોતે ચેતનરૂપ નથી.
જે પ્રમાણે બુદ્ધિ આકાશ ને શૂન્યશક્તિવાળું જાણે છે.
પૃથ્વીને સર્વને ધારણ કરવાની શક્તિરૂપે જાણે છે તથા જળને તૃપ્તિ કરવાની શક્તિરૂપે જાણે છે.
તેજ પ્રમાણે તે શરીરને શરીરરૂપે જાણે છે.
એજ પ્રમાણે સર્વાત્મા ઈશ્વર શરીર વડે શરીરનો, જંગમપણાથી જંગમનો તથા સ્થાવરપણા એ કરીને સ્થાવરનો સંકલ્પ કરીને તેમાં રહેલાં છે.
જેનામાં જાણવાની શક્તિ છે તેને જંગમ કહે છે.
જંગમમાં જાણવાની શક્તિ સૃષ્ટિનાં આરંભથી આ જ સુધી રહી છે.
ઝાડ, શિલા, તૃષ્ણ વગેરે જેને સ્થાવરરૂપ માનેલ છે.
તે જડ છે.
આ પ્રમાણે સ્થાવર-જંગમનો ભેદ છે.ખરું જોતાં સૃષ્ટિનાં આરંભથી જ ઈશ્વરની સામાન્ય સત્તાથી, જડપણું અને ચેતનપણું એ બે જુદાં નથી.