ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૪
પછી પ્રાણને ધારણ કરવો એ જીવ શબ્દનો અર્થ છે.
તે ધારણ કરવાથી એ ચંચળપણું પામે છે.
હવે સંકલ્પ વગેરેનું મનન કરવાથી તે મંદ થઈ જાય છે અને રૂપ ધારણ કરે છે.
એ મન લિંગ શરીર કહેવાય છે.
જેમ સ્થિર આકાશવાળા સમુદ્રમાંથી અસ્થિર આકારવાળો તરંગ થાય છે તેમ વ્યાપક પરમાત્મામાંથી એ મન ઉત્પન્ન થાય છે.
એ મન હિરણ્યગર્ભરૂપ બ્રહ્મા કહેવાય છે.
તે પોતાની મેળે નિરંતર સંકલ્પો કર્યા કરે છે.
તે સત્ય સંકલ્પથી આ વિસ્તારવાળી જગતરૂપી ઈન્દ્રજાળ ઉત્પન્ન થઈ છે.
જેમ કડું સોનાથી અલગ નથી તેમ જગત પણ પરબ્રહ્મથી જુદું નથી.
આ અનંતપ્રકાશોવાળું જગત સંપૂર્ણ રીતે બ્રહ્મમાં જ રહેલું છે, છતાં જેમ સુવર્ણમાં કડાપણું નથી તેમ બ્રહ્મમાં જગતરૂપ નથી.
મન સાચી જેવી જણાતી જગત સબંધી ખોટી અને ચંચળ એવી ઈન્દ્રજાળની શોભાને ઉત્પન્ન કર્યા કરે છે.જે અવિદ્યાને લીધે આ જગતનું ખોટાપણું છે તે અવિદ્યાના સંસૃતિ, બંધ, માયા, મોહ, મહત્ત અને તમ્ એવાં નામો વિદ્વાનોએ કલ્પેલાં છે.
પ્રથમ બંધનું સ્વરૂપ કહું છું.
તે પછી તમે મોક્ષનું સ્વરૂપ જાણી શકશો.દૃષ્ટા ઉપર દૃશ્યની જે સત્તા થાય છે તે જ બંધ કહેવાય છે.
જો દૃશ્યનો બાધ થઈ જાય એટલે કે બંધ થઈ જાય અથવા તો તે મિથ્યા છે એવું જ્ઞાન થઈ જાય તો દૃષ્ટા મુક્તિ પામે છે.
જગત, તું, હું જેવાં અનાત્મ પદાર્થો દૃશ્ય કહેવાય છે.
જ્યાં સુધી એ દૃશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ હોતો નથી. ‘આ દૃશ્ય નથી’, આ દૃશ્ય નથી એવાં વ્યર્થ બકવાદથી દૃશ્ય શાંત થતું નથી.
કારણ કે ‘આ દૃશ્ય નથી તો બીજું કાંઈક દૃશ્ય છે.’ એવા સંકલ્પો ઉઠે છે.
એનાથી તો ઉલટાં દૃશ્યરૂપી રોગ વધે છે.
વળી અનેક તર્કો કરવાથી કે તીર્થ-નિયમ વગેરે થી પણ દૃશ્ય શાંત થતું નથી.
દૃશ્યરૂપ જગતને બંધ (બાધ) કરવાનો ઉપાય તો વિચાર જ છે.
જો જગતરૂપ દૃશ્ય બ્રહ્મથી જુદી સત્તાવાળું જ હોય તો કોઈની પણ શાંતિ થાય જ નહીં કારણ કે અસત્ પદાર્થ ના ભાવ (સત્તા) હોતો નથી અને સત પદાર્થનો અભાવ થતો નથી.
વિચાર વિના બીજા કોઈપણ ઉપાયથી આત્મા જાણવામાં આવી શકતો નથી.
તેથી તેની સત્તાથી દૃશ્ય પદાર્થની સત્તા જુદી નથી; માટે જ્યાં જ્યાં દૃષ્ટા હોય ત્યાં ત્યાં તેનાં સુક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિથી દૃશ્યનો ઉદય થાય છે.
આથી ‘આ દૃશ્ય જગત આત્માથી જીવાત્માવાળું છે અને મેં તેને તપથી, ધ્યાનથી તથા જપથી છોડી દીધું છે.’ એમ માનવું, સમજવું યોગ્ય નથી કાંજી થી તૃપ્ત થયા જેવું છે.
દૃશ્ય પદાર્થ જુદી સત્તાવાળો હોય તો સુક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્યરૂપી દર્પણમાં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં.
ચૈતન્યરૂપી દર્પણ ગમે ત્યાં હશે, તો પણ તેમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં.
આમ તે પ્રતિબિંબ પડશે એટલે ત્યાં પણ દુઃખ, જરા, મરણ અને જન્મનાં તેમજ જાગૃત અને સ્વપ્નમાં અનેક રીતે બદલાતાં નાના-મોટા પદાર્થોનો ત્યાગ અને સ્વીકાર મટશે નહીં. ‘આ દૃશ્યને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ સ્થિતિમાં આવેલો છું.’ એમ જો સમાધિમાં પ્રતીત થાય, તો સમાધિમાં સંસારના સ્મરણનું એ જ અક્ષયબીજ રહેલું છે, એમ સમજવું.
જો દૃશ્ય ન હોય, તો નિર્વિકલ્પ સમાધિમાં તુરીયાવસ્થારૂપ બ્રહ્મપણાનો અનુભવ થાય છે; પણ જો દૃશ્ય હોય, તો તે નિર્વિકલ્પ સમાધિમાં પણ ક્યાંથી પ્રાપ્ત થાય ? સુષુપ્તિનાં અંતમાં સર્વ જગત જેમ પાછું પ્રતીત થાય છે તેમ સમાધિમાંથી ઉત્થાન થતાં આ અખંડિત દુઃખરૂપ જગત જેવું ને તેવું પ્રતીત થયા વગર રહેશે નહીં.
તેમ જ થયું તો પછી સમાધિ થી મળ્યું પણ શું ? આમ અનર્થ પાછો જ આવે તો પછી જરાવાર રહેનારી સમાધિમાં સુખ શું છે ? માટે જો આ દૃશ્યની સત્તા રહેશે તો અનેક યત્ન કરીને સમાધિ કરવા છતાં સત્તા રહેશે જ કારણ કે જ્યાં ચૈતન્ય રહે છે ત્યાં તેને લગતો જગતરૂપી ભ્રમ રહેશે.
કદાચ એ પાષાણપણા જેવી સમાધિઓ જામી જાય તો પણ તે શાંત ચૈતન્યરૂપ સ્વતઃ સિદ્ધ અને અવિનાશી એવા મોક્ષપદને પામતી નથી.
આથી જો આ દૃશ્ય પરબ્રહ્મથી જુદી સત્તાવાળું હોય તો તે કદી પણ શાંત થાય નહીં.
તપથી, જપથી અને ધ્યાનથી દૃશ્યની શાંતિ થશે એ તો મૂર્ખાઓની કલ્પના છે.
દૃષ્ટામાં પણ દૃશ્ય પદાર્થ બીજરૂપે રહે છે.
જેમ પદાર્થોમાં રસ છે.
તલ માં તેલ છે, ફૂલમાં સુગંધ છે તેમ દૃશ્ટામાં દૃશ્યનો અનુભવ સર્વદા હોય છે.
ચૈત્યનરૂપ આત્માને સમાધિમાં રાખવામાં આવ્યો હોય તો પણ તેનાં ઉદરમાં જગતનો ઉદય થયાં વિના રહેતો નથી.
ચૈત્યનાં સુક્ષ્મ ઉદરમાં પણ સઘળું દૃશ્ય રહેલું છે.
આમ સર્વદા વળગેલી આ દૃશ્યરૂપી ચુડેલ, દૃષ્ટાને દુઃખી કર્યા વિના રહે જ નહીં.આથી આત્માને જ્ઞાનથી જ મોક્ષ થાય છે.
પણ કર્મથી કે યોગથી થતો નથી અને નહીં જાણેલો આત્મા જ જગતને સર્જે છે...................2.
ભૌતિકદેહનું મૃત્યુ થાય છે પરંતુ તત્ત્વવેત્તા અને ચૈતન્યમયનું થતી નથી.એક ‘આકાશ જ’ નામનો પરમ ધર્માત્મા બ્રાહ્મણ, ધ્યાનનિષ્ઠ અને પ્રજાપાલક હતો.
તે ઘણું લાંબુ જીવ્યો એટલે મૃત્યુ તેને ખાવા ગયો પણ તે તેને પકડી શક્યો નહીં.
આથી તે યમરાજાને પુછવા ગયો.
ત્યાં યમે કહ્યું હે મૃત્યુ \! એ આકાશ જ ના કોઈકર્મો નથી કારણ કે એ બ્રાહ્મણ કેવળ આકાશથી ઉત્પન્ન થયો છે.
તે માત્ર આકાશ જ છે.
તેનાં કોઈ પૂર્વ કર્મો નથી.
તેનું ચિત્ત તેથી પરવશ નથી.
તે સ્વચ્છ આકાશ રૂપ પોતાનાં કારણમાં જ રહેલો છે.
તેથી નિત્ય છે.
તેને ઉત્પન્ન કરનાર કોઈ કર્મ જ નથી.
તેમ હાલ પણ એ કાંઈ કર્મ કરતો નથી.
આમ જગતમાં એ ચિદાકાશ રૂપ જ છે.
એનું પ્રાણનાં ચલનરૂપ જે કર્મ આપણાં જ જોવામાં આવે છે વાસ્તવમાં નથી તે બ્રાહ્મણ એ કર્મને ‘સાચું છે.’ એ જાણતો નથી.
એ ચૈતન્ય સ્થંભમાં ચૈત્યનરૂપ પુતળી જેવો છે.
તે ચૈતન્યથી અલગ નથી.
તેવા પરમપદમાં રહેલો છે.
તે સંસારને વશ થયો નથી.
આમ તે સ્વયંભુ છે.જે જીવને ‘હું દેહરૂપ છું.’ એવો નિશ્ચય થઈ જાય છે, તે દેહરૂપ જ થઈ જાય છે અને તેને તરત પકડી શકાય છે, માટે જો એ બ્રાહ્મણ જો ‘હું દેહરૂપ છું.’ એવી મરણરૂપ કલ્પના કરશે, તો જ તારાથી તેને પકડી શકાશે, પણ તેને હજુ દેહાભિમાન થયું નથી તેથી તે દેહરહિત છે.
માટે જેમ મજુબત દોરીથી પણ આકાશને બાંધી શકાતું નથી તેમ તારા થી એને બાંધી શકાશે નહીં.મૃત્યુ બોલ્યો : હે ભગવન \! શી રીતે આ બ્રાહ્મણ શૂન્યમાંથી ઉત્પન્ન થયો વળી પૃથ્વી વગેરે પંચભૂતમય દેહનો સંબંધ કેવી રીતે થાય છે તથા કેવી રીતે થતો નથી ?યમ બોલ્યા : એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાનનાં પ્રકાશરૂપ છે, માટે એ કદી જન્મ્યો નથી અને કદી પણ નથી હોતો એમ નથી.
એ તો સદા નિર્વિકાર સ્વરૂપે રહ્યો છે.
જ્યારે મહાપ્રલય થાય છે અને બીજું કાંઈપણ અવશેષ રહેતું નથી.
માત્ર શાંત, અજર, અનંત, કેવળ, સુક્ષ્મ, ઉપાધિરહિત, સર્વોત્તમ અને અનાત્મ પદાર્થોથી રહિત પરબ્રહ્મ જ રહે છે.
પછી જ્યારે સૃષ્ટિનાં આરંભનો સમય થાય છે ત્યારે એ બ્રહ્મનો સ્વભાવ જ્ઞાનમાત્ર હોવાને લીધે તેમાં પર્વતના જેવું તથા ‘હું દેહ છું.’ એમ કહેવાના પાત્રરૂપ એવું વિરાટ સ્વરૂપ આપણી વાસનાઓરૂપી હેતુથી કાકતાલીથ ન્યાય વડે સ્ફૂરી નીકળે છે.
તે સમયે જ જીવોને ઉપર કહેલાં હેતુ પર સ્વપ્ન સંબંધી શરીર જેવો મિથ્યા આકાર અકસ્માત જોવામાં આવે છે.
સૃષ્ટિનાં આરંભમાં એ પરબ્રહ્મરૂપ આકાસમાં એ આકાશ જ બ્રાહ્મણ રહ્યો છે અને તે નિર્વિકલ્પ તથા ચિદાકાશરૂપ ધારણ કરીને રહ્યો છે.
એને દેહ, કર્મો, કર્તાપણું કે વાસના કાંઈપણ નથી એ તો શુદ્ધ ચિદાકાશરૂપ છે.
જ્ઞાનધન છે, વ્યાપક છે જેમ તેજ કેવળ પ્રભારૂપ છે તેમ એ બ્રાહ્મણ કેવળ ચિદાકાશરૂપ છે.આથી પરબ્રહ્મના જ્ઞાનથી વિષયનું મિથ્યાપણું જાણવામાં આવે તો પછી વિષયો જાણનારી સર્વ લાગણીઓ પણ ચૈત્યનરૂપ થઈ જાય, એટલે પછી તેમાં પૃથ્વી આદિ ભૂતોનો સંભવ જ ક્યાંથી અને કેવો હોય ? આથી મૃત્યુ પાછો ફરી ગયો.રામ બોલ્યા : આ તો આપે સ્વયંભુ અજન્માં એકાત્મા અને વિજ્ઞાનરૂપ એવા મારા પિતામહ બ્રહ્માની વાત કરી.વશિષ્ટ બોલ્યા : એમ જ છે.
જે કામ નિત્ય કરવામાં આવતું હોય તે કામમાં રુચિ વધતી જાય એ સ્વાભાવિક છે.
બ્રહ્મા તો પરબ્રહ્મરૂપ છે.
મૃત્યુ તને શી રીતે મારી શકે ? બ્રહ્માનું શરીર મનોમય માત્ર છે.
સંકલ્પ માત્ર જ છે.
અને પૃથ્વી આદિ ભૂતોથી રહિત છે, એ બ્રહ્મા પરબ્રહ્મ ચિદાકાશના ચમત્કારરૂપ છે અને અનુભવરૂપ આકારવાળા છે.
તેથી તે પરબ્રહ્મ જ છે અને તેને કારણપણું કે કાર્યપણું કાંઈ જ નથી તે માત્ર પરબ્રહ્મમાં સ્ફૂરેલાં છે.
પરમાત્મામાં દૃશ્ય કે દૃષ્ટા કાંઈ જ નથી.
કેવળ ચૈતન્ય જ છે.
તો પણ બ્રહ્મા પ્રતીત થાય છે.
મનનું રૂપ સંકલ્પ માત્ર જ છે તે પૃથ્વી આદિ ભૂતો સાથે જોડાયેલું નથી.
આમ જે મન છે તે જ બ્રહ્મા કહેવાય છે.
તે બ્રહ્મા (મન) પરમાત્માનાં સંકલ્પરૂપ પુરુષ છે.
આમ પરમાત્મામાં મન ખડું થાય છે અને તે બ્રહ્મરૂપે ભાસે છે.જે પરમાત્મા ચિદાકાશ રૂપ, કેવળ અને આદિ મધ્ય અને અંતરહિત છે તે જ પરમાત્મા અજ્ઞાન ને લીધે જાણે આકારવાળા અને પુરુષ જેવા જોવામાં આવે છે.
વાસ્તવિક રીતે વિચારતાં તો વાંઝણીનાં પુત્રની પેઠે તે પરમાત્માને દેહ નથી.વશિષ્ઠ બોલ્યાં : જેને ભોગવવાનાં પૂર્વકર્મો વાળો દેહ પૂર્વદેહ હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં પૂર્વદેહની વાસનાઓ કારણરૂપ હોય છે, પણ બ્રહ્માને તો પૂર્વદેહ જ ન હતો.
પૂર્વનું કોઈ કર્મ ન હતું.
આથી બ્રહ્માનું શરીર સહાય આપનારા કારણો વિના જ પ્રકાશે છે.
યથાર્થ જ્ઞાનવાળા એ બ્રહ્મા તો પોતાનાં શરણરૂપ ચિદાકાશથી ભિન્નરૂપ જ નથી.
અજન્મા અને સ્વયંભુ બ્રહ્મા તો જે દેહ છે તે જ લિંગદેહ છે.
એમને ભૂતમય સ્થુળ દેહ જ નથી.રામ : તેનું શું કારણ ?વશિષ્ઠ : સઘળા પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળા છે.
તેથી તેમને બબ્બે દેહ છે.
બ્રહ્મા તો સહકારી કારણ થી રહિત છે.
તેથી તેમને એક લિંગદેહ જ છે.
બ્રહ્મા સઘળાં પ્રાણાઓનાં મૂળકારણરૂપ છે.
પણ બ્રહ્મા નું કોઈ કારણ નથી.
આથી બ્રહ્મા એક દેહવાળા છે.
પ્રથમ પ્રજાપતિ એવા એ બ્રહ્માનો દેહ ભૂતમય નથી, ચિદાકાશરૂપ છે.બ્રહ્મા જેમ બ્રહ્મરૂપ છે.
તેમ સઘળી પ્રજાઓ પણ બ્રહ્મરૂપ છે.
કારણ કે જે જેમાંથી ઉત્પન્ન થાય તે તે રૂપ હોય છે.
જીવ પણ એ રીતે ઉપાધિથી બ્રહ્માનો ચિત્તમાત્ર જ છે અને બ્રહ્માની પેઠે પરમબોધરૂપ પરબ્રહ્મ જ છે.
તે પણ પૃથ્વી આદિથી ઉત્પન્ન થયેલાં શરીરપણાને કદી પામતો નથી.
ચિત્તરૂપી દેહવાળા અને અહંભાવના ઉદયસ્થાન એવાં બ્રહ્મા સંસારમાં વ્યવહાર કરનારાં સઘળાં પ્રાણીઓનાં પૂર્વરૂપ છે.
બ્રહ્માથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્માથી જુદી નથી.
તે બ્રહ્મરૂપ જ છે.
પ્રાતિભાસિક શરીરવાળા બ્રહ્માની ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ પ્રાતિભાસિક શરીરવાળી જ છે.
અને તે આપણને સાચી હોય એમ લાગે છે.
આ સૃષ્ટિ પ્રાતિભાસિક છે છતાં પણ ક્રિયા થવાથી તે સાચી લાગે છે.
જે જે પ્રકારથી એ બ્રહ્માનો સંકલ્પ પ્રફૂલ્લિત થાય છે, તે તે પ્રકારથી આ જગત પ્રક્ટ થતું આવે છે, તેનું પ્રાતિભાસિક રૂપ દૃઢ રીતે ભૂલી જવાય છે તેથી સ્થુળ દેખાય છે.બ્રહ્મા તો માયા વિશિષ્ઠ પરમાત્માના પ્રથમ સંકલ્પ થી જ ઉત્પન્ન થયા છે તેથી તે શુદ્ધ જ્ઞાનવાળા છે.
આપણે પ્રાતિભાસિક રૂપને ભૂલી ગયાં છીએ તેમ તે પોતાનાં પ્રાતિભાસિક રૂપને ભૂલી જતાં નથી.
બ્રહ્મા પૃથ્વી આદિમય નથી પણ મનો માત્ર જ છે માટે તેમનાંથી ઉત્પન્ન થયેલું આ જગત પણ મનો માત્ર જ છે.જેવું પરબ્રહ્મ છે તેવું જ બ્રહ્માંડ છે.
જે પરબ્રહ્મ છે તે મનપણાને પામીને જગતને રચે છે.
માટે જગત શુદ્ધ આત્માથી અભિન્ન જ છે.
જેમ દ્રવપણું પાણીથી અભિન્ન છે, તેમ જગત પણ પરબ્રહ્મથી અભિન્ન છે.જો દૃશ્ય (જગત) રૂપી દુઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નહીં.
જો તે શાંત ન થાય તો દૃશ્ય ને કેવળપણું પણ પ્રાપ્ત થાય નહીં.
પણ જો દૃશ્ય શાંત થાય તો દૃષ્ટામાં દૃષ્ટાપણું કદાચ સાચું હોય તો પણ શાંત થાય તો પછી તે ખોટું છે તે શાંત થાય એમાં તો કહેવું જ શું ? દૃષ્ટાનું દૃષ્ટાપણું શાંત થાય એ જ એનો મોક્ષ છે.
એમ કહેવામાં આવે છે.વશિષ્ઠ બોલ્યા : હે રામ \!, મન આકાશની પેઠે શૂન્ય છે અને જડ આકારવાળું છે.
તેનું નામ માત્ર વિના બીજું કોઈપણ રૂપ જોવામાં આવતું નથી.
એ મનનું રૂપ બહાર કે હૃદયમાં પણ સ્પષ્ટ દેખાય એવું નથી.
તો પણ એ મન આકાશની પેઠે સર્વ સ્થળોમાં વ્યાપી રહ્યું છે.
ક્ષણે ક્ષણ સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાનાં પાણી જેવું આ સઘળું જગત ઉત્પન્ન થયું છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ પદાર્થોનું ગ્રહણ કરવા જતા વચમાં તે તે પદાર્થોનો જે આકાર સ્ફૂરે છે, તે આકાર જ લોકોનું મન કહેવાય છે.
મનનું બીજું કોઈ સ્વરૂપ નથી અથવા નિરાકાર ચૈતન્યનો પદાર્થરૂપ જે અધ્યાસ છે, તે જ મન કહેવાય છે.
જે સંકલ્પ થાય છે તે જ મન છે.
મન સંકલ્થી જુદું પડતું નથી; જ્યાં જ્યાં સંકલ્પ ઉઠે છે ત્યાં ત્યાં તેવા આકારથી મન જ ગોઠવાય છે.
સંકલ્પ ને અને મનને આજ દિવસ સુધી કોઈએ જુદાં પાડ્યા નથી.
પદાર્થોનો પ્રતિભાસ ખરો હો કે ખોટો તે મનનું સ્વરૂપ જ છે અને એ મન જ લિંગ શરીરવાળા બ્રહ્મા કહેવાય છે.
એ મન રૂપી બ્રહ્મા પોતાનામાં રહેલાં સૂક્ષ્મ જગતને લાંબા કાળનાં પરિચય ને લીધે સ્થુળ માની લે છે, એ જ તેનું સૃષ્ટાપણું છે.
એવી રીતે મનનાં સર્જેલાં દૃશ્ય પદાર્થનાં પણ અવિદ્યા, સંસૃતિ, ચિત્ત, મન, બંધ, મળ અને તમ એ નામો કહેવાય છે.
દૃશ્યપદાર્થ વિના બીજું કાંઈપણ મનનું પ્રત્યક્ષ રૂપ નથી, પરંતુ એ દૃશ્ય પદાર્થ તો ઉત્પન્ન થયો નથી.સુક્ષ્મ ચૈતન્યની અંદર જ આ સઘળું દૃશ્ય જગત રહેલું છે.
જેમ દેખાવ એ પ્રકાશનો સ્વભાવ છે, ચપળપણું એ વાયુનો સ્વભાવ છે અને દ્રવ્યપણું એ જળનો સ્વભાવ છે, તેમ દૃશ્યપણું એ દ્રષ્ટાનો સ્વભાવ છે.
આમ દ્રષ્ટામાં દૃશ્યપણું સ્વભાવરૂપે રહેલું છે.
અને તે તમારા ચિત્તરૂપી દર્પણનાં મેલરૂપ છે માટે તેને પણ હું હવે તુરત જ લૂછી નાખું છું.
જ્યારે દૃશ્યની જુદી સત્તા માનવામાં આવે જ નહિ, ત્યારે દૃશ્યનાં અભાવને લીધે દ્રષ્ટામાં દ્રષ્ટાપણું રહે નહિં.
આ પ્રમાણે દૃશ્ય મિથ્યા થાય છે એટલે સત્ય એવા આત્માને કેવળપણું પ્રાપ્ત થાય.
કૈવલ્યનાં બોધથી ચિત્ત કેવળ આત્મારૂપ થાય છે એટલે ચિત્તનું ચલન પણ બંધ પડે છે, તેથી રાગ અને દ્વેષ વગેરે વાસનાઓ પણ બંધ પડી જાય છે.
દિશાઓ, પૃથ્વી અને આકાશ જેવાં કોઈ પ્રકાશ યોગ્ય પદાર્થ ન રહે, તો પ્રકાશનું રૂપ નિર્મળ થાય છે.
તેમજ હું, તું અને જગતરૂપ દૃશ્યોનો અભાવ થાય છે.રામ બોલ્યાં : જો દૃશ્ય ન જ હોય તો આત્મા કેવળપણું પામે; પણ દૃશ્ય તો પ્રત્યક્ષ રીતે સત્તાવાળું જોવામાં આવે છે.
અને જે સત્ત હોય તેનો અભાવ હોય નહીં.
આ દૃશ્યનો અભાવ થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી.
માટે હે બ્રહ્મન્ \! આ દૃશ્યરૂપી વિષુચિકા શી રીતે શાંત થાય છે ?વશિષ્ઠ બોલ્યા : એના માટે એક મંત્ર કહું છું.
દૃશ્ય જો બીજ રૂપે પણ રહેતું હોય તો કોઈનો મોક્ષ થાય નહીં.
એવો દોષ આવી પડે.
પણ આપણે તો જીવનમુક્ત થયેલાં દેવર્ષિઓ અને મુનિઓને પ્રત્યક્ષ જોઈએ છીએ.
આમ દૃશ્યરૂપ બીજરૂપે પણ રહેતું નથી.હે રામ \! બીજાં વાદીઓને અત્યંત ભયંકર લાગે એવી આ પ્રતિજ્ઞા હું કરું છું.
તે તમે સાંભળો.
એ પ્રતિજ્ઞા હવે ઉત્તરગ્રંથથી તમારા હૃદયમાં ઉતરશે.
આ આકાશ આદિ ભૂતો, હું, તું ઈત્યાદિરૂપ જે જગત શબ્દનો અર્થ છે, તે કાંઈપણ નથી.
આપણી આગળ જે કાંઈ દૃશ્ય જોવામાં આવે છે તે સઘળું અજર, અમર અને અવ્યય પરબ્રહ્મ જ છે.
આ સઘળું દૃશ્ય પ્રપંચપૂર્ણ અને શાંત એવાં પરબ્રહ્મ પૂર્ણરૂપે જ પ્રશરે છે અને શાંતરૂપે જ રહે છે.
બ્રહ્મમાં જ ઉદય પામેલો જીવ બ્રહ્મરૂપ જ છે.
દૃશ્ય, દ્રષ્ટા કે દર્શન એ કોઈની સત્તા બ્રહ્મ થી જુદી નથી.
જે બ્રહ્મ છે તે શૂન્ય નથી, જડ નથી અને બુદ્ધિમાં પ્રતિબિંબિત પણ નથી.
માટે તે વ્યાપક શાંત જ છે.રામ બોલ્યાં આ તો ચિત્રમાં દોરેલાં વાદળો ગર્જના કરવા લાગે તેવી વાત છે.
બ્રહ્મન \! આ જગત જે રીતે વ્યવસ્થિત નથી, જે રીતે ઉત્પન્ન થયું નથી અને જે રીતે એ છે જ નહિં.
તે સઘળી રીતિઓ કહો, જેથી નિશ્યચ થાય.વશિષ્ટ બોલ્યા : આ જગત ખરી રીતે તો સૃષ્ટિનાં આરંભમાં જ થયું નથી તેથી વર્તમાનકાળમાં પણ તેનો અભાવ જ છે.
જેમ મન થી સ્વપ્ન જુઓ તેમજ મનનાં લીધે જ આ જગત જોવામાં આવે છે.
મિથ્યા સ્વરૂપવાળું મન જ સૃષ્ટિનાં આરંભમાં ઉત્પન્ન થયું નથી તો જગત ક્યાંથી હોય ?જેમ સ્વપ્ન બીજા સ્વપ્નને ઉત્પન્ન કરે છે તેમ એ મન આ વિનાશી જગતને ઉત્પન્ન કરે છે એ મન પોતાની ઈચ્છાથી પોતાની મેળે જ સ્થુળદેહની કલ્પના કરે છે અને લાંબા સમયની ભાવનાથી વૃદ્ધિ પામેલા એ સંકલ્પથી જ આ ઈન્દ્રજાળ ઉભી થઈ છે.
એકલું મન જ પોતને ચંચળ શક્તિવાળું છે તેથી તે ચાલે છે, ફરક્યા કરે છે, કુદકા મારે છે, ચાલ્યા કરે છે, માંગે છે, ભમે છે, ડુબે છે, સંહારે છે, સંસારીપણું ભોગવે છે અને મોક્ષરૂપ ઉત્કર્ષ પામે છે.મહાપ્રલયમાં સઘળું સુક્ષ્મરૂપ થઈ જવાથી ક્રિયા કરવામાં અશક્ત થઈ ગયું હતું અને સઘળાં દૃશ્યોની સૃષ્ટિનો આરંભ નહોતો થયો ત્યારે વિક્ષેપરહિત, અસ્તરહિત, પ્રકાશમાન, અજન્મા, ઉપદ્રવરહિત, સર્વદા, સઘળું કરવાની શક્તિવાળા સર્વરૂપ અને મહેશ્વર એવા એક શાંત પરમાત્મા જ અવશેષ રહ્યા હતા.
તેમનાં સ્વરૂપને ઈન્દ્રિયો પહોંચી શકતી નથી.
મુક્તલોકો તેમનો પ્રત્યક્ષ અનુભવ કરે છે.
તેમનાં આત્મા આદિ નામો સ્વાભાવિક નથી પણ આરોપિત ધર્મોથી કલ્પી કાઢેલાં છે.
સાંખ્ય તેમને પુરૂષ કહે છે.
વેદાંત તેને જ બ્રહ્મ કહે છે, વિજ્ઞાનવાદીઓ તેને ક્ષણિક વિજ્ઞાનરૂપ, શૂન્યવાદી તેને શૂન્ય કહે છે.