ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૮
અર્થાત્ દેહનાં અભિમાનને છોડી દીધું.
આમ તે ચિદાકાશમાં સ્થિતિ પામી.આગળ કુમારિકા સ્વરૂપે પધારેલાં સરસ્વતીનાં દર્શન પૂજન કરીને પ્રણામપૂર્વક પૂછ્યું.આ જગત નામમાં પદાર્થનો અરીસો આકાશ કરતાં પણ અત્યંત નિર્મળ છે અને તેનાં સ્વરૂપમાં કરોડો યોજનો પણ એક નાના સરખાં અવયવરૂપ છે.
તે વાણીથી અગમ્ય છે, પ્રકાશમય છે, મૂર્તિરહિત હોવાને લીધે મૃદુ અને સુશીલ છે.
નામથી અખંડ ચૈતન્ય કહેવાય છે, ભેદથી રહિત છે અને સઘળાં વ્યવહારોમાં પહેલાંથી સ્ફૂરનાર છે.
દિશાઓ, કાળ, સઘળાં કાર્યોની ઉત્પત્તિ, તેમને રહેવાનો અવકાશ તેમનાં પ્રકાશ અને વ્યવહારના ચોક્કસ નિયમો એ બધાં અત્યંત વિસ્તીર્ણ વિચિત્રપણાને પામીને તેની અંદર પ્રતિ.બિબંની પેઠે સ્ફૂરે છે.
એ ચૈતન્યરૂપ અરીસાની બહાર અને અંદર સૃષ્ટિ રહેલી છે.
એમ સમાધિથી મારા અનુભવમાં આવ્યું છે,.
તો એ બે સૃષ્ટિઓમાં ખોટી સૃષ્ટિ કઈ છે અને ખરી સૃષ્ટિ કઈ છે ?દેવી બોલ્યા : તને શું લાગે છે ? લીલા બોલી આ હું અને તમે અહીં બેઠા છીએ તે સાચી સૃષ્ટિ છે એમ હું જાણું છું હે દેવી \! મારા પતિ હમણાં જ સૃષ્ટિમાં છે તે ખોટી સૃષ્ટિ છે એમ માનું છું તે પુરતાં દેશકાળ વિનાની છે.દેવી બોલ્યા : એ નવી સૃષ્ટિ પણ કારણ વિનાની તો હોય જ નહિ માટે તેના કારણ વિષે વિચારતાં બીજું કોઈ પણ કારણ નહીં મળવાથી આ જુની સૃષ્ટિ ને જ અકારણરૂપ માનવી પડે છે.
હવે આ જુની સૃષ્ટિ સાચી હોય તો પછી તેમાંથી કદીપણ ખોટી સૃષ્ટિ ઉત્પન્ન થાય નહીં.
કારણ કે કાર્ય કયારેય કારણથી અસમાન ઉત્પન્ન થાય નહીં.લીલા બોલી : કારણથી કાર્ય અત્યંત વિલક્ષણ થતું જોવામાં પણ આવે છે.
જેમ કે માટી જળને ધારણ કરવા અશકત છે.
પણ માટીથી ઉત્પન્ન થયેલો ઘડો જળને ધારણ કરવા સમર્થ છે.દેવી બોલ્યા : જે કાર્ય બીજાં નિમિત્ત કારણોની સહાયતા થી ઉત્પન્ન થયેલાં હોય છે.
તેમાં નિમિત્ત કારણને લીધે કાંઈક વિચિત્રતા થતી જોવામાં આવે છે. (માટીરૂપ ઉપાદાન કારણમાંથી આકડા આદિ બીજાં નિમિત્ત કારણોની મદદથી ઘડો ઉત્પન્ન થાય છે.
આથી ઘડામાં માટીથી કાંઈક વિલક્ષણતા દેખાય છે.
પણ એક દિવામાંથી બીજા દીવાની પેઠે જે કાર્યના ઉપાદાન અને નિમિત્ત જુદા ન હોય પણ એક જ હોય તે કાર્ય કારણથી વિચિત્રતાવાળું હોતું નથી આ જુની સૃષ્ટિમાંથી જે નવી સૃષ્ટિ થઈ છે.
તેનું ઉપાદાન પણ જુની સૃષ્ટિ છે અને નિમિત્ત પણ જુની સૃષ્ટિ છે.
માટે નવી સૃષ્ટિ જુની સૃષ્ટિથી વિલક્ષણ હોવી જોઈએ નહીં.
આમ છે એટલા માટે જુની કે નવી બંને સૃષ્ટિ મિથ્યા જ છે.
આ જુની સૃષ્ટિનાં અનુભવનાં સંસ્કાર માત્રથી જ નવી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે.
તે કારણરૂપ સંસ્કારભાવને સહાયક અન્ય કોઈ નિમિત્ત કારણો છે જ નહીં.
આમ ન હોવા છતાં પણ જે નિમિત્ત કારણો હોવા જ જોઈએ એવો આગ્રહ હોય તો સંસ્કારમાત્રને નિમિત્ત કારણરૂપ માની લે.
આવા કાર્યોમાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ જુદા હોતાં જ નથી.લીલા બોલી : હે દેવી મને મારા ભર્તાનું જે સ્મરણ છે.
(અનુભવનો સંસ્કાર છે.) તે જ વૃદ્ધિ પામીને પતિની નવી સૃષ્ટિનું કારણ થયેલ છે એટલે એ સ્મૃતિથી જ એ નવી સૃષ્ટિ થઈ એવો મને નિશ્ચય થયો.દેવી બોલ્યા : જેમ તારો એ સંસ્કાર કલ્પનારૂપ છે, તેમ તેથી થયેલી એ નવી સૃષ્ટિ પણ કલ્પનારૂપ જ છે.
આમ બંને કલ્પનારૂપ જ છે.દેવી બોલ્યા : હવે જે તને નિશ્ચય થયો તે સાચો છે.પૂર્વ જન્મની દૃઢતા :દેવી બોલ્યા : અવિદ્યા વિના સૃષ્ટિનું બીજું કાંઈ પણ સ્વરૂપ નથી.
હું તું અને બ્રહ્માંડ એ સઘળાં કેવળ ચિદાકાશરૂપ જ છીએ.
ચિદાકાશના એક એક પરમાણુની અંદર આવાં અનેક બ્રહ્માંડો છે.
હૃદયાકાશમાં જેમ દેશની લંબાઈ નથી તેમ કાળની લંબાઈ પણ નથી જ.
જેમ આ જગતની સૃષ્ટિ પ્રતિભાસ માત્ર જ છે તેમ ક્ષણ, અને કલ્પ વગેરે પણ પ્રતિભાસ માત્ર જ છે.
તું પણાનાં તથા હું પણાનાં અધ્યાસ ને લીધે જેમને પોતાનો જન્મ થયાની ભ્રાંતિ છે, તેમને જ ક્ષણ અને કલ્પ વગેરે સઘળું જગત ભાસે છે.
હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ સાંભળ.જીવ ક્ષણમાત્રમાં પોતનાં મિથ્યા મરણરૂપી મૂર્ચ્છા નો અનુભવ કરીને આગલા ભાવને ભૂલી જાય છે.
અને બીજાં ભાવને દેખે છે.
એ બીજા ભાવનો પ્રતિભાસ થાય છે એટલે પોતે દેહ આદિ આધારથી રહિત છતાં પણ પોતાનાં હૃદયાકાશમાં જ હું આ દેહ આદિ આધારમાં આધેયરૂપ રહ્યો છું એવો અનુભવ કરે છે.
આમ તે આ હાથ-પગ આદિ વાળો દેહ મારો છે એમ જુએ છે.
દેહનો અધ્યાસ થતાં જ ‘હું આ પિતાનો પુત્ર છું, મને આટલાં વર્ષ થયા.
આ મારા સુંદર ભાઈઓ છે.
આ મારું સુંદર ઘર છે, હું જન્મ્યો છું એ સઘળું જોવામાં આવે છે.
દેહરૂપ થયેલ ચિત્તનાં અને આ ભાઈઓ વગેરે પદાર્થો સંબંધ વિનાના જ છે.
તો પણ તે પોતાની સાથે સંબંધ ધરાવનારા ભાસે છે.
આ પ્રમાણે જીવનાં ચિત્તમાં સંસારરૂપી ખંડ ઉદય પામ્યો છે, પણ સ્વાભાવિક રીતે કાંઈપણ ઉદય પામ્યું નથી.
જીવ શુદ્ધ ચિદાકાશ સ્વરૂપ જ છે.
જેમ સ્વપ્નમાં જે દૃષ્યમાં ચૈતન્ય છે.
તે જ દૃશ્યમાં પણ ચૈતન્ય છે.
તેમ જાગૃતમાં પણ જે દૃષ્ટામાં ચૈતન્ય છે તે જ દૃશ્યમાં પણ ચૈતન્ય છે.
કારણ કે એક ચૈતન્ય જ સર્વરૂપે પ્રતીત થાય છે.ચૈતન્ય જેમ સ્વપ્નમાં બીજા પ્રકારથી પ્રતીત થાય છે, તેમ પરલોકમાં ત્રીજા પ્રકારથી પ્રતીત થાય છે અને પરલોકમાં જેમ તે ત્રીજા પ્રકારથી પ્રતીત થાય છે.
તેમ આ લોકમાં તે ચોથા પ્રકારથી પ્રતિત થાય છે.
એટલે સઘળી સ્થિતિઓમાં ચૈતન્ય તો એક જ છે.
જેમ તરંગો જળથી જુદાં નથી તેમ સ્વપન પરલોક અને આલોક ચૈતન્ય થી જરા પણ જુદાં નથી.
આથી જગત ઉત્પન્ન થયું જ નથી અને ઉત્પન્ન થયું નથી તેથી નાશ પણ પામવાનું નથી.જગત પોતાનાં સ્વરૂપથી જ કાંઈ છે જ નહીં.
જે પ્રકાશે છે તે જ ચૈતન્ય જ પ્રકાશે છે.
જેમ દૃશ્યો વિનાનું ચૈતન્ય પરબ્રહ્મ છે, તેમ દૃશ્યોવાળું ચૈતન્ય પણ પરબ્રહ્મ જ છે.
ચૈતન્ય પોતાનાં સ્વભાવથી જરા પણ ભ્રષ્ટ થયા વિના જ જાણે દૃશ્યપણાને પામેલ હોય તેમ પ્રતીત થાય છે.
આમ દૃશ્ય પદાર્થ છે જ નહીં.
તો પછી‘આ દૃષ્ટા અને આ દૃશ્ય’ એવો વિભાગ જ કેમ હોય ?જીવને મરણરૂપે મોહ થયા પછી નિમેષ માત્રમાં જ દેશ, કાળ, આરંભ, ક્રમ, જન્મ, માતા, પિતા, સંતાનો, અવસ્થા, સમજણ, સ્થાન, ચેષ્ટા, બંધુઓ, સેવકો, અસ્ત અને ઉદય ઈત્યાદિની વાસનાઓને અનુસરતી બ્રહ્માંડરૂપી દૃશ્ય સર્ગની શોભા નજરે પડવા માંડે છે.
જીવ તો ચૈતન્ય સ્વરૂપ જ છે તે પોતે જન્મેલો નથી છતાં પણ હું જન્મેલો છું એવું ધારી લે છે, તેથી તે દેશ, કાળ, ક્રિયાઓ, દૃશ્યો મન બુદ્ધિ અને ઈન્દ્રિયો આદિને જુએ છે.જો કે આ પ્રમાણે દૃષ્ટિ સૃષ્ટિ હોવાથી મુઆ પછી તુરત જ પોતાનું શરીર યુવાન દેખવામાં આવ્યું હોય, તો પણ પુષ્પ પછી જેમ ફળનો ઉદય થાય છે, તેમ પાછળથી ‘આ મારી માતા છે, આ મારો પિતા છે અને હું બાળક હતો’ ઈત્યાદિ અનુભવેલો અને નહીં અનુભવેલો વાસનામય ક્રમ ઉદય પામે છે.
તથા નિમેષમાત્રમાં કલ્પ જેવડો મોટો કાળ જતો રહ્યાની પ્રતીતિ થાય છે.
હરિશ્ચંદ્રને એક રાત્રિમાં બાર વર્ષ નીકળી ગયાંની પ્રતીતિ થઈ હતી.
આજે પણ જેને પ્રિયજન નો વિયોગ થયાનાં એક દિવસ પણ એક વર્ષ જેવડો થઈ પડે છે.સ્વપ્નમાં હું તરી ગયો, હું જન્મ્યો અને અમુક મારા પિતા છે, એવા ન ભોગવેલાં ભાવો ભોગવેલાંપણાંની મિથ્યા પ્રતીતિ થાય છે.
વળી જાગ્રતમાં બાળક આદિ મુગ્ધ લોકોનો ભોગવામાં આવેલાં ભાવોમાં પણ નહીં ભોગવેલાંપણાની મિથ્યા પ્રતીતિ થાય છે.
તે જ પ્રમાણે જીવોને સંસાર સંબંધી સઘળી પ્રતીતિઓ મિથ્યા જ થાય છે.
જેમ મધપાન અને સ્વપ્ન સંબંધી ભ્રમના સમયમાં જે શૂન્ય હોય છે તે પણ ભરપૂર લાગે છે.
દુઃ ખો પણ ઉત્સવરૂપ અને હાનિપણ લાભરૂપ લાગે છે, તેમ જીવો તે જગતરૂપી ભ્રમનાં સમયમાં કેવળ ચૈતન્ય પણ દૃશ્યોથી ભરપૂર જ લાગે છે, વ્યવહારરૂપ દુઃખો પણ સુખરૂપ લાગે છે અને સ્વરૂપની ભૂલ પણ અનુકૂળ લાગે છે.જેમ મરીનાં બીજનાં કણમાંની તીખાશ તે બીજથી અભિન્ન જ રહેલી છે.
અને સ્તંભમાં વણકોતરેલી પૂતળીઓ તેનાથી અભિન્ન જ રહેલી છે તેમ જે ચૈતન્ય બ્રહ્મમાં આ સઘળું દૃશ્ય તેથી અભિન્ન જ રહેલ છે, અને અભિન્ન હોવાને લીધે શાંત જ છે.
તે બ્રહ્મ ચૈતન્યમાં સાચો મોક્ષ કેવો હોય અને શા કારણથી હોય ? છે જ નહીં.દેવી બોલ્યા : જેમ આંખો ઉઘાડવાથી તુરત જ સઘળાં રૂપો પૂરી રીતે પ્રતીત થાય છે તેમ જીવને મરણરૂપ મોહ થયા પછી તુરત જ અનેક જગત પ્રતીત થાય છે.
દિશાઓ કાળ, વ્યવહારો, આકાશ, સ્વર્ગાદિક અને ઘર આદિ પદાર્થો પણ અનંત સ્ફૂરે છે.
જેમ સ્વપ્નમાં પોતાનાં મરણની પોતાને પ્રતીતિ થાય છે તેમ જીવને સંસારમાં જે કાર્યો અનુભવાયેલાં કે દેખાયેલાં પણ હોય તે કાર્યોમાં પણ ‘મેં કર્યા’ એવી પ્રતીતિ થાય છે.
આ પ્રમાણે ચિદાકાશની અંદર માયારૂપી આકાશમાં અનંત ભ્રાંતિઓ સ્ફૂરે છે.
આ જગત નામની નગરી ભીંત વગર જ ચિતરાયેલી છે, માટે કલ્પનામાત્ર છે. ‘આ જગત છે અને સૃષ્ટિ છે.’ એ રીતે વાસના જ સ્ફૂરે છે અને એ વાસના સમીપમાં દૂરપણાનો અને ક્ષણમાં કલ્પપણાનો વિપરીત ભ્રમ કરે છે.
એક અનુભવેલાં વિષયોની અને બીજા નહિ અનુભવેલાં વિષયોની એમ બે પ્રકારની વાસના છે.
એ વાસના ચૈતન્યરૂપે રહેલી અને પૂર્વનાં કારણોથી રહિત છે.
સ્વપ્નમાં, ભ્રમમાં બીજાનાં પિતા પોતાનાં પિતાની વાસનારૂપે થાય છે, તેમ આ સંસારમાં નહીં અનુભવેલાંમાં પણ અનુભવેલાપણાંની વાસના કોઈ સમયે ઉદય પામે છે.
કોઈ સમયે વાસના વિના જ જગતનો અનુભવ થાય છે.
દા.ત.
બ્રહ્માને પૂર્વની વાસના વિના જ જગતનો ક્રમ વગરનો અનુભવ થાય છે.જગતનું જે અત્યંત વિસ્મરણ થાય છે તે જ મોક્ષ કહેવાય છે અને મોક્ષની એ સ્થિતિમાં કોઈને કોઈ પ્રિય-અપ્રિય રહેતું નથી.
તેમજ બીજાં કોઈ પદાર્થો પણ રહેતાં નથી.
અહંકાર અને જગતનાં નિદાનરૂપ અવિદ્યાનો અત્યંત અભાવ થયાં વિનાં મોક્ષ ઉદય પામતો નથી.
જો કે તે સ્વાભાવિક રીતે વિદ્યમાન છે.
જ્યાં સુધી રજ્જુમાં સાપનો અભાવ સમજાય નહીં ત્યાં સુધી સાપ નો ભય રહ્યા જ કરે છે, તેમ બ્રહ્મરૂપ જગતમાં જ્યાં સુધી તે જગતનો અત્યંત અભાવ સમજાય નહીં ત્યાં સુધી તે ટળતું નથી.સમાધિમાં જગત શાંત થવાની આશા રાખવી જ નહીં, કારણ કે સમાધિમાં જગતની પૂરી શાંતિ થતી નથી.
પણ અર્ધી શાંતિ થાય છે.
તેથી જેમ મૂર્ખને એક પિશાચનાં અને પાછો તેવો તે તેવો જ પિશાચ જોવામાં આવે છે.
તેમ વ્યુથાનકાળમાં મનુષ્યને પાછું તેવું તે તેવું જ જગત જોવામાં આવે છે.આ જે વિસ્તીર્ણ સંસાર છે તે બ્રહ્મ જ છે એવો નિશ્ચય છે.
જગત અવિધાને લીધે જ ભાસે છે.
એ અવિધા નો બાધ થયા પછી પણ અનુવૃત્તિને (પુનરાત્તિને) લીધે જો જગત સ્ફૂરે.
તો તે મિથ્યા જોયેલું હોવાને લીધે બંધન કરનાર થતું નથી.બ્રહ્માને તો પોતાનો દેહ વગેરે વાસના વિના જ દેખાય છે, કારણ કે પહેલાંનો બ્રહ્મા મુક્ત થઈ ગયેલો છે.
તેથી તેની વાસના હમણાંના બ્રહ્માને હોવી સંભવિત નથી.
એટલાં માટે વાસનાઓ વિના એકલું ચૈતન્ય જ બ્રહ્મા આદિ રૂપે વિવર્ત પામે છે એમ સમજવું.
ચૈતન્યનો એવો સ્વભાવ જ છે.
કાકતાલીય ન્યાયથી કોઈ પ્રતિભાસમય બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને તે માને છે કે ‘આગળનાં બ્રહ્માથી હું બીજો બ્રહ્મા થયો છું.’જગતની ઉત્પત્તિ આ પ્રમાણે છે.
માટે કોઈપણ પ્રદેશમાં કોઈપણ કાળમાં કાંઈપણ ઉત્પન્ન થયું નથી.
કેવળ ચિદાકાશ જ છે એ વિના બીજું કશું જ નથી.
અનુભવથી થયેલી અને અનુભવ વિના થયેલી બે પ્રકારની વાસના માયાવિશિષ્ટ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે.
શુદ્ધ બ્રહ્મમાં તો કાર્યકારણભાવ આદિ ભેદનો અંશ પણ નથી.
કાર્યો, ઉપાદાન કારણો અને નિમિત્ત કારણો એમાનું કાંઈપણ શુદ્ધ બ્રહ્મમાં નથી, કારણ કે તેનો બાધ તાય છે પણ સર્વ કલ્પનાનાં અધિષ્ઠાન રૂપ શુદ્ધ બ્રહ્મનો બાધ થતો નથી.
જગતના કારણરૂપ જે વાસના છ ેતે પણ બ્રહ્મનો વિવર્ત જ છે માટે જગત અને વાસના કહેવા માત્ર જ છે.
વાસ્તવિક નથી.
આ પ્રમાણે જગત આદિ કાંઈ પણ ઉત્પન્ન થયું જ નથી, કેવળ શુદ્ધ બ્રહ્મ જ છે અને તે પોતાનાં સ્વરૂપમાં જ રહેલ છે.આગળ દેવી બોલ્યાં, તું પરમ પવિત્ર કારણ બ્રહ્મપણાનું ગ્રહણ (સમાધિ) કરી, આ દેહને ભૂલી જઈને નિર્મળ થા.
એટલે જેમ પૃથ્વીમાં રહેલાં માણસનો સંકલ્પ આકાશના અંતઃપૂરને પ્રાપ્ત થાય છે.
તેમ તું ચિદાકાશમાં રહેલાં માયાકાશરૂપ તે સર્ગને પ્રાપ્ત થઈશ.
તું આ દેહનાં અભિમાનને છોડી દે તો આપણે સાથે તે સર્ગ જોઈએ.
તેનાં દર્શનમાં આ સ્થૂળ દેહ મોટી અડચણરૂપ છે.લીલા બોલી : હે દેવી \! આ સ્થુળદેહથી શા માટે આ બીજાં સર્ગમાં જવાય નહીં ? એ વિષયમાં જે યુક્તિ હોય તે અનુગ્રહ કરીને કહો.દેવી બોલ્યા : જેમ સોનાને તમે વીંટીરૂપે સમજો છો.
તેમ આ નિરાકાર બ્રહ્માંડોને તમે અજ્ઞાનથી સાકાર સમજો છો.
અહીં બ્રહ્મ જ જગતરૂપ છે, તો પણ તેમાં જગતપણું નથી.
જે દેખાય તે બ્રહ્મ જ છે.
બ્રહ્મમાં માયાની કલપ્ના કરવામાં આવે છે.
આ પ્રપંચ મિથ્યા છે અને જે જીવ છે તે અને અદ્રવ્ય અને સત્યરૂપ બ્રહ્મ જ છે આ વિષયમાં ઉપનિષદો, ગુરુઓ અને અનુભવ પ્રમાણ છે.
જીવ બ્રહ્મ જ છે અને તે બ્રહ્મને જાણે છે, જે બ્રહ્મન હોય તે બ્રહ્મને જાણી શકે નહીં.
જે બ્રહ્મ છે તે જ સૃષ્ટિ બનીને નામરૂપે વિવર્ત થયેલ છે.
બ્રહ્મમાં આવો વિવર્ત થવાનો સ્વભાવ જ છે.
કોઈપણ નિમિત્રક કારણો ન હોવાથી જગત ને કાર્યપણું કે બ્રહ્મને કારણપણું છે જ નહીં.
જ્યાં સુધી દૃઢ અભ્યાસ વડે તારી ભેદબુદ્ધિ ટળી નથી ત્યાં સુધી જ તું બ્રહ્મરૂપ નથી અને બ્રહ્મ ને દેખતી નથી.
અમે દૃઢ અભ્યાસથી જ બ્રહ્મરૂપ થયેલાં છીએ.
તેથી અમે તે શુદ્ધ બ્રહ્મને જોઈ શકીએ છીએ.
હું આ દેહથી જ એ પરમપદને મારા અંતરમાં જોઉં છું.
ચિત્તની શુદ્ધિ થયેલાં યોગ્ય એવાં બ્રહ્મા આદિ પણ તેજ પ્રમાણે જુએ છે.વાસ્તવિક સત્તાથી બ્રહ્મરૂપ આ જગત સઘળું બ્રહ્મનાં એક દેશમાં રહ્યું છે.
અભ્યાસ ન હોવાથી તારો આકાર બ્રહ્મરૂપ થયો નથી, પણ અંતઃકરણમાં ચિદાભાસરૂપે જ રેહલાં છે, તેથી તું બ્રહ્મને કે પૂર્વસૃષ્ટિને જોતી નથી.માટે આ દેહનું વિસ્મરણ કરીને લિંગદેહરૂપ થઈ તે તું તારી પૂર્વસૃષ્ટિને જોઈ શકીશ.
જ્યારથી બ્રહ્મની સૃષ્ટિ થઈ છે અને જગતરૂપ ભ્રાંતિ ઉઠી છે, ત્યારથી એવો જ દૃઢ નિયમ બંધાયો છે કે સંકલ્પરૂપ થયા વિના સંકલ્પિત સ્થાનમાં પહોંચાય જ નહીં.
મારો દેહ આકારમાત્ર જ છે અને તે વાસ્તવિક રીતે બ્રહ્મસ્વરૂપ જ છે.
આ મારો દેહ બ્રહ્મથી જરાક જ જુદો પડે એવો છે.
એટલા માટે હું આ દેહને છોડીને નહીં આવું, પણ જેમ વાયુ ગંધમાં પહોંચે છે તેમ હું આ દેહથી જ તે પ્રદેશમાં પહોંચીશ.
જેમ જળની સાથે જળ, અગ્નિની સાથે અગ્નિ અને વાયુની સાથે વાયુ મળી જાય છે, તેમ આ મારો દેહ મનોમય દેહોની તથા તેનાં જેવી બીજી વસ્તુઓની સાથે મળી જાય એમ છે.
તારો દેહ પૃથ્વીનાં વિકારરૂપ સર્જાયેલો છે.
તેથી તારો દેહ મારા ચૈતન્યરૂપ દેહ સાથે સંયુક્ત થઈને ત્યાં આવી શકે તેમ નથી.
જો કે તારો દેહ વાસ્તવમાં મનોમય જ છે તો પણ લાંબાકાળની ભાવના થી તું એને પૃથ્વી આદિનાં ભૂતોનાં વિકારરૂપ સમજી બેઠી છે.
જ્યારે સમાધિનાં અભ્યાસથી તારી વાસનોઓ ક્ષીણ થઈ જશે ત્યારે તારા સ્થુળદેહમાં પાછું મનોમયપણું પ્રાપ્ત થશે.લીલા બોલી : મનોમય દેહપણાની પ્રતીતિ દૃઢ થઈ જાય ત્યારે આ સ્થુળ દેહ મનોમય થઈ જાય છે કે પછી નાશ પામી જાય છે. ?સૃષ્ટિનાં આરંભમાં જ્યારે પહેલો સંકલ્પ ઉઠવાની કલ્પના થઈ, ત્યારે ચૈતન્ય મનોમય દેહરૂપ જ થયું હતું.
પણ ત્યારથી માંડીને જેમ જેમ સ્થૂળતા કલ્પાવી જાય છે તેમ તેમ ચૈતન્ય ભ્રાંતિથી પોતાને દૃશ્યરૂપ જોતું આવે છે.લીલા બોલી : પરમતત્ત્વરૂપ એક જ ચૈતન્ય અત્યંત શાંત છે અને દિશાઓ અથવા કાળ વગેરે વિભાગોથી રહિત છે તેમાં પહેલી કલ્પનાને પણ ક્યાંથી અસવર મળ્યો ?દેવી બોલ્યા : જેમ સુવર્ણમાં કડાપણું નથી, જળમાં તરંગપણું નથી તેમ બ્રહ્મમાં કલ્પના પણ નથી જ.
કારણ કે બ્રહ્મ નિર્મળ હોવાથી તેમાં કલ્પનાનો ભાગ આવે તેમ નથી જ.
બ્રહ્મ તો વિષયોથી રહિત છે, શાંત છે, એકજ છે, સ્વતઃ સિદ્ધ છે અને વ્યાપક છે.
જોવામાં આવતું જે કાંઈ આ જગત છે, તે પરબ્રહ્મનો ચકચકાટ જ છે અને તે શુદ્ધ જ છે.લીલા બોલી : આટલાં બધાં લાંબાકાળ સુધી કોણે આપણને આ સઘળાં દ્વૈત અને અદ્વૈતની કલ્પનાઓ થી ભમાવ્યા છે ?દેવી બોલ્યા : તને તમારા અવિચારો એ જ લાંબાકાળ સુધી ભમાવી છે અને વ્યાકુળ કરી છે.
એ અવિચાર સ્વાભાવિક રીતે ઉઠ્યો છે અને તે વિચારથી નાશ પામે છે.
અવિચારો વિચાર વડે પલકવારમાં નાશ પામે છે તે પણ બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળો નથી, એટલે બ્રહ્મમાં એ અવિચારરૂપ અવિધા છે જ નહીં આથી અવિચાર નથી, અવિધા નથી, બંધન નથી કે મોક્ષ પણ નથી.
જે જગત છે તે બાધરહિત અને શુદ્ધ બોધરૂપ બ્રહ્મ જ છે.આટલાં કાળથી તે આ વિચાર કર્યો નથી, તેથી તું સમજી નથી, ભમેલી રહી છે અને વ્યાકુળ જ રહી છે.
હવે તારા ચિત્તમાં વાસનાઓની અલ્પતારૂપ મુક્તિનું બીજ પડી ચુક્યું છે.
એટલે તું આજથી સમજી છે મુક્તિને યોગ્ય થઈ છે અને વિવેકવાળી થઈ છે.
આ સંસાર નામનું દૃશ્ય મુદ્દલ ઉત્તપન્ન થયું જ નથી.
માટે તેની વાસના પણ શી હોય ? અને તારે તે વાસનાઓ થી સંયુક્ત થવાનું પણ શું હોય ?પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય આ ત્રણનો અત્યંત અભાવ થાય અને મનમાં નિર્વિકલ્પ સમાધિરૂપ એક પરબ્રહ્મનું જ અનુસંધાન દૃઢ થાય, ત્યારે વાસના કશી વસ્તુ નથી.
તારા હૃદયમાં વાસનાઓનાં ક્ષયરૂપ આ વિચાર કાંઈક અંકુચિત થયો છે, તો હવે અનુક્રમે કરીને રાગ-દ્વેષ આદિ વાસનાઓ ઉદય પામશે નહીં.
હવે આ સંસારનો સંભવ નિર્મૂળ થઈ જશે, અને પરમનિર્વિક્લપ સમાધિ અત્યંત સ્થિર થઈ જશે.