ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૯
તું હવે નિર્વિકલ્પ સમાધિને લીધે કેટલાક કાળે માયા અને માયાના કાર્યોનાં અધિષ્ઠાનરૂપ નિર્મળ આત્માનાં અવલંબનથી, ભ્રાંતિરૂપ કાળાશ થી રહિત થઈ જઈશ અને તેનાં સંસ્કારથી પણ રહિત થઈને તું સર્વ પ્રાણીઓની ભ્રાંતિઓનાં તે ભ્રાંતિઓની વાસનાઓના અને તે વાસનાઓનાં કારણરૂપ અવિધાનાં છેડારૂપ એ મોક્ષ તે પ્રાપ્ત થઈશ.વાસનાઓને અલ્પ કરવાનો ઉપાય અને અભ્યાસ :દેવી બોલ્યા : જેમ ‘સ્વપ્ન છે’ એમ સમજાયાથી સ્વપ્નનો દેહ અનુભવમાં આવેલો છતાં પણ શાંત થઈ જાય છે, તેમ વાસનાઓ ક્ષીણ થવાથી સ્થૂળ દેહ અનુભવમાં આવેલો હોવા છતાં શાંત થઈ જાય છે.
જેમ સ્વપ્નનાં જ્ઞાનથી સ્વપ્નનો દેહ ટળી જાય છે, તેમ વાસનાઓ ક્ષીણ થવાથી જાગૃતનો દેહ પણ ટળી જાય છે.
જાગ્રતનાં સ્થુલ દેહનાં અહંભાવનો અંત થાય છે ત્યારે મનોમય દેહ ઉદય પામે છે.
સ્વપ્નમાં વાસનાનાં બીજ નો ઉદય બંધ થાય છે ત્યારે સુષુપ્તિ પ્રાપ્ત થાય છે.
જાગ્રતમાં જ્યારે સઘળી વાસનાઓનું બીજ બાધિત થાય છે ત્યારે જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.
જીવન્મુક્ત લોકોની જે વાસનાઓ જોવામાં આવે છે તે વાસના નથી પણ સત્તાસામાન્યરૂપ શુદ્ધ બ્રહ્મ જ એ ‘વાસના’ નામથી કહેવાય છે.
જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે તેવી નિંદ્રા સુષુપ્તિ કહેવાય છે.જેમાં સઘળી વાસનાઓ ક્ષીણ થઈ જાય છે, તે સ્થિતિ તુરીયાવસ્થા કહેવાય છે.
અને પરબ્રહ્મ જાણવામાં આવે તો એ તુરીયાવસ્થા જાગૃતમાં પણ થાય છે.
જેમાં જીવતાં માણસોની વાસનાઓ ક્ષીણ થઈ હોય છે.
તેવી જીવનની સ્થિતિ જીવનમુક્ત દશા કહેવાય છે.
અને તે દશાને અમુક પુરુષો જાણતાં પણ નથી.
જો ચિત્ત સમાધિથી પરબ્રહ્મમાં લાગીને પાતળી વાસનાઓ વાળું થાય છે.
તો જેમ હિમ તાપથી પીગળીને જળપણું પામે છે તેમ તે સ્થુલરૂપ છોડી દઈને સુક્ષ્મરૂપ થઈ જાય છે.
જે મન આત્માનાં પ્રબોધથી સુક્ષ્મતા પામેલું હોય છે.
તે મન બીજી સૃષ્ટિઓમાં તથા બીજા જન્મમાં રહેલાં બીજાં ચિત્તોની સાથે અને દેવ આદિનાં શરીરોની સાથે મળી જાય છે.
પણ તે સિવાયનું બીજું મન એમ મળી શકતું નથી.જ્યારે દૃઢ અભ્યાસથી તારો અહંભાવ શાંત થશે ત્યારે તેમ વિસ્તીર્ણ અને દૃશ્યમાત્રનાં છેડારૂપ એવું બોધપણું આપોઆપ પ્રાપ્ત થશે.
જ્યારે તારું સુક્ષ્મપણાનું જ્ઞાન અવિચલ સ્થિતિને પ્રાપ્ત થશે ત્યારે તું સર્વ લોકોને સંકલ્પથી અદૂષિત અને પરમ પવિત્રતાવાળા જોઈશ.આથી તું વાસનાઓને અલ્પ કરવાનો યત્ન કર.
તારો એ યત્ન દૃઢ થશે એટલે તું જીવનમુક્ત થઈશ.
અપાર શીતળતાવાળો આ બોધ જ્યાં સુધી થયો નથી, ત્યાં સુધી તું આ સ્થુળદેહને અહીં રાખીને બીજા લોકને જો.
વ્યવહારિક કાર્યોમાં માંસમયદેહ સાથે જ સંયોગ પામે છે.
પરંતુ તે સુક્ષ્મદેહની સાથે સંયોગ પામતો નથી.
આ વાત સિ્દધલોકોનાં અનુભવથી પણ તે સિદ્ધ છે.
આ વાત કઈ વરદાન કે શાપની વાતની જેમ ઠોકી બેસાડેલી નથી.બોધનાં દૃઢ અભ્યાસથી સંસાર સંબંધી વાસનાઓ પાતળી પડી જાય છે અને આ સ્થુળદેહ જ સૂક્ષ્મદેહરૂપ થઈ જાય છે.
જો કે મરણનાં સમયમાં પણ જીવ ને સૂક્ષ્મદેહ પ્રાપ્ત થાય છે.
તો પણ તે દેહ કોઈ જીવતાંનાં કે મુઆ નાં અનુભવમાં આવતો નથી.
કેવળ સ્થુળ દેહ તે જ મરતો જુએ છે.
વાસ્તવિક વિચાર કરીએ તો આ સ્થુળ દેહ પણ મરતો નથી કે જીવતો પણ નથી, કારણ કે કલ્પિત પદાર્થ ને જીવન કે મરણ હોવાનો સંભવ જ નથી.
સ્થૂળ એવા આ દેહમાં પણ જીવન અને મરણ મિથ્યા જ પ્રતીત થાય છે.લીલા બોલી : આપે મને નિર્મળ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે.
હવે વિશેષ ઉપકાર કરીને કહો કે આ જ્ઞાનનો અભ્યાસ કેવો છે ? તે કેવી રીતે કરવો જોઈએ જેથી તે પુષ્ટ થાય અને તેનાથી કેવી સ્થિતિ પ્રાપ્ત થાય.દેવી બોલ્યાં : ગમે તે સમયે પણ માણસ જે જે કાર્ય કરે છે તે કાર્ય અભ્યાસ વિના કદી સિદ્ધ થતું નથી.
જ્ઞાનનું ચિંતન કરવું, જ્ઞાનની વાતો કરવી, નહીં જણાયેલાં અંશ એકબીજાંને સમજાવવા અને જ્ઞાનમાં જ તત્પર રહેવું એને પંડિતો અભ્યાસ કહે છે.
મનમાં ભલાઈવાળા અને વૈરાગ્યવાળા જે મહાત્માઓ સંસારનું બંધન ટાળવા માટે યત્ન પૂર્વક વાસનાઓની ક્ષીણતા કરે છે તેઓ જગતમાં વિજયી છે.
જેમની બુદ્ધિ સર્વ પરિગ્રહનાં ત્યાગરૂપી ઝળકતાં સૌંદર્યવાળા વૈરાગ્યરસથી રંગાયેલી છે.
અને જે આનંદને આપનારી છે તેમને ઉત્તમ અભ્યાસી સમજવા.
જેઓ જ્ઞાન વડે જ્ઞાતા અને જ્ઞેયનો અત્યંત અભાવ કરવામાં યુક્તિઓથી અને શાસ્ત્રોથી યત્ન કરે છે તેમને જ્ઞાનનાં અભ્યાસી જાણવા.
આ દૃશ્ય જગત સૃષ્ટિનાં આરંભમાં મૂળે ઉત્પન્ન થયું જ નથી, અને આ જે દેખાય છે તે તથા જે અહંભાવ રૂપ છે તે કદી પણ છે જ નહીં.
એમ જે ચિંતન કર્યા કરવું એ બોધનો અભ્યાસ છે.દૃશ્યનો બાધ થઈ જતાં રાગદ્વેષ આદિની અલ્પતા થાય છે અને બ્રહ્મવિદ્યાનાં બળથી આત્મરતિ ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનનો અભ્યાસ કહેવાય છે.
દૃશ્યનું બાધિતપણું જાણ્યા વિના રાગ-દ્વેષ આદિ તે જે અલ્પ કરવામાં આવે તેને તપ કહેવાય પણ જ્ઞાન કહેવાય નહીં.દૃશ્યનો અત્યંત અભાવ સમજવો એ જ જ્ઞાન કહેવાય છે અને એ જ બ્રહ્મ છે.
એવા જ્ઞાનથી નિર્વાણ સ્થિતિ પ્રાપ્ત થાય છે.વશિષ્ઠ બોલ્યાં : જ્ઞાની માણસોને તો દેહ કેવળ બ્રહ્મરૂપે જ રહે છે.
જાગ્રતમાં પણ પ્રતીત થતાં પદાર્થોમાં તેનું તત્ત્વ જણાવાથી ક્ષણમાત્રમાં બ્રહ્મરૂપ થઈ જાય છે.
પૃથ્વી વગેરે પદાર્થો બ્રહ્મરૂપે સમજવામાં આવે તો તેઓ બ્રહ્મરૂપે જ અનુભવમાં આવે છે.સ્વપ્નમાં પ્રતીત થયેલી ખોટી સ્ત્રી પણ પગ ચાંપવા આદિ કામ કરે છે, તેમ અજ્ઞાનદશામાં પ્રતીત થયેલું આ ખોટું જગત પણ ક્રિયાઓ કરે છે.
બ્રહ્મ ને જો પૃથ્વીરૂપ સમજીએ, તો તે ક્ષણમાત્રમાં પૃથ્વી આદિ રૂપ થઈ જાય છે.
પરમ ચૈતન્ય આપણાં સમજવા પ્રમાણે વિવર્ત પામે છે, એવો એનો સ્વભાવ છે.
જેમ મુરછામાં પરલોક નહીં છતાં પણ કેટલાકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે તેમ અજ્ઞાનદશામાં જગત નહીં હોવા છતાં પણ તે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે.
અજ્ઞાની બ્રહ્મને જ જગતરૂપ સમજે છે.બ્રહ્મમાં ભાવના પ્રમાણે જ તે તે પદાર્થોનાં આકારો સ્ફૂરે છે અને તે આકારો ઘણાં કાળનાં અભ્યાસથી સ્થુળ પ્રતીત થાય છે.
હે રામ \! અખંડ બોધરૂપી બ્રહ્મ આકાશ કરતાં પણ અત્યંત સુક્ષ્મ છે, અને અત્યંત શુદ્ધ છે.
જેવી રીતે કલ્પના ઉઠે છે તેવી રીતથી તે તુરંત ભાસે છે.
માટે સર્વ બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે, તે સઘળાં બ્રહ્મથી ભિન્ન જ નથી.
ડાબલામાં જેમ સરસવનાં સમુહો રહે છે, તેમ આકાશમાં જ સઘળાં બ્રહ્માંડો રહ્યા છે.
આ ચિદાકાશમાત્ર જ છે એમ જાણી લે.
જેમ સૂર્યની પ્રભામાં અનેક ત્રણરેણુઓ સ્ફૂરે છે તેમ આ મહાચૈતન્યનાં પરમાણું પરમાણુંમાં અનેક બ્રહ્માંડો અવિચ્છિન્ન રીતે સ્ફૂરે છે.
જે પરમ ચૈતન્ય છે તે પોતાનામાં જ આ જગત આદિ રૂપે સ્ફૂરે છે, કારણ કે પૃથ્વી આદિ કોઈપણ વસ્તુઓ સૃષ્ટિનાં આરંભમાં મુદ્દલ ઉત્પન્ન થઈ જ નથી.
ચૈતન્યમાં વિચિત્ર આકારવાળા દિવસ આદિ કાળનાં વિભાગો તથા બ્રહ્માંડાદિ દેશોનાશ પામીને વળી પાછાં થયા કરે છે.
જેમ આકાશને જ હાલવા-ચાલવાનાં યોગથી વાયુરૂપ કલ્પી લેવામાં આવે છે, તેમ આવરણરહિત અને અંતરહિત ચિદાકાશને જ પોતાનાં ચિત્તથી બ્રહ્માંડરૂપ કલ્પી લેવાતું હોય છે.
ચિદાકાશ, સર્વકાળમાં અને સર્વદેશમાં શાંત છે તથા ઉપાધિથી રહિત છે.
તે પોતે જ ચૈતન્યપણાંને લીધે પોતાનાં સ્વરૂપને વિષે જગતરૂપે ભાસે છે.જે મનુષ્ય એનાં તત્ત્વને સમજે છે તેને એ જગત આકાશથી પણ વધારે સત્ય જેવું લાગે છે.
અને જે મનુષ્ય તત્ત્વને જાણતો નથી.
તેને જગત વ્રજ જેવું અને પહાડ જેવું નક્કર લાગે છે.
આમ ચૈતન્યમાં દૃશ્યપણું મિથ્યા છતાં પણ સાચા જેવું પ્રતીત થાય છે.વશિષ્ઠ બોલ્યાં : હે રામ \! આગળ લીલા અને સરસ્વતી સુક્ષ્મ દેહે આકાશમાં ઉડી, પછી મેઘનાં માર્ગે વાયુનાંસ્કંધ પ્રદેશો ઓળંગી સૂર્યનાં માર્ગે, ચંદ્રનાં માર્ગે, ધ્રુવનાં લોકને સાધ્યદેવતાઓનાં માર્ગને, સિદ્ધોનાં માર્ગને, સ્વર્ગલોકને, બ્રહ્મલોકને, વૈકુંઠલોકને, જગતનાં માતાપિતારૂપ શિવ-પાર્વતીનાં લોકને ભેદીને દુર કરતાં ઘણું દુર ગઈ.રસ્તામાં લીલા પોતાનાં અપરિછિન્ન સ્વરૂપને કાંઈક ભૂલીને પાછું વાળીને ઉલ્લંઘન કરીને આવેલાં આકાશ પ્રદેશને જોવા લાગી તો તેને નીચે ચંદ્ર,
સૂર્ય કે તારા કાંઈ પણ જોવામાં આવ્યા નહીં.
કેવળ નિશ્ચલ ગંભીર દિશાઓનાં છિદ્રોને પૂરી દેનારું, પ્રલયકાળનાં સમુદ્રના ગર્ભ જેવું.
શીલાગર્ભ જેવું ઘાટું અંધારું જ દેખાયું.લીલાએ પુછ્યું કે હે દેવી નીચે સૂર્યનું તેજ ક્યાં ગયું ? આવું અંધારું શાથી ?દેવી બોલ્યા : પુત્રી તું આકાશમાં આ દુર દુર પ્રદેશમાં આવી અહીં સૂર્યનાં તેજ દેખાય નહીં.લીલાએ કહ્યું સૂર્ય હવે પરમાણુની પેઠે પણ દેખાતો નથી હવે કેટલે જવાનું છે ?સરસ્વતી બોલ્યાં : આ પ્રદેશ પછી આગળ જતાં બ્રહ્માંડનું ઉપલું પડ આવશે તે પડની રજની કણીઓમાંથી સૂર્ય, ચંદ્ર ઉત્પન્ન થાય છે.આમ વાતો કરતાં કરતાં તે બ્રહ્માંડની ઉપલાં પડમાંથી પસાર થઈ.
જે વસ્તુમાં સાચાપણું સમજાયું હોય તે વ્રજથી અધિક દૃઢ થઈ પડે છે.
પણ જે વસ્તુ મિથ્યા સમજાઈને બાધિત થાય તે દૃઢ લાગતી નથી.
હવે આવરણ રહિત વિજ્ઞાનને પામેલી લીલા એ તો તે પછી બ્રહ્માંડના પારમાં અત્યંત પ્રકાશતાં અનેચારે બાજુ ફરતાં વ્યાપેલા જળ આદિ આવરણો દીઠા.ત્યાં બ્રહ્માંડના પારમાં અત્યંત પ્રકાશતાં અને ચારે બાજુ ફરતાં વ્યાપેલાં જળ આદિ આવરણો દિઠાં.
ત્યાં બ્રહ્માંડથી દસગણું પાણી હતું અને તેનાં પછી જળથી દસગણું અગ્નિનનું તેનાથી દશગણું વાયુનું અને પછી તેનાથી દશ ગણું આકાશનું આવરણ હતું અને એ આકાશ પછી શુદ્ધ ચિદાકાશ હતું.
એ ચિદાકાશમાં મધ્ય આદિ કે અંતની કોઈપણ કલ્પનાઓ વાંઝણીનાં પુત્રની વાતની પેઠે ઉદય પામતી જ નથી.એ ચિદાકાશરૂપ પદ કેવળ છે, શાંત છે, વ્યાપક છે, અનાદિ છે અને ભ્રમરહિત છે.
તે આદિ, મધ્ય, અંતરહિત છે અને પોતાનાં અપરિછિન્ન સ્વરૂપમાં રહે છે.
હે રામ \! એ નિર્મળ આકાશ એવું તો અપરિચ્છિન્ન છે કે ઉપરથી એક શીલા વેગથી એક કલ્પ સુધી પડ્યા કરે અને નીચેથી ગરુડજી મોટા વેગથી કલ્પ સુધી ઉપર ચઢ્યા કરે કે બે બાજુએથી પવન માપવા વાય તો પણ તેનો છેડો પામી શકાય તેમ નથી.વશિષ્ટ બોલ્યા : ત્યાં પૃથ્વી, જળ, તજ, વાયુ અને આકાશનાં આવરણો હતાં અને એ આવરણો એક એકથી દશ દશ ગણાં અધિક હતાં.
લીલાએ તેનું ક્ષણ માત્રમાં ઉલ્લંઘન કર્યું અને તેણે પ્રમાણ વગરનું પરમ આકાશ જોયું તે પરમ આકાશમાં તેણે આ બ્રહ્માંડ જેવાં બીજાં અનંત બ્રહ્માંડો જોયા.
જેમ જાળીઓમાં પડેલાં તડકામાં કરોડો ત્રસરેણુઓ જોવામાં આવે છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યથી સ્ફૂરિત થયેલાં તેવાં જ આવરણોવાળા કરોડો સર્ગો તે આકાશમાં તેને જોવામાં આવ્યા.ચિદાકાશરૂપ સમુદ્રમાં અવિદ્યારૂપ જળ હતાં.
ત્યાં તે તે જીવોની વાસનાઓ અનુસાર કેટલાક બ્રહ્માંડો નીચે ઉતરતાં આવતાં હતાં.
કેટલાંક ઉપર ચઢતાં જતાં હતા.
કેટલાંક આડા જતાં તો કેટલાંક સ્થિર હતાં.
જે જેજીવોની વાસના જે જે બ્રહ્માંડમાં જેવા જેવા પ્રકારથી ઉદય પામી હતી, તે તે જીવોના તે તે બ્રહ્માંડોનું તેવા તેવા પ્રકારનું રૂપ ઉદય પામ્યું હતું.
વાસ્તવિક રીતે કોઈપણ બ્રહ્માંડ ઉંચા કે નીચું નથી, અને કોઈનું જવું-આવવું પણ થતું નથી.
સર્વનાં અધિષ્ઠાનભૂત કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે અને તેની સત્તાથી જ સઘળાં બ્રહ્માંડો સત્તા પામ્યા છે.બાળકોનાં સંકલ્પો ઉઠતાં શાંત તથાં હોય છે તેમજ અવિદ્યાથી ઉઠતાં સંકલ્પો ને લીધે પરમ ચૈતન્ય તે તે બ્રહ્માંડોરૂપે પ્રતીત થાય છે, અને પ્રગટ થઈ થઈને વળી પાછાં શાંત થઈ જાય છે.જેમ અંદારાથી દુષિત થયેલી આંખોવાળાને આકાશમાં ઝીણાં મોવાળાના જેવાં ચકરડાં પ્રતીત થાય છે.
તેમ અજ્ઞાનથી દુષિત થયેલાંઓને અંત વગરના મહાચૈતન્યમાં આવરણવાળા બ્રહ્માંડો પ્રતીત થાય છે.
આ રીતે આકાશમાં ગોળપણું ન હોવા છતાં પણ ચકરડાંઓમાં ગોળપણું પ્રતીત થાય છે, તેમ મહાચૈયતન્યમાં દિશાઓ-વિભાગ ન હોવા છતાં પણ બ્ર્હ્માંડોમાં દિશાઓનો વિભાગ પ્રતીત થાય છે.આ બ્રહ્માંડમાં સર્વ પદાર્થો ઈશ્વરેચ્છાથી આમતેમ દોડ્યા કરે છે.
તે પદાર્થો કંઈ સ્વતંત્ર નથી.
પરમ ચૈતન્યમાં બ્રહ્માંડોરૂપી અનંત ત્રસરેણુઓ જોવામાં આવે છે.
સઘળું દૃશ્ય બ્રહ્મમમાં જ રહ્યું છે, તે બ્રહ્મ થી જ પ્રકટ થાય છે અને બ્રહ્માં જ લય પામે છે.
આ રીતે સર્વ દિશાઓમાં સઘળાં કાળોમાં અને સઘળી વસ્તુઓમાં બ્રહ્મ જ છે, તો પછી એ બ્રહ્મથી મોટો કયો પદાર્થ હોય ? પરમ પ્રકાશમય અને શુધ્ધ બોધમય એ બ્રહ્મરૂપ સમુદ્રમાં ‘બ્રહ્માંડો ’ નામના તરંગો નિરંતર ઉત્પન્ન થઈ થઈને લીન થયા કરે છે.
સંકલ્પનાં ક્ષયથી જ ક્ષય પામનારા એ બ્રહ્માંડોમાં કેટલાં એક તો અંદર ઉજ્જડ છે.
સમુદ્રનાં તરંગો માફક આવા અનંત બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે.
કેટલાકમાં અંદર પ્રલય થાય ત્યારે પ્રચંડ ઘુઘવાટી થાય છે તે સ્વાભાવિક મોહથી ઘેરાયેલાં બીજા લોકોનાં સાંભળવામાં કે જાણવામાં પણ આવતી નથી.
કેટલાક બ્રહ્માંડોમાં ખાલી પડેલી પૃથ્વીઓમાં પાછળથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.
કેટલાક બ્રહ્માંડોમાં સૂર્ય, અગ્નિ, વીજળીઓ અને પર્વતો જગતનો પ્રલય કરીને પોતે પણ પીગળીને નાશ પામવા તૈયાર થાય છે.
કેટલાક બ્રહ્માંડો કલ્પનાં આ આરંભથી જ નીચે જ ઉતર્યા કરે છે.
પણ હજું સુધી તેમને કોઈ આધાર મળ્યો નથી.
ત્યારે કેટલાંક બ્રહ્માંડો વીંખાઈ જઈને પાછા તુર્ત જ ઉત્પન્ન થયા કરે છે.વેદોમાં અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે બ્રહ્માંડો નો પહેલો આરંભ જ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે.
તેથી તેઓમાં બીજા પદાર્થોનો અને શરીરનો આરંભ પણ ક્રમ વગરનો અને નિયમ વિનાનો થયો છે.
તેથી તેઓમાં બીજા પદાર્થોનો અને શરીરનો આરંભ પણ ક્રમ વિનાનો અને નિયમ વિનાનો જ થાય છે.
કેટલાક એક બ્રહ્માંડોમાં બ્રહ્મા આદિ પુરુષ થયેલાં છે.
કેટલાકમાં વિષ્ણુ, કેટલાંકમાં શિવ જ આદિ પુરુષ થયેલાં છે.
કેટલાંકમાં બીજાઓ આદિપુરુષ થયાં છે.
કેટલાકમાં વિચિત્ર આદિ પુરુષ થયેલાં છે કેટલા આદિ પુરુષ વિનાનાં જ છે.આ બધાં અનંત બ્રહ્માંડોમાં કેટલાક દેવતાઓ મનુષ્યો, પશુઓ, એકલાંથી જ ભરેલાં કેટલાક ઘાટા અંધકાર વાળા કેટલાંક સર્વદા પ્રકાશથી ભરેલાં છે.
કેટલાંક બ્રહ્માંડો સ્પંદનરહિત પ્રાણીઓવાળાં જ છે.
આ બધાં જેમ કાંડાને કડું વીટાઈ રહે છે તેમ એકબીજા સાથે તેમનાં આવરણો સહિત વળગેલાં જ છે.બ્રહ્માંડોનાં વર્ણનની અમારી બુદ્ધિની જે શક્તિ હતી તે બધું દેખાડી ચુક્યાં છે.
આથી વધુ જે કાંઈ છે તે વિશે અમારી બુદ્ધિ પહોંચતી નથી.
હે રામ \! હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શક્તિ નથી.
આમ અત્યંત વિસ્તીર્ણ એવા પરમ ચૈતન્યમાં એવી જ રીતે અનેકાનેક મોટાં બ્રહ્માંડો સ્ફૂર્યા કરે છે.સુક્ષ્મદેહનું નિરૂપણ :વશિષ્ઠ બોલ્યાં : લીલા અને સરસ્વતી એ પછી આકાશ છોડી દીધું અને જેમ વાયુની રેખાઓ કમળની કળીમાં પેસી જાય તેમ તેઓ સુક્ષ્મ છિદ્રોમાંથી તે વિદરથ રાજાનાં ઘરમાં પેસી ગઈ.રામ બોલ્યા : હે પ્રભુ \! એમનું ચાર હાથનું સ્થૂળ શરીર તાંતણાં જેવાં ઝીણાં છિદ્રોમાંથી કેમ કરીને તુરંત પેસી શક્યું \!વશિષ્ઠ બોલ્યાં : હે તિત્થયરા \! જેને ‘હું આધિભૌતિક દેહ છું’ એવી ભ્રંતિ હોય તે ઝીણાં છિદ્રોમાંથી જઈ શકે નહિં. ‘મને આણે રોકી રાખ્યો છે અને હું અહીં સમાઈ શકું નહીં.’ એ રીતે જેને લાંબાકાળથી અનુભવ થતો આવ્યો તે જ સુક્ષ્મ છિદ્રોમાં નહીં જઈ શકવાનો અનુભવ કરે છે.
પણ જેણે ‘હું સ્થુળ દેહરૂપ નથી અને તેથી સર્વ સ્થળમાં જઈ શકું છું.’ એવો લાંબાકાળથી અનુભવ કર્યો હોય છે તે ચૈતન્યની તેવી શક્તિવાળો હોય છે.
અધિષ્ઠાન ચૈતન્યના શક્તિ પ્રથમથી જેવી રીતે પ્રવર્તી હોય તેવી ને તેવી રહે છે.
જેમ કે ચૈતન્યની જળરૂપ થયેલી શક્તિ ઉંચી આવતી નથી.
તેમ અગ્નિરૂપ રહેલી શક્તિ નીચે જતી નથી.
જેમ છાયામાં બેઠેલાંને ગરમીનો અનુભવ થતો નથી.
તેમ સંકલ્પમય થયેલાંને સ્થુળદેહ સંબંધી અટકાયત આદિ ક્રિયાઓનો અનુભવ થતો નથી.અધિષ્ઠાન ચૈતન્યનો જે આકાર વિવર્ત થયો હોય છે, તે આકારને જ ચિત્ત અનુસર્યા કરે છે અને અધિષ્ઠાન ચૈતન્ય પણ એ જ આકારે રહે છે.
એ આકારામાં ફેરફાર કરીને બીજા આકાર આપવો હોય તો યોગના અને જ્ઞાનનાં અભ્યાસ આદિ મોટા પ્રયત્નની જરૂર પડે છે.જેમ કે રજ્જુનો સર્પનાં આસાકર થયેલો વિવર્ત બળાત્કારથી રજ્જુનાં તત્ત્વનો નિર્ણય કરવામાં આવે ત્યારે જ બદલાય છે અને તે નિર્ણય ન કરવામાં આવે તો તે જેવો હોય તેવો ને તેવો રહે છે.
તેમ ક્રિયાઓ ચિત્તને અનુસરે છે.જે પુરુષ આકારવાળા જેવો દેખાય છે પણ વાસ્તવિક રીતે નિરાકાર છે.
વાસ્તવમાં સર્વ સ્થળોએ સર્વનાં શરીરો ચિત્ત માત્ર જ છે.
પણ કોઈ માણસને હૃદયમાં તેવા પ્રકારનું જ્ઞાન થાય તો જ તે અનુભવ આવે છે.સૃષ્ટિનાં આરંભથી અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલાં ચિત્તનો સ્વભાવ જ એવો છે.
કે તે જે રૂપે અસ્ત પામવા કે જે રૂપે ઉદય પામવા ધારે છે તે તે રૂપે થઈ શકે છે.
અને પાછળ થી લાંબાકાળનો પરિચય થતાં તે એક પ્રકારનાં દૃઢ અભ્યાસ ને પકડી બેસે છે.
ચિત્ત અને સાક્ષી અધિષ્ઠાનથી જુદાં જ નથી.
કારણ કે એમનો સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી ચિત્તાકાશ, ચિદાકાશ અને ત્રીજું આકાશ એ ત્રણે એકરૂપ જ છે.
એમ જાણો કેમકે અધિષ્ઠાન વિના તેમનું અસ્તિત્ત્વ સંભવતું નથી.
એ ચિત્તરૂપી શરીર વાસનાઓને અનુસરીને જ્યાં જવાની કે જે આકારે થવાની ઈચ્છા કરે છે.
ત્યાં તે જઈ શકે છે અને તે આકારે થઈ શકે છે.
એ ચિત્ત ત્રસરેણુની અંદર રહી શકે છે.
કાશનાં ગર્ભમાં વસી શકે છે.
અંકુરનાં કોરામાં પેસી શકે ચે.
અને પાંદડામાં રસરૂપ થઈ શકે છે.
તે જળમાં તરંગરૂપ થઈ શકે ચે, સિલાની અંદર નાચી શકે છે, મેઘ થઈને વરસી શકે છે અને શિલા થઈને સ્થિર રહી શકે છે.
ઈચ્છા પ્રમાણે તે આકાશમાં જઈ શકે છે, પર્વતોનાં ગર્ભમાં જઈ શકે છે, અને પોલાણા વિનાનાં પરમાણુરૂપ પણ થઈ શકે છે.
એ ચિત્ત જ આકાશરૂપ થાય છે, સમુદ્રમાં તરંગો - ચકરીઓની રચના ધારણ કરે છે અને પોતાનાંમાં પોતાનાથી અભિન્ન એવાં કરોડોડ બ્રહ્માંડોને ધારણ કરે છે.સૃષ્ટના આરંભમાં વાસનાઓ અનુસાર જાગ્રત થયેલું એ ચિત્ત આકાશરૂપ થાય છે.
આકાશરૂપ થઈ તેતે અનુક્રમે બ્રહ્માંડરૂપ થાય છે અને બ્રહ્માંડરૂપ થઈને તે પૂર્વકર્મોને અનુસરતી પ્રવૃત્તિઓ પણ કરે છે.
જેમ ઝાંઝવાનું પાણી મિથ્યા છતાં પણ ચિત્તથી ઉદય પામે છે તે પ્રમાણે આ સઘળું મિથ્યા બ્રહ્માંડ પણ ચિત્તથી ઉદય પામે છે.રામ બોલ્યા : ચિત્ત જ જગતરૂપી છે કે નથી ? જો ચિત્ત જ જગતરૂપ હોય તો પ્રત્યેક પ્રાણીનાં ચિત્ત ભિન્ન ભિન્ન હોય છે.
માટે ચિત્ત દિઠ જગતપણ ભિન્ન ભિન્ન હોવા જોઈએ.